૨
 ૧ હું મારી ચોકી પર ઊભો રહીશ, હું બુરજ પર ઊભો રહીને ધ્યાનથી જોયા કરીશ 
કે તે મારી સાથે શું બોલે છે અને મારી ફરિયાદનો શો જવાબ આપે છે. 
 ૨ યહોવાહે મને જવાબ આપીને કહ્યું, 
“આ દર્શનને લખ, તેને પાટીઓ પર એવી રીતે લખ કે જે વાંચે તે દોડે. 
 ૩ કેમ કે સંદર્શન ભવિષ્ય માટે છે અને તે પૂર્ણ થવાને ઉતાવળું થઈ રહ્યું છે અને તે ખોટું પડશે નહિ. 
જો તે વધારે સમય લે તોપણ તેની રાહ જો! કેમ કે તે વિલંબ કર્યા વિના નિશ્ચે આવશે અને થોભશે નહિ. 
 ૪ જુઓ! તેનું મન ગર્વિષ્ઠ થયું છે અને તેનામાં સદગુણ નથી, પણ ન્યાયી માણસ તેના વિશ્વાસથી જીવશે. 
 ૫ કેમ કે દ્રાક્ષારસ તો તેનો વિશ્વાસઘાત કરે છે, તે ઘમંડી છે, જેથી તે ઘરે ન રહેતાં બહાર ભટકે છે, 
તે પોતાની લાલસા વધારીને કબર જેવી કરે છે તે મોતની પેઠે કદી તૃપ્ત થતી નથી. 
તે દરેક પ્રજાને અને લોકોને પોતાના માટે ભેગા કરે છે 
 ૬ શું લોકો તેની વિરુદ્ધ દ્રષ્ટાંત આપીને તથા મહેણાં મારીને એવું નહિ કહે કે, 
'જે પોતાનું નથી તેનો સંગ્રહ કરનારને અફસોસ? ક્યાં સુધી તું ગીરવે લીધેલી વસ્તુનું વજન ઊંચકાવે છે?' 
 ૭ શું એકાએક એવા માણસો ઊભા નહિ થાય કે જેઓ તમને કરડી ખાશે? 
શું એવા નહિ જાગે કે જેઓ તને હેરાન કરશે? 
 ૮ કેમ કે તેં ઘણાં દેશોના લોકોને લૂંટ્યા છે, તેથી તે બાકી રહેલા લોકો તને લૂંટશે, 
માણસોના રક્તપાત અને દેશમાં થતી હિંસાને લીધે નગર તથા તેના સર્વ રહેવાસીઓને લૂંટી લેવાશે. 
 ૯ જે દુષ્ટના હાથમાંથી બચાવને સારુ, 
પોતાનો માળો ઊંચે બાંધવાને સારુ અન્યાયના દ્રવ્યથી પોતાનું ઘર ભરે છે તેને અફસોસ!' 
 ૧૦ ઘણાં લોકોનો સંહાર કરવાથી તેં તારા ઘરને શરમજનક કર્યું છે, તેં તારા પોતાના આત્માની વિરુદ્ધ પાપ કર્યું છે. 
 ૧૧ કેમ કે દીવાલમાંથી પથ્થર પોકાર કરશે, છતમાંથી ભારોટીયા તેમને જવાબ આપશે. 
 ૧૨ ' જે રક્તપાત કરીને શહેર બાંધે છે અને જે અન્યાયથી નગર વસાવે છે તેને ધિક્કાર છે.' 
 ૧૩ શું આ સૈન્યોના યહોવાહે કર્યું નથી? 
લોકો અગ્નિને સારુ પરિશ્રમ કરે છે અને પ્રજા નકામી બાબતો માટે પોતાને થકવી નાખે છે? 
 ૧૪ કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરેલો છે તેમ દેશ યહોવાહના ગૌરવના જ્ઞાનથી ભરાઈ જશે. 
 ૧૫ તું તારા પડોશીને મદ્યપાન કરાવે છે, ઝેર ઉમેરીને તેને નશાથી ચૂર બનાવે છે 
કે જેથી તું તેની વસ્ત્રહીન અવસ્થા જોઈ શકે, તને અફસોસ!' 
 ૧૬ તું કીર્તિને બદલે શરમથી ઘાયલ છે, તું પી અને તારી પોતાની વસ્ત્રહીન અવસ્થાને પ્રગટ કર! 
યહોવાહના જમણા હાથનો પ્યાલો તારા તરફ વળશે, તારી કીર્તિને થૂંકી નાખવામાં આવશે. 
 ૧૭ લબાનોન પર કરેલી હિંસા તને ઢાંકી દેશે, પશુઓનો વિનાશ તને ભયભીત બનાવી દેશે, 
માણસોના રક્તપાતને કારણે અને દેશમાં, નગરોમાં તથા બધા રહેવાસીઓ સાથે કરેલી હિંસાને કારણે એ પ્રમાણે થશે. 
 ૧૮ મૂર્તિકારે મૂર્તિ ઘડી છે. માણસે બનાવેલી મૂર્તિઓથી તથા ઢાળેલી મૂર્તિઓ જે જુઠાણાનો શિક્ષક છે; તેઓનાથી તને શો ફાયદો છે? 
કેમ કે તે પોતાના હાથના કામ પર વિશ્વાસ કરીને આ મૂંગા દેવો બનાવે છે. 
 ૧૯ જે મનુષ્ય લાકડાને કહે છે જાગ. તથા પથ્થરને કહે છે ઊઠ.' તેને અફસોસ! શું તે આ શીખવી શકે? 
જુઓ, તે તો સોનાચાંદીથી મઢેલી છે, પણ તેની અંદર બિલકુલ શ્વાસ નથી. 
 ૨૦ પણ યહોવાહ તેમના પવિત્ર ઘરમાં છે! તેમની આગળ આખી પૃથ્વી શાંત રહો.