૨૩
૧ યહોવાહે મૂસાને કહ્યું, ૨ “ઇઝરાયલીઓને તું કહે કે યહોવાહના પર્વો નીચે મુજબ છે, તમારે યહોવાહના પસંદ કરેલા ઉત્સવોએ પવિત્ર મેળાવડા કરવાનો ઢંઢેરો પિટાવવો.
૩ છ દિવસ કામ કરવું, પણ સાતમો દિવસ સંપૂર્ણ વિશ્રામનો અને પવિત્ર મેળાવડાનો દિવસ છે. એ દિવસે કામ ન કરવું. તમારા સર્વ રહેઠાણોમાં તે યહોવાહનો વિશ્રામવાર છે.
૪ પ્રતિવર્ષ યહોવાહના જે ઉત્સવો ઊજવવાના, મેળાવડા કરવા માટે ઢંઢેરો પિટાવવાના આ પવિત્ર ઉત્સવો છે તે આ છે. ૫ પહેલા માસમાં, એટલે પહેલા માસના ચૌદમા દિવસે સાંજે યહોવાહનું પાસ્ખાપર્વ છે. ૬ એ માસના પંદરમાં દિવસે યહોવાહનું બેખમીરી રોટલીનું પર્વ છે. તમારે સાત દિવસ સુધી બેખમીરી રોટલી ખાવી.
૭ પહેલા દિવસે તમારે પવિત્ર મેળાવડો કરવો. તેમાં કોઈ દૈનિક સાંસારિક કાર્ય કરવું નહિ. ૮ પણ સાત દિવસ તમારે યહોવાહને હોમયજ્ઞ ચઢાવવો. સાતમા દિવસે પણ તમારે મેળાવડો કરવો. અને રોજના કામ કરવા નહિ.'”
૯ યહોવાહે મૂસાને કહ્યું, ૧૦ “ઇઝરાયલીઓને કહે કે, 'જે દેશ હું તમને આપવાનો છું તેમાં તમે જાઓ અને પાક લણો ત્યારે તમારે પહેલા પાકની પ્રથમ ફળની પૂળી તમારે યાજક પાસે લાવવી. ૧૧ યાજક વિશ્રામવારના બીજા દિવસે તે પૂળીને યહોવાહની આગળ ઉપર કરે કે જેથી તે તમારે સારુ માન્ય થાય.
૧૨ જે દિવસે તમે પૂળી મને ચઢાવો તે દિવસે તમારે એક વર્ષનો એબરહિત ઘેટો યહોવાહને દહનીયાર્પણ તરીકે ચઢાવવો. ૧૩ અને તેને માટે ખાદ્યાર્પણ તરીકે તેલમાં મોહેલા સોળ વાટકા મેંદાનો લોટ લઈને સુવાસિત હોમયજ્ઞ યહોવાહને ચઢાવવો તથા પેયાર્પણ તરીકે એક લિટર દ્રાક્ષારસ લાવવો. ૧૪ તમે આ પ્રમાણે અર્પણો ચઢાવો નહિ ત્યાં સુધી એટલે કે તે અગાઉ તમારે નવા પાકમાંથી કશું ખાવું નહિ. તાજો પોંક, રોટલી કે લીલાં કણસલાં, આમાંનું કશું જ ખાવું નહિ. તમારી વંશપરંપરા તમારા સર્વ રહેઠાણોમાં એ સદાનો વિધિ થાય.
૧૫ વિશ્રામવાર પછીના દિવસથી તમે જે દિવસે પૂળીની ભેટ ચઢાવો તે દિવસથી પૂરા સાત અઠવાડિયા ગણવાં. ૧૬ સાતમા અઠવાડિયા પછીના સાબ્બાથે એટલે કે પચાસમા દિવસે, તમારે યહોવાહને નવા પાકમાંથી ખાદ્યાર્પણ કરવું.
૧૭ તમારે તમારાં ઘરમાંથી ખમીર નાખીને બનાવેલી બે દશાંશ એફાહની (સોળ વાટકા) મેંદાની બે રોટલી લાવવી. એ યહોવાહને તમારા પાકના પ્રથમ ફળનું અર્પણ છે. ૧૮ રોટલી ઉપરાંત યહોવાહને દહનીયાર્પણરૂપે તમારે એક વર્ષના ખામી વગરનાં ઘેટાંનાં સાત બચ્ચા, એક વાછરડું અને બે ઘેટાં અર્પણ કરવા. આ સર્વને અનુરૂપ ખાદ્યાર્પણ અને પેયાર્પણથી યહોવાહને સારુ સુવાસિત હોમયજ્ઞ થાય.
૧૯ તમારે એક બકરો પાપાર્થાર્પણ તરીકે અને શાંત્યર્પણ તરીકે એક વર્ષના બે નર ઘેટાં પણ ચઢાવવા. ૨૦ અને યાજક પ્રથમ ફળની રોટલી સાથે તેઓને તથા પેલા બે ઘેટાંને યહોવાહની સંમુખ અર્પણ કરે. તે પવિત્ર અર્પણ યાજકને સારુ યહોવાહને અર્પિત થાય. ૨૧ એ જ દિવસે તમારે પવિત્ર મેળાવડાનો ઢંઢેરો પીટવો. તે દિવસે કોઈ સાંસારિક કામ કરવાં નહિ, તમે ગમે ત્યાં રહેતા હોય છતાં તમારા વંશજોને માટે એ સદાનો વિધિ થાય.
૨૨ તમે જયારે પાક લણો, ત્યારે તમારે છેક ખેતરના ખૂણા સુધી પૂરેપૂરું કાપવું નહિ. તેમ જ તેમાંથી પડી રહેલો પાક વીણી લેવો નહિ. તમારે તેને ગરીબો તથા પરદેશીઓ માટે રહેવા દેવો. હું તમારો ઈશ્વર યહોવાહ છું.'”
૨૩ યહોવાહે મૂસાને કહ્યું, ૨૪ “ઇઝરાયલના લોકોને કહે કે સાતમા માસના પહેલા દિવસે તમારે પવિત્ર વિશ્રામ, રણશિંગસાદની યાદગીરી અને પવિત્ર મેળાવડો કરવો. ૨૫ એ દિવસે તમારે રણશિંગડા વગાડવા અને પવિત્ર મેળાવડો કરવો. તમારે રોજનું કોઈ કામ કરવું નહિ, પરંતુ યહોવાહને હોમયજ્ઞ ચઢાવવો.'”
૨૬ પછી યહોવાહે મૂસાને કહ્યું, ૨૭ “સાતમા માસનો દશમો દિવસ પ્રાયશ્ચિતનો દિવસ છે. એ દિવસે પવિત્ર મેળાવડો રાખવો. ઉપવાસ કરવો અને યહોવાહને હોમયજ્ઞ ચઢાવવો.
૨૮ એ દિવસે તમારે કોઈ કામ કરવું નહિ, કેમ કે તે પ્રાયશ્ચિતનો દિવસ છે. તે દિવસે તમારા ઈશ્વર યહોવાહ સમક્ષ તમારે પ્રાયશ્ચિત કરવું. ૨૯ જે કોઈ તે દિવસે ઉપવાસ નહિ કરે તો તેને તેના લોકોમાંથી અલગ કરવામાં આવશે.
૩૦ જે કોઈ આ દિવસે કોઈ પણ કામ કરશે તો હું યહોવાહ તેના લોકોમાંથી તેનો નાશ કરીશ. ૩૧ તે દિવસે તમારે કોઈપણ પ્રકારનું કામ કરવું નહિ, તમારા રહેઠાણોમાં તમારા લોકોના વંશજો માટે એ સદાનો વિધિ થાય. ૩૨ આ તો પવિત્ર વિશ્રામનો દિવસ છે, માટે તમે ઉપવાસ કરો અને આત્મકષ્ટ કરો. નવમા દિવસની સાંજથી પછીના દિવસની સાંજ સુધી તમારે વિશ્રામ પાળવો.”
૩૩ યહોવાહે મૂસાને કહ્યું, ૩૪ “ઇઝરાયલના લોકોને એમ કહે કે, આ સાતમા મહિનાના પંદરમા દિવસે યહોવાહનું માંડવાપર્વ છે અને તે સાત દિવસ સુધી ચાલશે.
૩૫ પ્રથમ દિવસે તમારે પવિત્ર મેળાવડો કરવો. તમારે એ દિવસે કોઈ કાર્ય કરવું નહિ. ૩૬ પર્વના સાતેય દિવસ તમારે યહોવાહ સમક્ષ હોમયજ્ઞો અર્પણ કરવા. આઠમા દિવસે ફરીથી પવિત્ર મેળાવડો કરવો અને ફરીથી હોમયજ્ઞો અર્પણ કરવા. આ પછી પર્વની ઊજવણી પૂરી કરવી, આ દિવસે પણ તમારે કોઈ પણ સાંસારિક કામ કરવાં નહિ.
૩૭ આ બધા યહોવાહના વાર્ષિક પર્વો છે. આ પર્વો પર પવિત્ર મેળાવડા યોજવા, એ દિવસો દરમ્યાન નક્કી કરેલા નિયમ મુજબ દહનીયાર્પણ, ખાદ્યાર્પણ અને પેયાર્પણ યહોવાહને અર્પણ કરવા. ૩૮ યહોવાહના વિશ્રામવારો, તમારા દાન તથા તમારી સર્વ માનતાઓ તથા તમારા સર્વ ઐચ્છિકાર્પણો જે તમે યહોવાહને અર્પણ કરો છો તે ઉપરાંત એ છે.
૩૯ તેમ છતાં સાતમા માસના પંદરમા દિવસે જમીનની ઊપજનો સંગ્રહ કરી રહ્યા બાદ તમારે યહોવાહને સારુ સાત દિવસ સુધી આ પર્વ ઊજવવું. પહેલો દિવસ અને આઠમો દિવસ પવિત્ર વિશ્રામ પાળવો.
૪૦ પ્રથમ દિવસે તમારે વૃક્ષોના ઉત્તમ ફળ, ખજૂરીની ડાળીઓ, તથા ઘટાદાર વૃક્ષોના ડાળખાં અને નાળાના વેલાઓ લઈને તમારે યહોવાહ તમારા ઈશ્વરની સંમુખ સાત દિવસ સુધી ઉત્સવ કરવો. ૪૧ તમારે પ્રતિવર્ષ યહોવાહના માનમાં સાત દિવસ આ ઉત્સવ ઊજવવો. તમારા વંશજો માટે એ સદાનો વિધિ થાય. સાતમા માસમાં તમારે આ પર્વ પાળવું.
૪૨ એ સાત દિવસો દરમિયાન તમારે માંડવાઓમાં રહેવું. ઇઝરાયલના સર્વ વતનીઓએ સાત દિવસ સુધી માંડવાઓમાં રહેવું. ૪૩ જેથી તમારા વંશજોને, પેઢી દર પેઢી યાદ રહે કે હું તમને ઇઝરાયલીઓને મિસરમાંથી બહાર લઈ આવ્યો ત્યારે મેં તમને માંડવાઓમાં વસાવ્યા હતા. હું યહોવાહ તમારો ઈશ્વર છું.'” ૪૪ મૂસાએ યહોવાહે મુકરર કરેલા પર્વો વિષે ઇઝરાયલીઓને કહી જણાવ્યું.