27
દીકરીઓની વારસાહક્કની માગણી 
 1 યૂસફના દીકરા મનાશ્શાના કુટુંબોમાંથી મનાશ્શાના દીકરા માખીરના દીકરા ગિલ્યાદના દીકરા હેફેરના દીકરા સલોફહાદની દીકરીઓ મૂસા પાસે આવી. તેની દીકરીઓના નામ આ પ્રમાણે હતા: માહલાહ, નૂહ, હોગ્લાહ, મિલ્કાહ તથા તિર્સા. 
 2 તેઓએ મૂસાની, એલાઝાર યાજકની, વડીલોની તથા આખી જમાતની આગળ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ઊભી રહીને કહ્યું,  3 “અમારો પિતા અરણ્યમાં મૃત્યુ પામ્યો. યહોવાહ વિરુદ્ધ ઊઠનાર કોરાહની ટોળીમાં તે ન હતા. તે તેના પોતાના પાપમાં મૃત્યુ પામ્યા; તેને કોઈ દીકરા ન હતા. 
 4 અમારા પિતાને દીકરો ન હોવાથી અમારા પિતાનું નામ કુટુંબમાંથી શા માટે દૂર કરાય? અમારા પિતાના ભાઈઓ મધ્યે અમને વારસો આપવામાં આવે.”  5 માટે મૂસા આ બાબત યહોવાહ સમક્ષ લાવ્યો. 
 6 અને યહોવાહે મૂસાને કહ્યું,  7 “સલોફહાદની દીકરીઓ સાચું બોલે છે. તું નિશ્ચે તે લોકોને તેમના પિતાના ભાઈઓની સાથે વારસાનો દેશ આપ; તેઓના પિતાનો વારસો તેઓને આપ.  8 ઇઝરાયલ લોકોને સાથે વાત કરીને કહે, ‘જો કોઈ માણસ મૃત્યુ પામે અને તેને દીકરો ન હોય, તો તેની દીકરીને તેનો વારસો આપ. 
 9 જો તેને દીકરી ના હોય, તો તું તેનો વારસો તેના ભાઈઓને આપ.  10 જો તેને ભાઈઓ ના હોય, તો તેનો તેના પિતાના ભાઈઓને આપ.  11 અને જો તેને કાકાઓ ન હોય, તો તેનો વારસો તેના નજીકના સગાને આપ, તે તેનો માલિક બને. યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તે પ્રમાણે આ કાયદો ઇઝરાયલી લોકો માટે કાનૂન થાય.’ ” 
મૂસાનો અનુગામી યહોશુઆ નીમાયો 
 12 યહોવાહે મૂસાને કહ્યું, “તું અબારીમના પર્વત પર જા અને જે દેશ મેં ઇઝરાયલી લોકોને આપેલો છે તે જો.  13 તે જોયા પછી તું પણ તારા ભાઈ હારુનની જેમ તારા લોકો સાથે ભળી જશે.  14 કેમ કે સીનના અરણ્યમાં આખી જમાતની દ્રષ્ટિમાં ખડકમાંથી વહેતા પાણી પાસે કાદેશમાં મરીબાહનાં પાણી મને પવિત્ર માનવા વિષે તેં મારી આજ્ઞાની વિરુદ્ધ બળવો કર્યો. 
 15 પછી મૂસાએ યહોવાહની સાથે વાત કરીને કહ્યું,  16 “યહોવાહ, સર્વ માનવજાતના આત્માઓના ઈશ્વર, તે લોકો પર એક માણસને નિયુક્ત કરે.  17 કોઈ માણસ તેઓની આગળ બહાર જાય અને અંદર આવે, જે તેઓને બહાર ચલાવે અને અંદર લાવે, જેથી તમારા લોકો પાળક વગરનાં ઘેટાં જેવા ન રહે.” 
 18 યહોવાહે મૂસાને કહ્યું, “નૂનનો દીકરો યહોશુઆ, જેનામાં મારો આત્મા રહે છે, તેના પર તારો હાથ મૂક.  19 તું તેને એલાઝાર યાજક તથા આખી જમાત સમક્ષ ઊભો કર, તેઓના દેખતાં તેને તારો ઉત્તરાધિકારી નિયુક્ત કર. 
 20 તારો કેટલોક અધિકાર તેના પર મૂક, જેથી ઇઝરાયલી લોકોની આખી જમાત તેની આજ્ઞા પાળે.  21 એલાઝાર યાજક પાસે તે ઊભો રહે, ઉરીમ* 27:21 ઉરીમ અને તુમ્મીમ યહોવાહની ઇચ્છા નક્કી કરવા માટે યાજકો ઉપયોગ કરતા હતાના નિર્ણય વડે યહોવાહની સમક્ષ તેને માટે પૂછે. તેના કહેવાથી તેઓ, એટલે તે તથા ઇઝરાયલી લોકોની આખી જમાત બહાર જાય અને અંદર આવે. 
 22 યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેણે કર્યું. તેણે યહોશુઆને લઈને એલાઝાર યાજક તથા સમગ્ર જમાતની સમક્ષ રજૂ કર્યો.  23 યહોવાહે જેમ કરવાનું કહ્યું હતું તેમ મૂસાએ તેનો હાથ તેના પર મૂકીને સોંપણી કરી.