૭
ઈસુ અને તેમના ભાઈઓ 
 ૧ અને પછી ઈસુ ગાલીલમાં ફર્યા, કેમ કે યહૂદીઓ તેમને મારી નાખવા શોધતાં હતા, માટે યહૂદિયામાં ફરવાને તે ચાહતા નહોતા.  ૨ હવે યહૂદીઓનું માંડવાપર્વ પાસે આવ્યું હતું. 
 ૩ માટે તેમના ભાઈઓએ તેને કહ્યું કે, 'અહીંથી યહૂદિયામાં જાઓ કે, તમે જે કામો કરો છો તે તમારા શિષ્યો પણ જુએ.  ૪ કેમ કે કોઈ પોતે પ્રસિદ્ધ થવાને ચાહતો હોવાથી ગુપ્ત રીતે કંઈ કરતો નથી; જો તમે એ કામો કરો છો, તો દુનિયાની આગળ પોતાને જાહેર કરો.' 
 ૫ કેમ કે તેમના ભાઈઓએ પણ તેમના પર વિશ્વાસ કર્યો ન હતો.  ૬ ત્યારે ઈસુ તેઓને કહે છે કે, 'મારો સમય હજી આવ્યો નથી; પણ તમારા માટે સર્વ સમય એક સમાન છે.  ૭ જગત તમારો દ્વેષ કરી નથી શકતું, પણ મારો તો તે દ્વેષ કરે છે; કેમ કે તે વિષે હું એવી સાક્ષી આપું છું કે, તેનાં કામ દુષ્ટ છે. 
 ૮ તમે આ પર્વમાં જાઓ; મારો સમય હજી પરિપૂર્ણ થયો નથી, માટે હું આ પર્વમાં જતો નથી.'  ૯ ઈસુ તેઓને એ વાત કહીને ગાલીલમાં જ રહ્યા. 
માંડવા પર્વમાં ઈસુ 
 ૧૦ પરંતુ ઈસુના ભાઈઓ પર્વમાં ગયા, તે પણ જાહેરમાં નહિ, પણ ખાનગી રીતે ગયા.  ૧૧ ત્યારે યહૂદીઓએ પર્વમાં તેમની શોધ કરતાં કહ્યું કે, 'તે ક્યાં છે?' 
 ૧૨ તેમને વિષે લોકોમાં ઘણી ચર્ચા ચાલી; કેમ કે કેટલાકે કહ્યું કે, 'તે સારો માણસ છે;' બીજાઓએ કહ્યું કે, 'એમ નથી, પણ લોકોને તે ગેરમાર્ગે દોરે છે.'  ૧૩ તોપણ યહૂદીઓના ડરને લીધે તેમને વિષે કોઈ ખુલ્લી રીતે કંઈ બોલ્યું નહિ. 
 ૧૪ પણ પર્વ અર્ધું થવા આવ્યું ત્યારે ઈસુએ ભક્તિસ્થાનમાં જઈને ઉપદેશ કર્યો.  ૧૫ ત્યારે યહૂદીઓએ આશ્ચર્ય પામીને કહ્યું કે, 'એ માણસ કદી પણ શીખ્યો નથી, તેમ છતાં તે વિદ્યા ક્યાંથી જાણે છે?'  ૧૬ માટે ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, 'મારો ઉપદેશ મારો પોતાનો નથી, પણ જેમણે મને મોકલ્યો તેમનો છે. 
 ૧૭ જો કોઈ તેમની ઇચ્છા પૂરી કરવા ચાહે, તો આ બોધ વિષે તે સમજશે કે, તે ઈશ્વરથી છે કે હું પોતાથી બોલું છું.  ૧૮ જે પોતાથી બોલે છે તે પોતાનો મહિમા શોધે છે; પણ જે પોતાના મોકલનારનો મહિમા શોધે છે, તે જ સત્ય છે અને તેનામાં કંઈ અન્યાય નથી. 
 ૧૯ શું મૂસાએ તમને નિયમશાસ્ત્ર આપ્યું નથી? પણ તમારામાંનો કોઈ તે નિયમશાસ્ત્ર પાળતો નથી. તમે મને મારી નાખવાની કેમ કોશિશ કરો છો?'  ૨૦ લોકોએ જવાબ આપ્યો કે, 'તારામાં ભૂત છે; કોણ તને મારી નાખવાની કોશિશ કરે છે?' 
 ૨૧ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, 'મેં એક કાર્ય કર્યું અને તમે સર્વ આશ્ચર્ય પામ્યા છો.  ૨૨ આ કારણથી મૂસાએ તમને સુન્નતનો નિયમ આપ્યો છે (તે મૂસાથી છે એમ તો નહિ, પણ પૂર્વજોથી છે); અને તમે વિશ્રામવારે માણસની સુન્નત કરો છો. 
 ૨૩ મૂસાના નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન ન થાય, માટે જો કોઈ માણસની સુન્નત વિશ્રામવારે કરવામાં આવે છે; તો મેં વિશ્રામવારે એક માણસને પૂરો સાજો કર્યો, તે માટે શું તમે મારા પર ગુસ્સે થયા છો?  ૨૪ દેખાવ પ્રમાણે ન્યાય ન કરો, પણ સચ્ચાઈપૂર્વક ન્યાય કરો.' 
શું એ ખ્રિસ્ત છે? 
 ૨૫ ત્યારે યરુશાલેમમાંના કેટલાકે કહ્યું કે, 'જેમને તેઓ મારી નાખવાનો પ્રયત્ન કરે છે, તે શું એ જ નથી?  ૨૬ પણ જુઓ, તે તો જાહેર રીતે બોલે છે અને તેઓ તેમને કંઈ કહેતાં નથી! અધિકારીઓ શું ખરેખર જાણતા હશે કે એ ખ્રિસ્ત જ છે?  ૨૭ તોપણ અમે તે માણસને જાણીએ છીએ કે તે ક્યાંથી [આવેલો] છે; પણ જયારે ખ્રિસ્ત આવશે ત્યારે કોઈ જાણશે નહિ કે તે ક્યાંથી [આવ્યો] છે.' 
 ૨૮ એ માટે ઈસુએ ભક્તિસ્થાનમાં બોધ કરતાં બૂમ પાડીને કહ્યું કે, 'તમે મને જાણો છો અને હું ક્યાંથી [આવ્યો] છું તે પણ તમે જાણો છો; અને હું તો મારી પોતાની રીતે નથી આવ્યો, પણ જેમણે મને મોકલ્યો છે તે સત્ય છે, તેમને તમે જાણતા નથી.  ૨૯ હું તેમને જાણું છું; કેમ કે હું તેમની પાસેથી [આવ્યો] છું અને તેમણે મને મોકલ્યો છે.' 
 ૩૦ માટે તેઓએ ઈસુને પકડવાનો પ્રયત્ન કર્યો, પણ તેમનો સમય હજી સુધી આવ્યો ન હતો, માટે કોઈએ તેમના પર હાથ નાખ્યો નહિ.  ૩૧ પણ લોકોમાંથી ઘણાંએ તેમના પર વિશ્વાસ કર્યો અને તેઓએ કહ્યું કે, 'ખ્રિસ્ત આવશે, ત્યારે આ માણસે જે ચમત્કારિક ચિહ્નો કર્યા છે તે કરતાં શું તેઓ વધારે કરશે?'  ૩૨ તેમને વિષે લોકો એવી કચકચ કરતા હતા, તે ફરોશીઓએ સાંભળ્યું, ત્યારે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ તેમને પકડવાને અધિકારીઓ મોકલ્યા. 
ઈસુને પકડવા સિપાઈઓ મોકલ્યા 
 ૩૩ ત્યારે ઈસુએ કહ્યું કે, 'હજી થોડો સમય હું તમારી સાથે છું, પછી જેમણે મને મોકલ્યો છે તેમની પાસે હું જાઉં છું.  ૩૪ તમે મને શોધશો, પણ હું તમને મળીશ નહિ; અને જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી.' 
 ૩૫ ત્યારે યહૂદીઓએ અંદરોઅંદર કહ્યું કે, 'આ માણસ ક્યાં જશે કે આપણને જડશે જ નહિ? શું ગ્રીકોમાં વેરાઈ ગયેલાઓની પાસે જઈને તે ગ્રીકોને બોધ કરશે?  ૩૬ 'તમે મને શોધશો, પણ હું તમને મળીશ નહિ અને જ્યાં હું જાઉં છું, ત્યાં તમે આવી શકતા નથી એવી જે વાત તેણે કહી તે શી છે?' 
જીવનજળનાં ઝરણાં 
 ૩૭ હવે પર્વના છેલ્લાં તથા મહાન દિવસે ઈસુએ ઊભા રહીને ઊંચા અવાજે કહ્યું કે, 'જો કોઈ તરસ્યો હોય, તો તે મારી પાસે આવીને પીએ.  ૩૮ શાસ્ત્રવચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે, તેના હૃદયમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે.' 
 ૩૯ પણ તેમના પર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો તે વિષે તેમણે એ કહ્યું; કેમ કે ઈસુને હજી મહિમાવાન કરવામાં આવ્યા ન હતા, માટે પવિત્ર આત્મા હજી [આપવામાં આવ્યો] ન હતો. 
લોકોમાં ભાગલા 
 ૪૦ તે માટે લોકોમાંથી કેટલાકે તે વાતો સાંભળીને કહ્યું કે, '[આવનાર] પ્રબોધક ખરેખર તે જ છે.'  ૪૧ બીજાઓએ કહ્યું, 'એ જ ખ્રિસ્ત છે.' પણ કેટલાકે કહ્યું કે, 'શું ગાલીલમાંથી ખ્રિસ્ત આવવાનો છે?'  ૪૨ શું શાસ્ત્રવચનોમાં એવું નથી લખેલું કે, દાઉદના વંશમાંથી તથા બેથલેહેમ ગામમાં દાઉદ હતો ત્યાંથી ખ્રિસ્ત આવવાનો છે?' 
 ૪૩ એ માટે તેને વિષે લોકોમાં ભાગલાં પડ્યાં.  ૪૪ તેઓમાંના કેટલાકે તેને પકડવા ચાહ્યું; પણ તેમના પર કોઈએ હાથ નાખ્યો નહિ. 
યહૂદી અધિકારીઓનો અવિશ્વાસ 
 ૪૫ ત્યારે અધિકારીઓ મુખ્ય યાજકોની તથા ફરોશીઓની પાસે આવ્યા; અધિકારીઓએ તેઓને પૂછ્યું કે, 'તમે તેને કેમ લાવ્યા નહિ?'  ૪૬ ત્યારે અધિકારીઓએ ઉત્તર આપ્યો કે 'એમના જેવું કદી કોઈ માણસ બોલ્યું નથી.' 
 ૪૭ ત્યારે ફરોશીઓએ તેઓને ઉત્તર આપ્યો કે, 'શું, તમે પણ ગેરમાર્ગે ખેંચાયા?  ૪૮ અધિકારીઓ અથવા ફરોશીઓમાંથી શું કોઈએ તેના પર વિશ્વાસ કર્યો છે?  ૪૯ પણ આ જે લોકો નિયમશાસ્ત્ર નથી જાણતા તેઓ શાપિત છે.' 
 ૫૦ નિકોદેમસ (તેઓમાંનો એક, જે અગાઉ ઈસુની પાસે આવ્યો હતો, તે) તેઓને પૂછે છે,  ૫૧ 'માણસનું સાંભળ્યાં અગાઉ અને જે તે કરે છે તે જાણ્યાં વિના, આપણું નિયમશાસ્ત્ર શું તેનો ન્યાય કરે છે?'  ૫૨ તેઓએ તેને ઉત્તર આપ્યો કે, 'શું તું પણ ગાલીલનો છે? શોધ કરીને જો, કેમ કે કોઈ પ્રબોધક ગાલીલમાંથી ઉત્પન્ન થવાનો નથી.' 
 ૫૩ પછી તેઓ પોતપોતાને ઘરે ગયા;