૧૧
યોહાન બાપ્તિસ્ત તરફથી સંદેશો
૧ ઈસુ પોતાના બાર શિષ્યોને આજ્ઞા આપી ચૂક્યા, ત્યારે એમ થયું કે બોધ કરવાને તથા વાત પ્રગટ કરવાને ત્યાંથી તેઓનાં નગરોમાં તે ગયા. ૨ હવે યોહાને જેલમાં ખ્રિસ્તનાં કાર્યો સંબંધી સાંભળીને પોતાના શિષ્યોને મોકલીને તેમને પુછાવ્યું કે, ૩ “જે આવનાર છે તે તમે જ છો કે, અમે બીજાની રાહ જોઈએ?”
૪ ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “તમે જે જે સાંભળો છો તથા જુઓ છો, તે જઈને યોહાનને કહી બતાવો કે, ૫ 'અંધજનો દેખતા થાય છે, પગે અપંગ ચાલતા થાય છે, રક્તપિત્તના રોગી શુદ્ધ કરાય છે, બહેરા સાંભળતાં થાય છે; મૃત્યુ પામેલાઓ સજીવન થાય છે, તથા દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરાય છે. ૬ જે કોઈ મને સ્વીકાર કરવા સમર્થ છે તે આશીર્વાદિત છે.”
૭ જયારે તેઓ જતા હતા ત્યારે ઈસુ યોહાન સંબંધી લોકોને કહેવા લાગ્યા કે, “તમે અરણ્યમાં શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા ઘાસને? ૮ પણ તમે શું જોવા નીકળ્યા? શું મુલાયમ વસ્ત્રો પહેરેલા માણસને? જુઓ, જે એવાં વસ્ત્રો પહેરે છે તેઓ તો રાજમહેલોમાં છે.
૯ તો તમે શું જોવા નીકળ્યા? શું પ્રબોધકને? હું તમને કહું છું કે, હા, પ્રબોધક કરતાં જે ઘણાં અધિક છે તેને. ૧૦ જેનાં સંબંધી એમ લખેલું છે કે, 'જો, હું મારા સંદેશવાહકને તારી આગળ મોકલું છું, જે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે.'
૧૧ હું તમને નિશ્ચે કહું છું કે, જેટલાં સ્ત્રીઓથી જનમ્યાં છે, તેઓમાં યોહાન બાપ્તિસ્મા કરનાર કરતાં કોઈ મોટો ઉત્પન્ન થયો નથી, તોપણ સ્વર્ગના રાજ્યમાં જે સૌથી નાનો છે તે પણ તેના કરતાં મોટો છે. ૧૨ યોહાન બાપ્તિસ્મા કરનારનાં સમયથી તે અત્યાર સુધી સ્વર્ગના રાજ્ય પર બળજબરી થાય છે, તથા બળજબરી કરનારાઓ તેને છીનવી લે છે.
૧૩ કેમ કે બધા પ્રબોધકોએ તથા નિયમશાસ્ત્રે યોહાન સુધી પ્રબોધ કર્યો છે. ૧૪ જો તમે માનવા ચાહો તો એલિયા જે આવનાર છે તે એ જ છે. ૧૫ જેને સાંભળવાને કાન છે તે સાંભળે.
૧૬ પણ આ પેઢીને હું શાની ઉપમા આપું? તે છોકરાંનાં જેવી છે કે, જેઓ બજારોમાં બેસીને પોતાના સાથીઓને હાંક મારતાં કહે છે કે, ૧૭ અમે તમારી આગળ વાંસળી વગાડી, પણ તમે નાચ્યા નહિ; 'અમે શોક કર્યો, પણ તમે રડ્યા નહિ.'
૧૮ કેમ કે યોહાન ખાતો પીતો નથી આવ્યો, અને તેઓ કહે છે કે,' તેને દુષ્ટાત્મા વળગ્યો છે.' ૧૯ માણસનો દીકરો ખાતોપીતો આવ્યો, તો તેઓ કહે છે કે, 'જુઓ, ખાઉધરો અને દારૂબાજ માણસ, જકાત ઉઘરાવનારનો તથા પાપીઓનો મિત્ર! પણ જ્ઞાન પોતાનાં કૃત્યોથી યથાર્થ ઠરે છે.'”
અવિશ્વાસી ગામોની નઠોરતા
૨૦ ત્યારે જે નગરોમાં તેમના પરાક્રમી કામો ઘણાં થયાં હતાં, તેઓએ પસ્તાવો નહિ કર્યો, માટે તે તેઓની ટીકા કરી કે, ૨૧ “ઓ ખોરાજીન, તને હાય! ઓ બેથસાઈદા, તને હાય! કેમ કે તમારામાં જે પરાક્રમી કામ થયાં છે, તે જો તૂર તથા સિદોનમાં થયાં હોત, તો તેઓએ ટાટ તથા રાખમાં બેસીને ક્યારનોય પસ્તાવો કર્યો હોત. ૨૨ વળી હું તમને કહું છું કે ન્યાયકાળે તૂર તથા સિદોનને તમારા કરતાં સહેલ થશે.
૨૩ ઓ કપર-નાહૂમ, તું સ્વર્ગ સુધી ઊંચું કરાશે શું? તને હાદેસ સુધી નીચું કરી નંખાશે; કેમ કે જે પરાક્રમી કામો તારામાં થયાં તે જો સદોમમાં થયાં હોત, તો તે આજ સુધી રહેત. ૨૪ વળી હું તમને કહું કે, ન્યાયકાળે સદોમ દેશને તારા કરતાં સહેલ થશે.”
મારી પાસે આવીને આરામ પામો
૨૫ તે વેળા ઈસુએ કહ્યું કે, “ઓ પિતા, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું, કેમ કે જ્ઞાનીઓ તથા સમજણોથી તમે એ વાતો ગુપ્ત રાખી તથા બાળકોની આગળ પ્રગટ કરી છે. ૨૬ હા, ઓ ઈશ્વરપિતા, કેમ કે તમને તે સારું લાગ્યું. ૨૭ મારા પિતાએ મને સઘળું સોંપ્યું છે; પિતા સિવાય દીકરાને કોઈ જાણતું નથી અને દીકરા સિવાય પિતાને કોઈ જાણતું નથી, તથા જેમને દીકરો પ્રગટ કરવા ચાહે તેનેજ પિતા જાણે છે.
૨૮ ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો, અને હું તમને વિસામો આપીશ. ૨૯ મારી ઝૂંસરી તમે પોતા પર લો, અને મારી પાસેથી શીખો; કેમ કે હું મનમાં નમ્ર તથા દીન છું, તમે તમારા જીવમાં વિસામો પામશો. ૩૦ કેમ કે મારી ઝૂંસરી સહેલી અને મારો બોજો હલકો છે.”