૩૨
૧ ત્યારબાદ એવું થયું કે બારમા વર્ષના બારમા માસની પહેલીએ યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું, ૨ “હે મનુષ્યપુત્ર, મિસરના રાજા ફારુન વિષે વિલાપ કરીને તેને કહે કે, 'તું પ્રજાઓ મધ્યે જુવાન સિંહ જેવો છે,
તું સમુદ્રમાંના મહામચ્છ જેવો છે; તેં પાણીને હલાવી નાખ્યાં છે,
તેં તારા પગથી પાણીને ડહોળીને તેઓનાં પાણી ગંદાં કર્યાં છે!'”
૩ પ્રભુ યહોવાહ આમ કહે છે કે:
“હું ઘણા લોકોની સભામાં મારી જાળ તારા પર પ્રસારીશ, તેઓ તને મારી જાળમાં બહાર ખેંચી લાવશે.
૪ હું તને જમીન પર પડતો મૂકીશ, હું તને ખેતરમાં ફેંકી દઈશ,
આકાશનાં સર્વ પક્ષીઓને તારી પર બેસાડીશ; પૃથ્વીનાં બધા જ જીવતાં પશુઓ તારાથી તૃપ્ત થશે.
૫ કેમ કે હું તારું માંસ પર્વત પર નાખીશ, તારા બચી ગયેલાંઓથી ખીણો ભરી દઈશ.
૬ ત્યારે હું તારું લોહી પર્વત પર રેડીશ,
નાળાંઓને તારા રક્તથી ભરી દઈશ.
૭ હું તને હોલવી દઈશ ત્યારે હું આકાશને ઢાંકી દઈશ અને તારાઓને અંધકારમય કરી નાખીશ.
હું સૂર્યને વાદળોથી ઢાંકી દઈશ અને ચંદ્ર પ્રકાશશે નહિ.
૮ હું આકાશના બધાં નક્ષત્રોને અંધકારમય કરી દઈશ,
તારા દેશમાં અંધકાર ફેલાવીશ.” એમ પ્રભુ યહોવાહ કહે છે.
૯ જ્યારે જે પ્રજાઓને તું જાણતો નથી તેઓના દેશોમાં હું તારો વિનાશ કરીશ, ત્યારે હું ઘણા લોકોનાં હૃદયોને પણ ત્રાસ પમાડીશ. ૧૦ તારા વિષે હું ઘણા લોકોને આઘાત પમાડીશ, જ્યારે હું મારી તલવાર તેઓની આગળ ફેરવીશ, ત્યારે તેઓના રાજાઓ તારે લીધે ભયથી કાંપશે. તારા પતનના દિવસે તેઓ બધા સતત કાંપશે.”
૧૧ કેમ કે પ્રભુ યહોવાહ કહે છે; “બાબિલના રાજાની તલવાર તારી સામે આવશે.
૧૨ હું તારા ચાકરોને યોદ્ધાઓની તલવારથી પાડીશ, તેઓ પ્રજાઓમાં સૌથી નિર્દય છે.
આ યોદ્ધાઓ મિસરનું ગૌરવ ઉતારશે અને તેના લોકોનો નાશ કરશે.
૧૩ કેમ કે હું મહાજળ પાસેથી તેનાં બધાં પશુઓનો પણ નાશ કરીશ;
માણસનો પગ પાણીને ડહોળશે નહિ કે પશુઓની ખરીઓ તેઓને ડહોળશે નહિ!
૧૪ ત્યારે હું તેઓની નદીઓને શાંત કરી દઈશ અને તેઓની નદીઓને તેલની જેમ વહેવડાવીશ.”
આમ પ્રભુ યહોવાહ કહે છે!
૧૫ હું મિસર દેશને પૂરેપૂરો ઉજ્જડ તથા તજી દીધેલું સ્થાન બનાવી દઈશ;
જ્યારે હું તેના બધા રહેવાસીઓ પર હુમલો કરીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.
૧૬ આ ગીત ગાઈને તેઓ વિલાપ કરશે. પ્રજાની દીકરીઓ વિલાપગાન ગાઈને રૂદન કરશે; તેઓ મિસર માટે વિલાપ કરશે.
તેઓ આખા સમુદાય માટે વિલાપ કરશે.” આમ પ્રભુ યહોવાહ કહે છે.
૧૭ વળી બારમા વર્ષમાં, તે મહિનાના પંદરમા દિવસે યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
૧૮ “હે મનુષ્યપુત્ર, મિસરના આખા સમુદાય માટે રુદન કર.
તેને તથા તેની પ્રખ્યાત પ્રજાની દીકરીઓને શેઓલમાં નીચે ઉતારનારાઓની સાથે તું તેઓને અધોલોકમાં નાખ.
૧૯ તેઓને કહે, 'શું તું ખરેખર બીજા કરતાં અતિ સુંદર છે? નીચે જા અને બેસુન્નતીઓની સાથે સૂઈ જા!'
૨૦ તેઓ તલવારથી કતલ થયેલાઓની મધ્યે જઈ પડશે. મિસર તલવારને આપવામાં આવે છે; તેના દુશ્મનો તેને તથા તેના સમુદાયને ખેંચી લઈ જશે.
૨૧ પરાક્રમીઓમાં જેઓ બળવાન છે તેઓ તેની તથા તેના સાથીઓની સાથે શેઓલમાંથી બોલશે:
'તેઓ અહીં નીચે આવ્યા છે! તેઓ તલવારથી મારી નંખાયેલા બેસુન્નતીઓ સાથે સૂઈ ગયા છે.
૨૨ આશૂર પોતાના લોકોની સાથે ત્યાં છે! તેની કબરો તેની આસપાસ છે.
તેઓ સર્વની તલવારથી કતલ થઈ હતી.
૨૩ તેઓની કબરો નીચે નરકમાં છે અને તેનો સમુદાય તેની કબરની આસપાસ છે.
જેઓ પૃથ્વી પર ત્રાસદાયક હતા,
જેઓ તલવારથી કતલ થઈને પડ્યા તેની આસપાસ તેની કબરો છે.
૨૪ તેની કબરોની આસપાસ એલામ તથા તેનો સમુદાય છે: તેઓમાંના બધા માર્યા ગયા છે.
જેઓ પૃથ્વી પર માણસોમાં ત્રાસદાયક હતા, તેઓ બધા તલવારથી કતલ થઈ પડ્યા છે,
તેઓ બેસુન્નત સ્થિતિમાં અધોલોકમાં ઊતરી ગયા છે, કબરમાં ઊતરી જનારાઓની સાથે લજ્જિત થયા છે.
૨૫ તેની આસપાસ તેની કબરો છે. તેઓએ એલામ તથા તેના સમુદાય માટે કતલ થયેલાઓની વચમાં પથારી કરી છે;
તેઓમાંના બધા બેસુન્નતીઓ તથા તલવારથી કતલ થયેલા છે. તેઓ પૃથ્વીમાં ત્રાસ લાવ્યા હતા.
તેઓ કબરમાં ઊતરી જનારાઓની સાથે લજ્જિત થશે. તેઓને મારી નંખાયેલા મધ્યે મૂકવામાં આવ્યા છે.
૨૬ મેશેખ, તુબાલ તથા તેનો સમુદાય પણ ત્યાં છે! તેની આસપાસ તેની કબરો છે.
તેઓમાંના બધા બેસુન્નત તથા કતલ થયેલા છે, કેમ કે તેઓ દેશમાં ત્રાસ લાવ્યા હતા!
૨૭ બેસુન્નતીઓમાં જે યોદ્ધાઓ માર્યા ગયા છે, તેઓ પોતાના યુદ્ધશસ્ત્રો સહિત શેઓલમાં ઊતરી ગયા છે,
અને પોતાની તલવારો પોતાના માથા નીચે મૂકી છે. તેઓના ભાલાઓ પોતાના હાડકા પર મૂક્યા છે?
કેમ કે તેઓ પૃથ્વી પર માણસોમાં શૂરવીરો ત્રાસદાયક હતા.
૨૮ હે મિસર, તારો પણ બેસુન્નતીઓની સાથે નાશ થશે. તલવારથી કતલ થયેલાઓની સાથે તું પડ્યો રહેશે.
૨૯ અદોમ પોતાના રાજાઓ તથા સેનાપતિઓ સહિત ત્યાં છે. તેઓ પરાક્રમી હતા. પણ તેઓ કતલ થયેલાઓની સાથે પડ્યા છે, બેસુન્નતીઓ સાથે તથા કબરમાં ઊતરનારાઓ સાથે પડી રહેશે.
૩૦ ત્યાં ઉત્તરના સર્વ સરદારો છે તથા સિદોનીઓ જેઓ મૃત્યુ પામેલાઓની સાથે નીચે ગયા છે. તેઓ પરાક્રમી હતા અને બીજાને ભય પમાડતા હતા, પણ તેઓ લજ્જિત થયા છે, તેઓ બેસુન્નત સ્થિતિમાં તલવારથી કતલ થયેલાઓની સાથે પડેલા છે. તેઓ કબરમાં ઊતરી જનારાઓની સાથે લજ્જિત થયા છે.
૩૧ ફારુન તેઓને જોઈને તલવારથી માર્યા ગયેલા પોતાના સમુદાય માટે દિલાસો પામશે.” આમ પ્રભુ યહોવાહ કહે છે. ૩૨ મેં પૃથ્વી પરનાં માણસોમાં મારો ત્રાસ બેસાડ્યો છે, પણ જેઓ તલવારથી માર્યા ગયેલા છે તેવા બેસુન્નતીઓની મધ્યે સૂઈ જશે.” આમ પ્રભુ યહોવાહ કહે છે!