૨૨
૧ 'ભાઈઓ તથા વડીલો, હવે હું મારા બચાવમાં જે પ્રત્યુત્તર તમને આપું છે તે સાંભળો.'
૨ તેને હિબ્રૂ ભાષામાં બોલતો સાંભળીને તેઓએ વધારે શાંતિ જાળવી; ત્યારે પાઉલે કહ્યું કે,
૩ 'હું યહૂદી માણસ છું, કિલીકિયાના તાર્સસમાં જન્મેલો, પણ આ શહેરના ગમાલીએલના ચરણમાં ઊછરેલો, આપણા પૂર્વજોના નિયમશાસ્ત્ર પ્રમાણે ચુસ્ત રીતે શીખેલો, અને અત્યારે તમે સર્વ જેવા ઈશ્વર વિષે ઝનૂની છો તેવો હું પણ હતો. ૪ વળી હું આ માર્ગના પુરુષોને તેમ જ સ્ત્રીઓને બાંધીને જેલમાં નાખીને તેઓને મરણ પામતા સુધી સતાવતો હતો. ૫ પ્રમુખ યાજક તથા સમગ્ર વડીલો તે વિષે મારા સાક્ષી છે; વળી એમની પાસેથી ભાઈઓ ઉપર પત્ર લઈને હું દમસ્કસ જવા નીકળ્યો, એ માટે કે જેઓ ત્યાં હતા તેઓને પણ બાંધીને શિક્ષા કરવા સારુ યરુશાલેમમાં લાવું.
પોતાના બદલાણ વિષે પાઉલની સાક્ષી
૬ હું ચાલતાં ચાલતાં દમસ્કસ પાસે પહોંચ્યો, ત્યારે એમ થયું કે લગભગ મધ્યાહને મારી આસપાસ સ્વર્ગથી એકાએક મોટો પ્રકાશ ચમક્યો. ૭ ત્યારે હું જમીન પર પડી ગયો, અને મારી સાથે બોલતી હોય એવી એક વાણી મેં સાંભળી કે, શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે? ૮ ત્યારે મેં ઉત્તર આપ્યો કે, પ્રભુ, તમે કોણ છો? તેમણે મને કહ્યું કે, 'હું ઈસુ નાઝારી છું, જેને તું સતાવે છે.'
૯ મારી સાથે જે હતા તેઓએ તે પ્રકાશ જોયો તો ખરો, પણ મારી સાથે બોલનારની વાણી તેઓએ સાંભળી નહીં. ૧૦ ત્યારે મેં કહ્યું કે, પ્રભુ હું શું કરું? 'પ્રભુએ મને કહ્યું કે, ઊઠીને દમસ્કસમાં જા, જે સઘળું તારે કરવાનું નિયત કરાયેલું છે તે વિષે ત્યાં તને કહેવામાં આવશે. ૧૧ તે પ્રકાશના તેજના કારણથી હું જોઈ શક્યો નહિ, માટે મારા સાથીઓના હાથ પકડીને હું દમસ્કસમાં આવ્યો.
૧૨ અનાન્યા નામે એક માણસ નિયમશાસ્ત્રને આધારે ચાલનારો ઈશ્વરભક્ત હતો, જેનાં વિષે ત્યાં રહેનારા સઘળાં યહૂદીઓ સારું બોલતા હતા. ૧૩ તે મારી પાસે આવ્યો, તેણે મારી બાજુમાં ઊભા રહીને મને કહ્યું કે, 'ભાઈ શાઉલ, તું દેખતો થા.' અને તે જ ઘડીએ દેખતો થઈને મેં તેને જોયો.
૧૪ પછી તેણે કહ્યું કે, 'આપણા પૂર્વજોના ઈશ્વરે તેમની સેવા માટે તને પસંદ કર્યો છે કે, તું તેમની ઇચ્છા જાણે, તે ન્યાયીને જુએ અને તેમના મુખની વાણી સાંભળે. ૧૫ કેમ કે જે તેં જોયું છે, અને સાંભળ્યું છે, તે વિષે સર્વ લોકોની આગળ તું તેમનો સાક્ષી થશે. ૧૬ હવે તું કેમ ઢીલ કરે છે? ઊઠ અને તેમના નામની પ્રાર્થના કરીને બાપ્તિસ્મા લે, તારાં પાપોની ક્ષમા પામ.
વિદેશીઓમાં સુવાર્તાપ્રચાર માટે પાઉલના તેડા વિષે
૧૭ પછી એમ થયું કે હું યરુશાલેમમાં પાછો આવ્યો અને ભક્તિસ્થાનમાં પ્રાર્થના કરતો હતો, એવામાં મૂર્છાગત થઈ ગયો, ૧૮ [પ્રભુએ] મને દર્શન દઈને કહ્યું કે, 'ઉતાવળ કર, અને યરુશાલેમથી વહેલો નીકળ, કેમ કે મારા વિષે તારી સાક્ષી તેઓ માનશે નહિ.'
૧૯ ત્યારે મેં કહ્યું કે, 'પ્રભુ, તેઓ પોતે જાણે છે કે તારા પર વિશ્વાસ કરનારાઓને હું જેલમાં નાખતો હતો, દરેક સભાસ્થાનમાં તેઓને મારતો હતો; ૨૦ તમારા સાક્ષી સ્તેફનનું લોહી વહેવડાવવામાં આવ્યું ત્યારે હું પણ પાસે ઊભો હતો, અને તે કામમાં રાજી હતો, તેને મારી નાખનારાઓના વસ્ત્રો હું સાચવતો હતો.' ૨૧ ત્યારે તેમણે મને કહ્યું કે, 'તું ચાલ્યો જા, કેમ કે હું તને અહીંથી દૂર બિનયહૂદીઓની પાસે મોકલી દઈશ.'
૨૨ તેઓએ તેની વાત સાંભળી, પછી બૂમ પાડીને કહ્યું કે, 'એવા માણસને પૃથ્વી પરથી દૂર કરો, કેમ કે એ જીવવા યોગ્ય નથી. ૨૩ તેઓ બૂમ પાડતા, તથા પોતાના ઝભ્ભા ઉછાળતા, તથા પવનમાં ધૂળ ઉડાવતા હતા; ૨૪ ત્યારે સરદારે તેને કિલ્લામાં લાવવાની આજ્ઞા કરી, તેઓએ કયા કારણસર તેની વિરુદ્ધ હોહા કરી, તે જાણવા સારુ તેને કોરડા મારીને તપાસ કરવાનું ફરમાવ્યું.
૨૫ તેઓએ તેને ચામડાનાં દોરડાથી બાંધ્યો, ત્યારે પાઉલે પાસે ઊભેલા સૂબેદારને કહ્યું કે, 'જે માણસ રોમન છે, તથા ગુનેગાર ઠરાવવાંમાં આવ્યો નથી, તેને તમારે કોરડા મારવા શું કાયદેસર છે?' ૨૬ સૂબેદારે તે સાંભળ્યું એટલે તેણે જઈને સરદારને જણાવીને કહ્યું કે, 'તું શું કરવા માગે છે? એ માણસ તો રોમન છે.'
૨૭ ત્યારે સરદારે આવીને તેને કહ્યું કે, 'મને કહે, તું શું રોમન છે?' પાઉલે કહ્યું, 'હા.' ૨૮ ત્યારે સરદારે ઉત્તર દીધો કે, 'મોટી રકમ ચૂકવીને આ નાગરિકતાનો હક મેં ખરીદ્યો છે. પણ પાઉલે કહ્યું કે, 'હું તો જન્મથી જ [નાગરિક] છું.' ૨૯ ત્યારે જેઓ તેની તપાસ કરવાને તૈયાર હતા, તેઓ તરત તેને મૂકીને ચાલ્યા ગયા; અને તે રોમન છે, એ જાણ્યાંથી તથા પોતે તેને બંધાવ્યો હતો તેથી સરદાર પણ ડરી ગયો.
ન્યાયસભા સમક્ષ પાઉલ
૩૦ યહૂદીઓ શા કારણથી તેના પર દોષ મૂકે છે એ નિશ્ચે જાણવા ચાહીને તેણે બીજે દિવસે તેનાં બંધનો છોડ્યાં; મુખ્ય યાજકોને તથા તેઓની આખી ન્યાયસભાને હાજર થવાને આજ્ઞા આપી, પછી તેણે પાઉલને લાવીને તેઓની આગળ ઊભો રાખ્યો.