૨૩
 ૧ જ્યારે તું કોઈ અધિકારીની સાથે જમવા બેસે, 
ત્યારે તારી આગળ જે પીરસેલુ હોય તેનું ખૂબ ધ્યાનથી અવલોકન કર. 
 ૨ જો તું ખાઉધરો હોય, 
તો તારે ગળે છરી મૂક. 
 ૩ સ્વાદિષ્ટ વાનગીઓથી લોભાઈ ન જા, 
કારણ કે તે કપટી ભોજન છે. 
 ૪ ધનવાન થવા માટે તન તોડીને મહેનત ન કર; 
હોશિયાર થઈને પડતું મૂકજે. 
 ૫ જે કંઈ વિસાતનું નથી તે પર તું તારી દૃષ્ટિ ચોંટાડશે 
અને અચાનક દ્રવ્ય આકાશમાં ઊડી જશે 
અને ગરુડ પક્ષીના જેવી પાંખો નિશ્ચે ધારણ કરે છે. 
 ૬ કંજૂસ માણસનું અન્ન ન ખા 
તેની સ્વાદિષ્ટ વાનગીથી તું લોભાઈ ન જા, 
 ૭ કારણ કે જેવો તે વિચાર કરે છે, તેવો જ તે છે. 
તે તને કહે છે, “ખાઓ અને પીઓ!” 
પણ તેનું મન તારા પ્રત્યે નથી. 
 ૮ જે કોળિયો તેં ખાધો હશે, તે તારે ઓકી કાઢવો પડશે 
અને તારાં મીઠાં વચનો વ્યર્થ જશે. 
 ૯ મૂર્ખના સાંભળતાં બોલીશ નહિ, 
કેમ કે તારા શબ્દોના ડહાપણનો તે તિરસ્કાર કરશે. 
 ૧૦ પ્રાચીન સીમા પથ્થરોને ખસેડીશ નહિ 
અથવા અનાથના ખેતરોમાં પ્રવેશ કરીશ નહિ. 
 ૧૧ કારણ કે તેઓનો ઉદ્ધારનાર બળવાન છે 
તે તારી વિરુદ્ધ તેના પક્ષની હિમાયત કરશે. 
 ૧૨ શિખામણ પર તારું મન લગાડ 
અને ડહાપણના શબ્દોને તારા કાન દે. 
 ૧૩ બાળકને ઠપકો આપતાં ખચકાઈશ નહિ; 
કેમ કે જો તું તેને સોટી મારીશ તો તે કંઈ મરી જશે નહિ. 
 ૧૪ જો તું તેને સોટીથી મારીશ, 
તો તું તેના આત્માને શેઓલમાં જતાં ઉગારશે. 
 ૧૫ મારા દીકરા, જો તારું હૃદય જ્ઞાની હોય, 
તો મારું હૃદય હરખાશે. 
 ૧૬ જ્યારે તારા હોઠો નેક વાત બોલશે, 
ત્યારે મારું અંતઃકરણ હરખાશે. 
 ૧૭ તારા મનમાં પાપીની ઇર્ષ્યા ન કરીશ, પણ હંમેશા યહોવાહથી ડરીને ચાલજે. 
 ૧૮ ત્યાં ચોક્કસ ભવિષ્ય છે 
અને તારી આશા સાર્થક થશે. 
 ૧૯ મારા દીકરા, મારી વાત સાંભળ અને ડાહ્યો થા 
અને તારા હૃદયને સાચા માર્ગમાં દોરજે. 
 ૨૦ દ્રાક્ષારસ પીનારાઓની 
અથવા માંસના ખાઉધરાની સોબત ન કર. 
 ૨૧ કારણ કે દ્રાક્ષારસ પીનારાઓ તથા ખાઉધરાઓ કંગાલવસ્થામાં આવશે 
અને ઊંઘ તેમને ચીંથરેહાલ કરી દેશે. 
 ૨૨ તારા પોતાના પિતાનું કહેવું સાંભળ 
અને જ્યારે તારી માતા વૃદ્ધ થાય ત્યારે તેને તુચ્છ ન ગણ. 
 ૨૩ સત્યને ખરીદ, પણ તેને વેચીશ નહિ; 
હા, ડહાપણ, શિખામણ તથા બુદ્ધિને પણ ખરીદ. 
 ૨૪ નીતિમાન દીકરાનો પિતા આનંદથી હરખાય છે 
અને જે દીકરો શાણો છે તે તેના જન્મ આપનારને આનંદ આપશે. 
 ૨૫ તારા માતાપિતા પ્રસન્ન થાય એવું કર 
અને તારી જન્મ આપનાર માતાને હર્ષ થાય એવું કર. 
 ૨૬ મારા દીકરા, મને તારું હૃદય આપ 
અને તારી આંખો મારા માર્ગોને લક્ષમાં રાખે. 
 ૨૭ ગણિકા એક ઊંડી ખાઈ છે 
અને પરસ્ત્રી એ સાંકડો કૂવો છે. 
 ૨૮ તે લૂંટારાની જેમ સંતાઈને તાકી રહે છે 
અને માણસોમાં કપટીઓનો વધારો કરે છે. 
 ૨૯ કોને અફસોસ છે? કોણ ગમગીન છે? કોણ ઝઘડે છે? 
કોણ ફરિયાદ કરે છે? કોણ વગર કારણે ઘવાય છે? 
કોની આંખોમાં રતાશ છે? 
 ૩૦ જે ઘણીવાર સુધી દ્રાક્ષારસ પિધા કરે છે તેઓને, 
જેઓ મિશ્ર મધ શોધવા જાય છે તેઓને અફસોસ છે. 
 ૩૧ જ્યારે દ્રાક્ષારસ લાલ હોય, 
જ્યારે તે પ્યાલામાં પોતાનો રંગ પ્રકાશતો હોય 
અને જ્યારે તે સરળતાથી પેટમાં ઊતરતો હોય, ત્યારે તે પર દૃષ્ટિ ન કર. 
 ૩૨ આખરે તે સર્પની જેમ કરડે છે 
અને નાગની જેમ ડસે છે. 
 ૩૩ તારી આંખો વિચિત્ર વસ્તુઓ જોશે 
અને તારું હૃદય વિપરીત બાબતો બોલશે. 
 ૩૪ હા, કોઈ સમુદ્રમાં સૂતો હોય કે, 
કોઈ વહાણના સઢના થાંભલાની ટોચ પર આડો પડેલો હોય, તેના જેવો તું થશે. 
 ૩૫ તું કહેશે કે, “તેઓએ મારા પર પ્રહાર કર્યો!” “પણ મને વાગ્યું નહિ. 
તેઓએ મને માર્યો, પણ મને કંઈ ખબર પડી નહિ. 
હું ક્યારે જાગીશ? મારે ફરી એકવાર પીવું છે.”