૧૬
 ૧ માણસો મનમાં સંકલ્પ કરે છે, 
પણ જીભથી ઉત્તર આપવો તે યહોવાહના હાથમાં છે. 
 ૨ માણસના સર્વ માર્ગો તેની પોતાની નજરમાં તો ચોખ્ખા છે, 
પણ યહોવાહ તેઓનાં મનની તુલના કરે છે. 
 ૩ તારાં કામો યહોવાહને સોંપી દે 
એટલે તારી યોજનાઓ સફળ થશે. 
 ૪ યહોવાહે દરેક વસ્તુને પોતપોતાના હેતુને માટે સર્જી છે, 
હા, દુષ્ટોને પણ સંકટના દિવસને માટે સર્જ્યા છે. 
 ૫ દરેક અભિમાની અંતઃકરણવાળી વ્યક્તિને યહોવાહ ધિક્કારે છે, 
ખાતરી રાખજો તે શિક્ષા પામ્યા વગર રહેશે નહિ. 
 ૬ દયા તથા સત્યતાથી પાપનું પ્રાયશ્ચિત થાય છે 
અને યહોવાહના ભયથી માણસો દુષ્ટતાથી દૂર રહે છે. 
 ૭ જ્યારે કોઈ માણસના માર્ગથી યહોવાહ ખુશ થાય છે, 
ત્યારે તે તેના દુશ્મનોને પણ તેની સાથે શાંતિથી રાખે છે. 
 ૮ અન્યાયથી મળેલી ઘણી આવક કરતાં, 
ન્યાયથી મળેલી થોડી આવક સારી છે. 
 ૯ માણસનું મન પોતાના માર્ગની યોજના કરે છે, 
પણ તેનાં પગલાં ચલાવવાનું કામ યહોવાહના હાથમાં છે. 
 ૧૦ રાજાના હોઠોમાં ઈશ્વરવાણી છે, 
તેનું મુખ ખોટો ઇનસાફ કરશે નહિ. 
 ૧૧ પ્રામાણિક ત્રાજવાં યહોવાહનાં છે; 
કોથળીની અંદરના સર્વ વજનિયાં તેમનું કામ છે. 
 ૧૨ જ્યારે દુષ્ટ કર્મો કરવાથી રાજાઓને કંટાળો આવે છે, 
ત્યારે સારાં કામોથી રાજ્યાસન સ્થિર થાય છે. 
 ૧૩ નેક હોઠો રાજાને આનંદદાયક છે 
અને તેઓ યથાર્થ બોલનાર ઉપર પ્રેમ રાખે છે. 
 ૧૪ રાજાનો કોપ મૃત્યુદૂતો જેવો છે, 
પણ શાણી વ્યક્તિ પોતાના ગુસ્સાને શાંત પાડશે. 
 ૧૫ રાજાના મુખના પ્રકાશમાં જીવન છે 
અને તેની કૃપા પાછલા વરસાદના વાદળાં જેવી છે. 
 ૧૬ સોના કરતાં ડહાપણ મેળવવું એ કેટલું ઉત્તમ છે. 
ચાંદી કરતાં સમજણ મેળવવી વધારે યોગ્ય છે. 
 ૧૭ દુષ્ટતાથી દૂર જવું એ જ પ્રામાણિક માણસનો રાજમાર્ગ છે; 
જે પોતાનો માર્ગ સંભાળે છે તે પોતાના આત્માનું રક્ષણ કરે છે. 
 ૧૮ અભિમાનનું પરિણામ નાશ છે 
અને ગર્વિષ્ઠ સ્વભાવનો અંત પાયમાલી છે. 
 ૧૯ ગરીબની સાથે નમ્રતા રાખવી તે સારું છે 
તે અભિમાનીની સાથે લૂંટના ભાગીદાર થવા કરતાં વધારે સારું છે. 
 ૨૦ જે પ્રભુના વચનોનું ચિંતન કરે છે તેનું હિત થશે; 
અને જે કોઈ યહોવાહ પર વિશ્વાસ રાખે છે તે આનંદિત છે. 
 ૨૧ જ્ઞાની અંત:કરણવાળો માણસ સમજદાર કહેવાશે; 
અને તેની મીઠી વાણીથી સમજદારીની વૃદ્ધિ થાય છે. 
 ૨૨ જેની પાસે સમજ હોય તેને માટે સમજણ જીવનદાતા છે, 
પણ મૂર્ખ માટે શિક્ષા એ તેઓની મૂર્ખાઈ છે. 
 ૨૩ જ્ઞાનીનું હૃદય તેના મુખને શીખવે છે 
અને તેના હોઠોને સમજની વૃદ્ધિ કરી આપે છે. 
 ૨૪ માયાળુ શબ્દો મધ જેવા છે, 
તેઓ આત્માને મીઠા લાગે છે અને હાડકાંને આરોગ્ય આપે છે. 
 ૨૫ એક એવો માર્ગ છે જે માણસને સાચો લાગે છે, 
પણ અંતે તે મૃત્યુ તરફ લઈ જાય છે. 
 ૨૬ મજૂરની ભૂખ તેની પાસે મજૂરી કરાવે છે; 
તેની ભૂખ એમ કરવા તેને આગ્રહ કરે છે. 
 ૨૭ અધમ માણસ અપરાધ કરે છે 
અને તેની બોલી બાળી મૂકનાર અગ્નિ જેવી છે. 
 ૨૮ દુષ્ટ માણસ કજિયાકંકાસ કરાવે છે, 
અને કૂથલી કરનાર નજીકના મિત્રોમાં ફૂટ પડાવે છે. 
 ૨૯ હિંસક માણસ પોતાના પડોશીને છેતરે છે 
અને ખરાબ માર્ગમાં દોરી જાય છે. 
 ૩૦ આંખ મટકાવનાર વ્યક્તિ મુશ્કેલી લાવનારી યોજનાઓ કરે છે; 
હોઠ ભીડનાર વ્યક્તિ કંઈક અનિષ્ટ કરી રહી હોય છે. 
 ૩૧ સફેદ વાળ એે ગૌરવનો તાજ છે; 
સત્યને માર્ગે ચાલનારને એ મળે છે. 
 ૩૨ જે ક્રોધ કરવે ધીમો તે પરાક્રમી કરતાં સારો છે, 
અને જે પોતાના મિજાજને કાબૂમાં રાખે છે તે શહેર જીતનાર કરતાં ઉત્તમ છે. 
 ૩૩ ચિઠ્ઠી ખોળામાં નાખવામાં આવે છે, 
પણ તે બધાનો નિર્ણય તો યહોવાહના હાથમાં છે.