88
કોરાહના કુટુંબનું એક સ્તુતિગીત. નિર્દેશકને – દર્દનાક બિમારી વિષે, હેમાન એઝાહીનું માસ્કીલ.
1 હે યહોવા, મારા તારણના દેવ,
મેં રાતદિવસ તમારી વિનંતી કરી છે.
2 હવે તમે મારી પ્રાર્થના સાંભળો,
મારા પોકાર તમારે કાને ધરો.
3 કારણ, મારું જીવન મુશ્કેલીઓથી ભરેલું છે,
અને હું જલદીથી મૃત્યુ પામીશ.
4 હું કબરમાં ઊતરનાર ભેગો ગણાયેલો છું,
અને લાચાર સ્થિતિમાં આવી પડ્યો છું.
5 હું મૃત્યુ પામેલાઓની વચ્ચે પેડેલા મૃતદેહ જેવો છું.
જેઓ યુદ્ધમાં મરાયા હતાં અને કબરમાં દટાયા હતાં.
અને હવે તમે તેઓને યાદ કરતાં નથી.
તેઓ તમારી કાળજીથી દૂર રખાયાં છે, હું તેમના જેવો છું.
6 તમે મને છેક નીચલા ખાડામા ધકેલી દીધોં,
તેવા ઊંડાણોમાં અતિશય અંધકાર હોય છે.
7 મારા પર તમારો કોપ અતિ ભારે છે,
તમારા સર્વ મોજાંથી હું દુ:ખમાં ડૂબી ગયો છું;
8 તમે મારા મિત્રો પાસે મારો તિરસ્કાર કરાવ્યો છે,
મારાથી તેઓ દૂર નાસે છે;
હું ફાંદામા ફસાઇ ગયો છું, અને તેમાંથી બહાર નીકળી શકતો નથી.
9 દુ:ખને લીધે મારી આંખો ક્ષીણ થાય છે;
હે યહોવા, મેં તને સદા અરજ કરી છે
અને તારી સંમુખ મેં મારા હાથ જોડ્યા છે.
10 શું તમે મૂએલા સમક્ષ ચમત્કારો દેખાડશો?
શું તેઓ ઊઠીને તારી આભારસ્તુતિ કરશે?
11 શું તારી કૃપા કબરમાં કે વિનાશમાં
તારું વિશ્વાસપણું જાહેરમાં કરવામાં આવશે?
12 શું અંધકારમાં તારાં કૃત્યો જે આશ્ચર્યકારક છો, તે વિષે,
અને વિસ્મરણના દેશમાં તમારાં ન્યાયીપણાંનાં કૃત્યો વિષે જણાવવામાં આવે છે?
13 પણ, હે યહોવા, સહાય માટે હું વિનંતી કરું છું,
દરરોજ સવારે મારી પ્રાર્થના તમારી સમક્ષ આવશે.
14 હે યહોવા, તમે મને તજો છો શા માટે?
શા માટે તમે તમારું મુખ મારાથી ફેરવો છો?
15 મારી યુવાવસ્થાથી જ મારા પર દુ:ખ આવી પડ્યાં છે.
હું તમારા ગુસ્સાથી દુ:ખી થયો છું. હું અસહાય છું.
16 તમારો ઉગ્ર કોપ મારા પર આવી પડ્યો છે,
તમારા તરફથી મને ત્રાસ થાય છે;
અને તેથી હું ભાંગી પડ્યો છું.
17 મને જળપ્રલયની જેમ દરરોજ ઘેરી લે છે,
અને તેઓએ મને ડૂબાડી દીધો છે.
18 તમે મારા મિત્રોને અને સબંધીઓને મારાથી દૂર કર્યા છે.
ફકત અંધકાર જ મિત્ર તરીકે મારી પાસે છે.