૨૦
ઈસુના અધિકાર વિષે પ્રશ્ન
૧ તે અરસામાં એક દિવસે એમ થયું કે ઈસુ ભક્તિસ્થાનમાં લોકોને બોધ આપતા અને સુવાર્તા પ્રગટ કરતા હતા, ત્યારે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલો પાસે આવીને ઊભા રહ્યા. ૨ તેમની સાથે વાત કરતાં તેઓએ કહ્યું કે, 'અમને કહે કે, કયા અધિકારથી તું આ કામો કરો છો? આ અધિકાર તને કોણે આપ્યો છે?'
૩ ઈસુએ તેઓને જવાબ આપતા કહ્યું કે, 'હું પણ તમને એક વાત પૂછું છું, તે મને કહો ૪ યોહાનનું બાપ્તિસ્મા સ્વર્ગથી હતું કે માણસોથી?'
૫ તેઓએ અંદરોઅંદર વિચાર કરીને કહ્યું કે, 'જો કહીએ કે સ્વર્ગથી, તો તે કહેશે, તો તમે તેના પર કેમ વિશ્વાસ કર્યો નહિ? ૬ અને જો કહીએ કે 'માણસોથી', તો બધા લોકો આપણને પથ્થર મારશે, કેમ કે તેઓને ખાતરી છે કે યોહાન પ્રબોધક હતો.'
૭ તેઓએ ઉત્તર આપ્યો કે, 'તે ક્યાંથી હતું એ અમે નથી જાણતા.' ૮ ઈસુએ તેઓને કહ્યું કે, “હું પણ તમને કહેતો નથી કે કયા અધિકારથી હું આ કામો કરું છું.'
દ્રાક્ષાવાડીના ખેડૂતોનું દ્રષ્ટાંત
૯ તે લોકોને આ દ્રષ્ટાંત કહેવા લાગ્યા કે, 'એક માણસે દ્રાક્ષાવાડી રોપી, અને તે ખેડૂતોને ભાડે આપી, પછી લાંબા સમય સુધી તે પરદેશ જઈને રહ્યો. ૧૦ મોસમે તેણે ખેડૂતોની પાસે એક નોકરને મોકલ્યો કે તેઓ દ્રાક્ષાવાડીના ફળનો ભાગ તેને આપે; પણ ખેડૂતોએ તેને મારીને ખાલી હાથે પાછો મોકલ્યો.
૧૧ પછી તેણે બીજા એક ચાકરને મોકલ્યો; તેઓએ તેને પણ મારીને તથા અપમાન કરીને ખાલી હાથે કાઢી મૂક્યો. ૧૨ તેણે ત્રીજા નોકરને મોકલ્યો; અને તેઓએ તેને પણ ઘાયલ કરીને કાઢી મૂક્યો.
૧૩ દ્રાક્ષાવાડીના માલિકે કહ્યું કે, 'હું શું કરું? હું મારા વહાલા દીકરાને મોકલીશ, તેને જોઈને કદાપિ તેઓ તેનું માન રાખે.' ૧૪ પણ ખેડૂતોએ જયારે તેને જોયો ત્યારે તેઓએ માંહોમાંહે મનસૂબો કરીને કહ્યું કે, આ વારસ છે, ચાલો, આપણે તેને મારી નાખીએ કે વારસો આપણો થાય.
૧૫ તેઓએ તેને વાડીમાંથી બહાર ધકેલીને મારી નાખ્યો. માટે હવે દ્રાક્ષાવાડીનો માલિક તેઓને શું કરશે? ૧૬ તે આવીને ખેડૂતોનો નાશ કરશે, અને દ્રાક્ષાવાડી બીજાઓને આપશે. અને એ સાંભળીને તેઓએ કહ્યું કે, 'એવું ન થાઓ.'
૧૭ પણ ઈસુએ તેઓની તરફ જોઈને કહ્યું, કે 'આ જે લખેલું છે તેનો અર્થ શો છે?, એટલે, જે પથ્થરનો બાંધનારાઓએ નકાર કર્યો તે ખૂણાનો મુખ્ય પથ્થર (કોણશિલા) થયો. ૧૮ તે પથ્થર પર જે કોઈ પડશે તેના ટુકડેટુકડાં થઈ જશે, પણ જેનાં પર તે પડશે તેનો તે છુંદો કરી નાખશે.'
કાઈસારને કર ભરવો કે નહિ
૧૯ શાસ્ત્રીઓએ તથા મુખ્ય યાજકોએ તે જ ઘડીએ તેમના પર હાથ નાખવાની કોશિશ કરી; પણ તેઓ લોકોથી બીધા, કેમ કે તેઓ સમજ્યા કે, તેમણે આ દ્રષ્ટાંત આપણા પર કહ્યું છે. ૨૦ તેમના પર નજર રાખીને તેઓએ ન્યાયી હોવાનો દેખાવ કરનારા જાસૂસોને મોકલ્યા, એ સારુ કે તેઓ તેમને વાતમાં પકડીને તેમને રાજ્યપાલના હવાલામાં તથા અધિકારમાં સોંપી દે.
૨૧ તેઓએ ઈસુને પૂછ્યું કે, 'ઉપદેશક, અમે જાણીએ છીએ, કે તમે જે કહો છો અને શીખવો છો સત્ય છે, અને તમે કોઈની શરમ રાખતા નથી, પણ સચ્ચાઈથી ઈશ્વરનો માર્ગ શીખવો છો; ૨૨ તો આપણે કાઈસારને કર આપવો ઉચિત છે કે નહિ?'
૨૩ પણ તેઓનું કપટ જાણીને ઈસુએ તેઓને કહ્યું કે, ૨૪ 'મને એક દીનાર સિક્કો દેખાડો; એના પર કોની છાપ તથા કોનો લેખ છે?' અને તેઓએ કહ્યું કે, 'કાઈસારનાં.'
૨૫ ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, 'તો જે કાઈસારનું છે તે કાઈસારને અને જે ઈશ્વરનું છે તે ઈશ્વરને ચૂકવી આપો.' ૨૬ લોકોની આગળ તેઓ આ વાતમાં ઈસુને પકડી શક્યા નહિ, અને તેમના ઉત્તરથી આશ્ચર્ય પામીને તેઓ ચૂપ રહ્યા.
એક સ્ત્રીનાં સાત પતિનો દાખલો
૨૭ સદૂકીઓ જે કહે છે કે મરણોત્થાન નથી, તેઓમાંના કેટલાકે તેમની પાસે આવીને પૂછ્યું કે, ૨૮ 'ઉપદેશક, મોઝિસે અમારે વાસ્તે લખ્યું છે કે, જો કોઈનો ભાઈ, તેની પત્ની જીવતી છતાં, સંતાન વિના મૃત્યુ પામે, તો તેનો ભાઈ તેની પત્નીને પરણે અને પોતાના ભાઈને સારુ સંતાન ઉપજાવે.
૨૯ હવે, સાત ભાઈ હતા; અને પહેલો પત્નીને પરણીને સંતાન વિના મરણ પામ્યો; ૩૦ પછી બીજાએ તેને પત્ની કરી અને તેના મરણ પછી ૩૧ ત્રીજાએ તેને પત્ની કરી. એમ સાતેય ભાઈઓ નિ:સંતાન મરણ પામ્યા. ૩૨ પછી તે સ્ત્રી પણ મરણ પામી. ૩૩ તો મરણોત્થાનમાં તે તેઓમાંના કોની પત્ની થશે? કેમ કે તે સાતેયની પત્ની થઈ હતી.'
૩૪ ઈસુએ તેઓને કહ્યું કે, 'આ જગતના છોકરાં પરણે છે તથા પરણાવાય છે; ૩૫ પણ જેઓ જગતને તથા મરેલામાંથી મરણોત્થાન પામવાને યોગ્ય ગણાય છે, તેઓ પરણતા નથી તથા પરણાવતા નથી; ૩૬ કેમ કે તેઓ ફરીથી મરણ પામી શકતા નથી; કારણ કે તેઓ સ્વર્ગદૂતો સમાન છે; મરણોત્થાનના દીકરા હોવાથી તેઓ ઈશ્વરના દીકરા છે.
૩૭ વળી 'ઝાડવાં' નામના પ્રકરણમાં મૂસા પ્રભુને ઇબ્રાહિમનાં ઈશ્વર તથા ઇસહાકના ઈશ્વર તથા યાકૂબના ઈશ્વર કહે છે, ત્યારે તે પણ એવું જણાવે છે કે મૂએલાં ઉઠાડાય છે. ૩૮ હવે તે મૂએલાના ઈશ્વર નથી, પણ જીવતાંઓના ઈશ્વર છે; કેમ કે બધા તેમને અર્થે જીવે છે.'
૩૯ શાસ્ત્રીઓમાંના કેટલાકે જવાબ આપતાં કહ્યું કે, 'ઉપદેશક, તમે સાચું કહ્યું.' ૪૦ પછીથી તેમને કશું પૂછવાની તેઓની હિંમત ચાલી નહિ.
મસીહ-દાઉદપુત્ર
૪૧ ઈસુએ તેઓને કહ્યું કે, 'ખ્રિસ્ત દાઉદ નો દીકરો છે, એમ લોકો કેમ કહે છે? ૪૨ કેમ કે દાઉદ પોતે ગીતશાસ્ત્રમાં કહે છે કે, પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે, ૪૩ હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ. ૪૪ દાઉદ તો તેમને પ્રભુ કહે છે, માટે તે તેનો દીકરો કેમ હોય?'
શાસ્ત્રીઓ વિષે સાવધાન રહેવા સંબંધી
૪૫ સઘળા લોકોના સાંભળતાં ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, ૪૬ 'શાસ્ત્રીઓથી સાવધાન રહો, કેમ કે તેઓ ઝભ્ભા પહેરીને ફરવાનું, તથા ચોકમાં સલામો પામવાનું તથા સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા જમણવારમાં મુખ્ય જગ્યાઓ ચાહે છે; ૪૭ જેઓ વિધવાઓની મિલકત પડાવી લે છે અને દંભથી લાંબી પ્રાર્થનાઓ કરે છે; તેઓ વિશેષ શિક્ષા ભોગવશે.'