૫૭
 ૧ ન્યાયી માણસ નાશ પામે છે, પણ કોઈ તે ધ્યાનમાં લેતું નથી 
અને કરારના વિશ્વાસુપણાના લોકો દૂર એકત્ર થાય છે પણ કોઈ સમજતું નથી 
કે ન્યાયી દુષ્ટતાથી દૂર એકત્ર થાય છે. 
 ૨ તે શાંતિમાં પ્રવેશ કરે છે; 
જેઓ સીધા ચાલે છે તેઓ પોતાના બિછાના પર વિશ્રાંતિ પામે છે. 
 ૩ પણ તમે જાદુગરના દીકરાઓ, 
વ્યભિચારિણી તથા ગણિકાનાં સંતાન તમે પાસે આવો. 
 ૪ તમે કોની મશ્કરી કરો છો? 
તમે કોની સામે મુખ પહોળું કરો છો અને કોની સામે જીભ કાઢો છો? 
શું તમે બળવાખોરનાં, કપટકરનારનાં સંતાનો નથી? 
 ૫ તમે એલોનવૃક્ષ તથા દરેક લીલા વૃક્ષ નીચે વિષયભોગમાં મસ્ત થાઓ છો અને પોતાના શરીરોને આવેશી કરો છો, 
તમે સૂકી નદીને કાંઠે, ખડકોની ફાટ નીચે બાળકોને મારી નાખો છો. 
 ૬ નાળામાંના સુંવાળા પથ્થરોમાં તમારો ભાગ છે. તેઓ તારી ભક્તિનો હેતુ છે. 
તેઓને તેં પેયાર્પણ રેડ્યું અને ખાદ્યાર્પણ ચઢાવ્યું છે. શું આ બાબતોમાં મારે આનંદ કરવો જોઈએ?” 
 ૭ તમે ઊંચા પર્વત પર બિછાનું પાથર્યું છે; 
વળી બલિદાનો અર્પણ કરવા સારુ પણ તમે ઊંચે ચઢી જાઓ છો. 
 ૮ બારણાં અને ચોકઠાંની પાછળ તમે તમારી નિશાનીઓ મૂકો છો; 
તેં મારો ત્યાગ કર્યો છે, તું પોતાની જાતને નિર્વસ્ત્ર કરીને ઉપર ચઢી ગઈ; તેં તારું બિછાનું પહોળું કર્યું છે. 
 ૯ તું તેલ લઈને રાજા પાસે ચાલી ગઈ; તેં પુષ્કળ અત્તર ચોળ્યું. 
તેં તારા સંદેશવાહકોને દૂર સુધી મોકલ્યા; તું શેઓલ સુધી નીચે ગઈ. 
 ૧૦ તારી યાત્રા લાંબી હોવાને લીધે તું થાકી ગઈ છે, પણ “કંઈ આશા નથી” એવું તે કહ્યું નથી. 
તને તારા હાથમાં જીવન મળ્યું તેથી તું નબળી થઈ નહિ. 
 ૧૧ તને કોની ચિંતા છે અને કોનાથી ભય લાગે છે, કે તેં કપટથી આ કાર્ય કર્યું છે? 
તે મારું સ્મરણ રાખ્યું નથી અને ગંભીરતાથી મારો વિચાર કર્યો નથી. 
હું લાંબા સમયથી છાનો રહ્યો હતો? પણ તેં મને ગંભીરતાથી લીધો નહિ. 
 ૧૨ હું તારું “ન્યાયીપણું” જાહેર કરીશ પણ તારાં કામો, 
તને મદદરૂપ બનશે નહિ. 
 ૧૩ જ્યારે તું પોકાર કરે, ત્યારે તારી સંઘરેલી મૂર્તિઓ તને છોડાવે. 
પરંતુ તેને બદલે વાયુ તે સર્વને ઉડાવી જશે, એક શ્વાસ પણ તેમને ઉડાવી મૂકશે. 
છતાં જે મારામાં આશ્રય લે છે તે આ દેશનો વારસો પામશે અને મારા પવિત્ર પર્વતનું વતન પામશે. 
 ૧૪ વળી તે કહેશે, 
“સડક બાંધો, સડક બાંધો! માર્ગ તૈયાર કરો! મારા લોકના માર્ગોમાંથી સર્વ ઠોકર ખવડાવનાર પથ્થર દૂર કરો!” 
 ૧૫ કેમ કે જે ઉચ્ચ તથા ઉન્નત છે, જે સનાતન કાળથી છે, જેમનું નામ પવિત્ર છે, તે એવું કહે છે: 
હું ઉચ્ચ તથા પવિત્રસ્થાનમાં રહું છું, વળી જે કચડાયેલ અને આત્મામાં નમ્ર છે તેની સાથે રહું છું, 
જેથી હું નમ્ર જનોનો આત્મા અને પશ્ચાતાપ કરનારાઓનાં હૃદયને ઉત્તેજિત કરું. 
 ૧૬ કેમ કે હું સદા દોષિત ઠરાવનાર નથી કે સર્વકાળ રોષ રાખનાર નથી, 
રખેને મેં જે આત્માને તથા જે જીવને બનાવ્યા છે, તેઓ મારી આગળ નિર્બળ થઈ જાય. 
 ૧૭ તેણે લોભથી પ્રાપ્ત કરવાને કરેલાં પાપને કારણે હું તેના પર રોષે ભરાયો હતો અને મેં તેને શિક્ષા કરી; મેં તેનાથી મારું મુખ ફેરવ્યું અને હું રોષમાં હતો, 
પણ તેં પાછો વળીને પોતાના હૃદયને માર્ગે ચાલ્યો ગયો. 
 ૧૮ મેં તેના માર્ગો જોયા છે, 
પણ હું તેને સાજો કરીશ. હું તેને દોરીશ અને દિલાસો આપીશ અને તેને માટે શોક કરનારાઓને સાંત્વના આપીશ, 
 ૧૯ અને હું હોઠોનાં ફળો ઉત્પન્ન કરીશ, જેઓ દૂર તથા પાસે છે તેઓને શાંતિ, શાંતિ થાઓ,” યહોવાહ કહે છે “તેઓને હું સાજા કરીશ.” 
 ૨૦ પણ દુષ્ટો તોફાની સમુદ્રના જેવા છે, જે શાંત રહી શકતા નથી, 
અને તેનાં પાણી કીચડ તથા કાદવથી ડહોળા થાય છે. 
 ૨૧ “દુષ્ટોને માટે કંઈ શાંતિ હોતી નથી,” એમ ઈશ્વર કહે છે.