૧૭
ઘણાં પાણી પર બેઠેલી ગણિકાને સજા
૧ જે સાત સ્વર્ગદૂતોની પાસે તે સાત પ્યાલા હતા, તેઓમાંનો એક આવ્યો અને તેણે મારી સાથે બોલતાં કહ્યું કે, 'અહીં આવ, અને જે મોટી વારાંગના ઘણાં પાણી પર બેઠેલી છે, તેને જે શિક્ષા થવાની છે તે હું તને બતાવું. ૨ તેની સાથે દુનિયાના રાજાઓએ વ્યભિચાર કર્યો છે અને તેના વ્યભિચારના દ્રાક્ષરસથી પૃથ્વીના રહેનારા ચકચૂર થયા છે.'
૩ પછી તે મને આત્મામાં અરણ્યમાં લઈ ગયો; અને એક કિરમજી રંગના હિંસક પશુ પર એક સ્ત્રી બેઠેલી મેં જોઈ; તે પશુ ઈશ્વરનું અપમાન કરનારાં નામોથી ભરેલું હતું, અને તેને સાત માથાં ને દસ શિંગડાં હતાં. ૪ તે સ્ત્રીએ જાંબુડા તથા કિરમજી રંગનાં વસ્ત્ર પહેરેલાં હતાં અને તે સોનાથી તથા મૂલ્યવાન રત્નો તથા મોતીથી શણગારેલી હતી, અને તેના વ્યભિચારના ધિક્કારપાત્ર કૃત્યોથી તથા અશુદ્ધતાથી ભરેલો સોનાનો પ્યાલો તેના હાથમાં હતો. ૫ તેના કપાળ પર એક મર્મજનક નામ લખેલું હતું, એટલે, 'મહાન બાબિલોન, ગણિકાઓની તથા પૃથ્વીના ધિક્કારપાત્ર બાબતોની માતા.'
૬ મેં તેં સ્ત્રીને સંતોનું લોહી તથા ઈસુના સાક્ષીઓનું લોહી પીધેલી જોઈ. તેને જોઈને મને ઘણું આશ્ચર્ય થયું. ૭ સ્વર્ગદૂતે મને પૂછ્યું કે, 'તું કેમ આશ્ચર્ય પામે છે? એ સ્ત્રીનો, અને સાત માથાં તથા દસ શિંગડાવાળું હિંસક પશુ કે, જેનાં પર તે બેઠેલી છે, તેનો મર્મ હું તને સમજાવીશ.'
૮ જે હિંસક પશુ તેં જોયું, તે હતું અને નથી; અને તે અનંતઊંડાણમાં નીકળવાનું તથા નાશમાં જવાનું છે અને પૃથ્વી પરના રહેનારાંઓ કે જેઓનાં નામ સૃષ્ટિના મંડાણથી જીવનપુસ્તકમાં લખેલાં નથી, તેઓ જે હિંસક પશુ હતું અને નથી અને આવનાર છે, તેને જોઈને આશ્ચર્ય પામશે.
૯ આનો ખુલાસો જ્ઞાની મન કરે. જે સાત માથાં છે તે સાત પહાડ છે, તેઓ પર સ્ત્રી બેઠેલી છે; ૧૦ અને તેઓ સાત રાજા છે; તેમાંના પાંચ પડ્યા છે, એક જીવંત છે, અને બીજો હજી સુધી આવ્યો નથી; જયારે તે આવશે ત્યારે થોડીવાર તેને રહેશે.
૧૧ જે હિંસક પશુ હતું અને નથી, તે જ વળી આઠમો રાજા છે, અને તે સાતમાંનો એક છે; તે નાશમાં જાય છે.
૧૨ જે દસ શિંગડાં તેં જોયાં છે તેઓ દસ રાજા છે, તેઓ હજી સુધી રાજ્ય પામ્યા નથી; પણ હિંસક પશુની સાથે એક ઘડીભર રાજાઓના જેવો અધિકાર તેઓને મળે છે. ૧૩ તેઓ એક મતના છે, અને તેઓ પોતાનું પરાક્રમ તથા અધિકાર હિંસક પશુને સોંપી દે છે. ૧૪ તેઓ હલવાનની સાથે લડશે અને હલવાન તેઓને જીતશે કેમ કે તેઓ મહાન પ્રભુ તથા રાજાઓના રાજા છે; અને તેમની સાથે જેઓ છે, એટલે તેડાયેલા, પસંદ કરેલા તથા વિશ્વાસુ છે તેઓ પણ જીતશે.
૧૫ તે મને કહે છે કે, જે પાણી તે જોયું છે, જ્યાં તે વારાંગના બેઠી છે, તેઓ લોકો, સમુદાય, રાષ્ટ્રો તથા ભાષાઓ છે.
૧૬ તેં જે દસ શિંગડાં તથા પશુ તે જોયાં તેઓ તે વારાંગનાનો દ્વેષ કરશે, તેને પાયમાલ કરીને તેને ઉઘાડી કરશે તેનું માંસ ખાશે અને આગથી તેને બાળી નાખશે. ૧૭ કેમ કે તેઓ ઈશ્વરની ઇચ્છા પૂરી કરે, એક વિચારના થાય, અને ઈશ્વરનાં વચનો પૂરાં થાય ત્યાં સુધી તેઓ પોતાનું રાજ્ય હિંસક પશુને સોંપે એવું ઈશ્વરે તેઓના મનમાં મૂક્યું છે.
૧૮ જે સ્ત્રીને તેં જોઈ છે, તે તો જે મોટું શહેર દુનિયાના રાજાઓ પર રાજ કરે છે તે છે.