૧૦
૧ જયારે શેબાની રાણીએ યહોવાહના નામ સંબંધી સુલેમાનની કીર્તિ સાંભળી, ત્યારે તે અટપટા પ્રશ્નો વડે તેની કસોટી કરવા આવી. ૨ તે ઘણા અમલદારો અને સરંજમ લઈને સુગંધીદ્રવ્ય, પુષ્કળ સોનું તથા મૂલ્યવાન પાષાણો સાથે યરુશાલેમમાં આવી. તેણે સુલેમાન પાસે આવીને પોતાના મનમાં જે કંઈ હતું, તે સર્વ સંબંધી તેની સાથે વાત કરી.
૩ સુલેમાને તેના તમામ પ્રશ્રોના ઉત્તર આપ્યા. તેણે પૂછેલા તમામ પ્રશ્નોના જવાબો આપવાની જાણકારી સુલેમાન ધરાવતો હતો. ૪ જયારે શેબાની રાણીએ સુલેમાનનું સર્વ જ્ઞાન, તેનો બાંધેલો મહેલ, ૫ તેની મેજ પરનું ભોજન, તેના સેવકોનું બેસવું, તેના સેવકોનું કામ, તેઓનાં વસ્ત્રો, તેના પાત્રવાહકો તથા યહોવાહના ભક્તિસ્થાનમાં જે દહનીયાર્પણ તે ચઢાવતો હતો તે જોયાં, ત્યારે આભી બની ગઈ.
૬ તેણે રાજાને કહ્યું, “તમારાં કૃત્યો વિષે તથા તમારા જ્ઞાન વિષે થતી જે વાત મેં મારા પોતાના દેશમાં સાંભળી હતી તે સાચી છે. ૭ મેં આવીને મારી પોતાની નજરે તે જોયું, ત્યાં સુધી હું તે વાત માનતી ન હતી. મને તો અડધું પણ કહેવામાં આવ્યું ન હતું. જે કીર્તિ મેં સાંભળી હતી તે કરતાં તમારું જ્ઞાન તથા તમારી સમૃદ્ધિ વિશેષ છે.
૮ તમારા લોકો ઘણા આશીર્વાદિત છે અને તમારા સેવકો પણ ખૂબ આશીર્વાદિત છે, તેઓ નિત્ય તમારી સમક્ષ ઊભા રહીને તમારા જ્ઞાનનો લાભ લે છે! ૯ તમારા ઈશ્વર યહોવાહની સ્તુતિ થાઓ, તેમણે તમારા પર પ્રસન્ન થઈને તમને ઇઝરાયલના રાજ્યાસન પર બેસાડ્યા છે. કેમ કે યહોવાહે ઇઝરાયલ પરના પોતાના સતત પ્રેમને લીધે તમને ન્યાય તથા ઇનસાફ કરવા માટે રાજા બનાવ્યા છે!”
૧૦ શેબાની રાણીએ સુલેમાન રાજાને એકસો વીસ તાલંત સોનું, પુષ્કળ સુગંધીદ્રવ્ય અને મૂલ્યવાન પાષાણો આપ્યાં. શેબાની રાણીએ જે સુગંધીદ્રવ્યો સુલેમાન રાજાને આપ્યાં તેટલાં બધાં કદી ફરીથી તેને મળ્યાં ન હતા.
૧૧ હીરામનાં વહાણો ઓફીરથી સોનું લાવ્યાં હતાં, તે વહાણો પુષ્કળ પ્રમાણમાં સુખડનાં લાકડાં તથા મૂલ્યવાન પાષાણો પણ ઓફીરથી લાવ્યાં. ૧૨ રાજાએ તે સુખડનાં લાકડાંના યહોવાહના ભક્તિસ્થાનને માટે તથા રાજાના મહેલને માટે સ્તંભો તથા ગાનારાઓને માટે વીણા અને તંબૂરા બનાવ્યા. એવાં મૂલ્યવાન સુખડનાં લાકડાં આજ દિવસ સુધી કદી આવ્યાં કે દેખાયાં નહોતાં.
૧૩ શેબાની રાણીએ જે કંઈ માગ્યું તે તેની સર્વ ઇચ્છા પ્રમાણે સુલેમાન રાજાએ તેને આપ્યું, તે ઉપરાંત સુલેમાને પોતાની બક્ષિશો તેને આપી. પછી તે પછી વળીને પોતાના ચાકરો સાથે પરત પોતાના દેશમાં ગઈ.
૧૪ હવે દર વર્ષે સુલેમાનને ત્યાં જે સોનું આવતું હતું તેનું વજન છસો છાસઠ તાલંત હતું. ૧૫ વળી મુસાફર લોકો લાવતા હતા તે અને વેપારીઓના વેપારથી તથા મિશ્ર લોકોના સર્વ રાજાઓ તરફથી તથા દેશના સૂબાઓ તરફથી જે મળતું હતું તે તો જુદું.
૧૬ સુલેમાન રાજાએ ઘડેલા સોનાની બસો મોટી ઢાલ બનાવી. દરેક મોટી ઢાલમાં છસો શેકેલ સોનું વપરાયું હતું. ૧૭ તેણે ઘડેલા સોનાની બીજી ત્રણસો ઢાલ બનાવી. એ દરેક ઢાલમાં ત્રણ માનેહ સોનું વપરાયું હતું; રાજાએ તે ઢાલ લબાનોનના વનગૃહમાં મૂકી.
૧૮ પછી રાજાએ હાથીદાંતનું એક મોટું સિંહાસન બનાવ્યું અને તેના પર ચોખ્ખું સોનું મઢ્યું. ૧૯ સિંહાસનને છ પગથિયાં હતાં અને સિંહાસનનો ઉપલો ભાગ પાછળથી ગોળ હતો. બેઠકની પાસે બન્ને બાજુએ હાથા હતા અને તે હાથાઓની બાજુએ બે સિંહ ઊભા હતા. ૨૦ છ પગથીયા પર આ બાજુએ તથા બીજી બાજુએ બાર સિંહો ઊભેલા હતા. આના જેવું સિંહાસન કોઈપણ રાજ્યમાં બનાવવામાં આવ્યું ન હતું.
૨૧ સુલેમાન રાજાનાં પીવાનાં સર્વ પાત્રો સોનાનાં હતાં અને લબાનોન વનગૃહમાંનાં સર્વ પાત્રો ચોખ્ખા સોનાનાં હતાં. ચાંદીનું એક પણ પાત્ર જન હતું. કેમ કે સુલેમાનના સમયમાં ચાંદીની કશી વિસાત ન હતી. ૨૨ રાજાનો તાર્શીશ વહાણનો એક કાફલો હીરામના કાફલા સાથે સમુદ્ર પર ફરતો હતો. દર ત્રણ વર્ષે એકવાર તાર્શીશનો કાફલો સોનું, ચાંદી, હાથીદાંત, વાનરો અને મોર લઈને આવતો હતો.
૨૩ સુલેમાન રાજા પૃથ્વી પરના સર્વ રાજાઓ કરતાં દ્રવ્ય તથા જ્ઞાનમાં સૌથી શ્રેષ્ઠ હતો. ૨૪ ઈશ્વરે સુલેમાનના હૃદયમાં જે જ્ઞાન મૂક્યું હતું તે સાંભળવા આખી પૃથ્વી પરના લોકો સુલેમાનની સમક્ષ આવતા. ૨૫ તે દરેક પોતપોતાની ભેટો, એટલે સોનાચાંદીનાં પાત્રો, વસ્ત્રો, શસ્ત્રો, સુગંધીદ્રવ્ય, ઘોડા તથા ખચ્ચરો, વાર્ષિક ખંડણી તરીકે લાવતા હતા.
૨૬ સુલેમાને રથો અને ઘોડેસવારોને એકત્ર કર્યા. તેની પાસે એક હજાર ચારસો રથો અને બાર હજાર ઘોડેસવારો હતા. તેણે તેઓને રથનગરોમાં તથા યરુશાલેમમાં રાજાની પાસે રાખ્યા. ૨૭ રાજાએ યરુશાલેમમાં ચાંદી એટલી બધી વધારી દીધી કે તે પથ્થરને તોલે થઈ પડી. તેણે એરેજકાષ્ટ એટલાં બધાં વધાર્યા કે તે નીચાણના પ્રદેશના ગુલ્લર ઝાડના લાકડાંને તોલે થઈ પડ્યાં.
૨૮ સુલેમાન પાસે જે ઘોડા હતા તે મિસરમાંથી લાવવામાં આવેલા હતા. રાજાના વેપારીઓ તેમને જથ્થાબંધ, એટલે દરેક જથ્થાની અમુક કિંમત આપીને રાખતા હતા. ૨૯ એક રથની કિંમત છસો શેકેલ જેટલી હતી. એક ઘોડાની કિંમત એકસો પચાસ ચાંદી જેટલી હતી. એ પ્રમાણેની કિંમત ચૂકવીને એ જ પ્રમાણે મિસરમાંથી ઘોડા ખરીદયા હતા. હિત્તીઓના સર્વ રાજાઓને માટે તથા અરામના રાજાઓને માટે પણ વેપારીઓ તેઓને તે લાવી આપતા હતા.