ઈશ્વરના ટોળાનું પાલન
૧ તમારામાં જે વડીલો છે, તેઓનો હું સાથી વડીલ અને ખ્રિસ્તનાં દુઃખોનો સાક્ષી તથા પ્રગટ થનાર મહિમાના ભાગીદાર છું, તેથી તેઓને વિનંતી કરું છું કે, ૨ ઈશ્વરના લોકોનું જે ટોળું તમારી સંભાળમાં છે તેનું પ્રતિપાલન કરો અધ્યક્ષનું કામ ફરજ પડવાથી નહિ પણ સ્વેચ્છાએ કરો; લોભને સારું નહિ, પણ આતુરતાથી કરો. ૩ વળી તમારી જવાબદારીવાળાં સમુદાય પર માલિક તરીકે નહિ, પણ તેમને આદર્શરૂપ થાઓ, ૪ જયારે મુખ્ય ઘેટાંપાળક પ્રગટ થશે ત્યારે મહિમાનો કદી પણ કરમાઈ ન જનાર મુગટ તમે પામશો.
૫ એ જ પ્રમાણે જુવાનો, તમે વડીલોને આધીન થાઓ; અને તમે સઘળા એકબીજાને આધીન થઈને નમ્રતા ધારણ કરો, કેમ કે ઈશ્વર ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે, પણ નમ્ર માણસોને કૃપા આપે છે. ૬ એ માટે ઈશ્વરના સમર્થ હાથ નીચે તમે પોતાને નમ્ર કરો તે તમને યોગ્ય સમયે ઉચ્ચસ્થાને બેસાડે. ૭ તમારી સર્વ ચિંતા તેમના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.
૮ સાવચેત થાઓ, જાગતા રહો; કેમ કે તમારો વૈરી શેતાન ગાજનાર સિંહની જેમ કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે. ૯ તમે વિશ્વાસમાં દ્રઢ થઈને તેની સામે થાઓ, કેમ કે તમે જાણો છો કે, દુનિયામાંનાં તમારા ભાઈઓ પર એ જ પ્રકારનાં દુઃખો પડે છે.
૧૦ સર્વ કૃપાના ઈશ્વર જેમણે ખ્રિસ્તમાં તમને પોતાના અનંતકાળના મહિમાને સારુ બોલાવ્યા છે, તે પોતે તમે થોડીવાર સહન કરો ત્યાર પછી, તમને પૂર્ણ, સ્થિર તથા બળવાન કરશે. ૧૧ તેમને સદાસર્વકાળ સત્તા હોજો, આમીન.
છેલ્લી સલામ
૧૨ સિલ્વાનસ, જે સિલ્વાનસ, જેને હું વિશ્વાસુ ભાઈ માનું છું, તેની હસ્તક મેં ટૂંકમાં તમારા ઉપર લખ્યું છે, અને વિનંતી કરીને સાક્ષી આપી છે કે જે કૃપામાં તમે સ્થિર ઊભા રહો છો, તે ઈશ્વરની ખરી કૃપા છે. ૧૩ બેબિલોનમાંની મંડળી જેને તમારી સાથે પસંદ કરેલી છે તે તથા મારો દીકરો માર્ક તમને સલામ કહે છે. ૧૪ તમે પ્રેમના ચુંબનથી એકબીજાને સલામ કરજો.
ઈસુ ખ્રિસ્તમાં તમ સર્વને શાંતિ થાઓ. આમીન.