૩૭
૧ હવે યહોયાકીમના દીકરા કોનિયાને સ્થાને તેણે યોશિયાના દીકરા સિદકિયાએ રાજ કર્યું. તેને તો બાબિલના રાજા નબૂખાદનેસ્સારે યહૂદિયા દેશનો રાજા નીમ્યો હતો. ૨ પણ યહોવાહે યર્મિયા પ્રબોધક દ્વારા જે વચનો કહેવડાવ્યાં હતાં તે સિદકિયા રાજાએ તથા તેના અધિકારીઓએ તથા દેશમાં બાકી રહેલા લોકોએ સાંભળ્યાં નહિ.
૩ તેમ છતાં સિદકિયાએ શેલેમ્યાના દીકરા યહૂકાલને તથા માસેયાના દીકરા યાજક સફાન્યાને યર્મિયા પાસે મોકલીને કહેવડાવ્યું કે, ''તું અમારે માટે યહોવાહ આપણા ઈશ્વર પાસે પ્રાર્થના કર.'' ૪ એ વખતે યર્મિયાને લોકોમાં જવા આવવાની છૂટ હતી કેમ કે હજી તેને કેદમાં નાખવામાં આવ્યો નહોતો. ૫ ફારુનના લશ્કરે મિસરમાંથી કૂચ કરી. અને જે ખાલદીઓએ યરુશાલેમને ઘેરો ઘાલ્યો હતો તેની જાણ થતાં જ તેઓ યરુશાલેમમાંથી જતા રહ્યા.
૬ પછી યહોવાહનું વચન યર્મિયા પ્રબોધકની પાસે આ પ્રમાણે આવ્યું કે, ૭ “યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; યહૂદિયાના જે રાજાએ તમને મારી પાસે પૂછવા મોકલ્યા, તેને કહો કે, ''જુઓ, તમને સહાય કરવાને ફારુનનું જે સૈન્ય મોકલ્યું છે, તે પોતાના મિસર દેશમાં પાછું જશે. ૮ અને ખાલદીઓ પાછા આવશે. અને આ નગર સામે લડશે. તેઓ તેને કબજે કરી તેને આગ લગાડી બાળી મૂકશે.
૯ યહોવાહ આ પ્રમાણે કહે છે કે; તમે પોતાની જાતને છેતરશો નહિ કે, ''ખાલદીઓ અમારી પાસેથી નિશ્ચે પાછા જશે,'' પણ તેઓ જવાના નથી. ૧૦ જો તમે બાબિલના સમગ્ર સૈન્યનો નાશ કરો અને તેઓમાંના મુઠ્ઠીભર માણસો બચી જાય અને ઘાયલ થઈને પોતાના તંબુઓમાં રહે તોપણ તેઓ ઊઠશે અને તમને પરાજિત કરશે. અને આ નગરને બાળી નાખશે."”'
૧૧ અને ત્યારે, ફારુનના સૈન્યની બીકને લીધે ખાલદીઓનું સૈન્ય યરુશાલેમમાંથી જતું રહ્યું. ૧૨ યર્મિયા યરુશાલેમ છોડીને પોતાના કુટુંબીઓની મિલકતમાંથી પોતાના ભાગ લેવા બિન્યામીનના પ્રદેશમાં જવા ઊપડ્યો. ૧૩ પરંતુ તે બિન્યામીનની ભાગળે પહોંચ્યો ત્યારે હનાન્યાના દીકરા શેલેમ્યાનો દીકરો ઇરિયા જે નાયક હતો તેણે યર્મિયા પ્રબોધકને પકડીને કહ્યું કે, “તું ખાલદીઓના પક્ષમાં જતો રહે છે.”
૧૪ યમિર્યાએ કહ્યું, “એ ખોટી વાત છે. હું ખાલદીઓના પક્ષમાં જતો નથી. પરંતુ તેણે તેનું કહ્યું માન્યું નહિ અને તેને પકડીને અમલદાર આગળ રજૂ કર્યો. ૧૫ સરદારોએ યર્મિયા પર કોપાયમાન થઈને તેને માર્યો. અને તેને યહોનાથાન ચિટનીસના ઘરમાં કેદ કર્યો. કેમ કે તે મકાન તેઓનું કેદખાનું હતું.
૧૬ યર્મિયા કારાગૃહના ભોંયરામાં ગયો અને લાંબા સમય સુધી તે ત્યાં જ રહ્યો. ૧૭ સમય જતાં સિદકિયા રાજાએ ગુપ્ત રીતે તેને મહેલમાં તેડી મંગાવ્યો. રાજાએ તેને પૂછ્યું કે, આજના દિવસોમાં ''શું યહોવાહ તરફથી કોઈ વચન છે?'' યર્મિયાએ કહ્યું, હા, છે, ''વળી તને બાબિલના રાજાના હાથમાં સોંપવામાં આવશે.''
૧૮ ત્યારબાદ યર્મિયાએ સિદકિયા રાજાને કહ્યું, મેં તમારો કે તમારા સેવકોનો તથા તમારા લોકોનો શો અપરાધ કર્યો છે કે તેં મને કેદ કર્યો છે? ૧૯ જે પ્રબોધકોએ તમને કહ્યું હતું કે, બાબિલનો રાજા તમારા પર કે તમારા દેશ પર હુમલો નહિ કરે, તેઓ ક્યાં ગયા? ૨૦ તેથી, મારા ઘણી મારા રાજા, મહેરબાની કરીને મને સાંભળો, મારી નમ્ર વિનંતિ ધ્યાનમાં લો. તમે મને પાછો યહોનાથાન ચિટનીસને ઘરે ન મોકલશો, રખેને હું ત્યાં મરણ પામું.''
૨૧ ત્યારે સિદકિયા રાજાએ આજ્ઞા કરી કે, યર્મિયાને ચોકીમાં રહે. અને નગરમાંની સર્વ રોટલી થઈ રહી ત્યાં સુધી ભઠ્ઠીયારાઓના મહોલ્લાઓમાંથી તેને રોજ રોટલીનો એક ટુકડો આપવામાં આવતો હતો. આમ યમિર્યા ચોકીમાં રહ્યો.