૨૭
 ૧ આવતી કાલની બડાશ મારીશ નહિ, 
કારણ કે આવતીકાલે શું થઈ જશે તે તું જાણતો નથી. 
 ૨ બીજો માણસ તારાં વખાણ ભલે કરે, પણ તું તારે મુખે તારાં વખાણ ન કર; 
બીજો કરે તો ભલે, પણ તારા પોતાના હોઠ ન કરે. 
 ૩ પથ્થર વજનદાર હોય છે અને રેતી ભારે હોય છે; 
પણ મૂર્ખની ઉશ્કેરણી બંને કરતાં ભારે હોય છે. 
 ૪ ક્રોધ ક્રૂર છે અને કોપ રેલરૂપ છે, 
પણ ઈર્ષ્યા આગળ કોણ ટકી શકે? 
 ૫ છુપાવેલા પ્રેમ કરતાં 
ઉઘાડો ઠપકો સારો છે. 
 ૬ મિત્રના ઘા પ્રામાણિક હોય છે, 
પણ દુશ્મનનાં ચુંબન ખુશામતથી ભરેલા હોય છે. 
 ૭ ધરાયેલાને મધ પણ કડવું લાગે છે, 
પણ ભૂખ્યાને દરેક કડવી વસ્તુ પણ મીઠી લાગે છે. 
 ૮ પોતાનું ઘર છોડીને ભટકતી વ્યક્તિ 
જેણે પોતાનો માળો છોડી દીધો હોય તેવા પક્ષી જેવી છે. 
 ૯ જેમ સુગંધીથી અને અત્તરથી મન પ્રસન્ન થાય છે, 
તેમ અંત:કરણથી સલાહ આપનાર મિત્રની મીઠાશથી પણ થાય છે. 
 ૧૦ તારા પોતાના મિત્રને તથા તારા પિતાના મિત્રને તજીશ નહિ; 
વિપત્તિને સમયે તારા ભાઈના ઘરે ન જા. 
દૂર રહેતા ભાઈ કરતાં નજીકનો પડોશી સારો છે. 
 ૧૧ મારા દીકરા, જ્ઞાની થા અને મારા હૃદયને આનંદથી ભરી દે, 
જેથી મને મહેણાં મારનારને હું જવાબ આપી શકું. 
 ૧૨ શાણો માણસ આફતને આવતી જોઈને તેને ટાળે છે, 
પણ અવિચારી માણસ આગળ વધતો રહે છે અને તેને લીધે સહન કરે છે. 
 ૧૩ અજાણ્યા માટે જામીનગીરી આપનારનું વસ્ત્ર લઈ લે 
અને જો તે દુરાચારી સ્ત્રીનો જામીન થાય; 
તો તેને જવાબદારીમાં રાખ. 
 ૧૪ જે કોઈ પરોઢિયે ઊઠીને પોતાના મિત્રને મોટે સાદે આશીર્વાદ આપે છે, 
તે તેને શાપ સમાન લાગશે. 
 ૧૫ ચોમાસામાં વરસાદનું સતત વરસવું તથા 
કજિયાળી સ્ત્રી એ બંને સરખાં છે. 
 ૧૬ જે તેને રોકી શકે તે પવનને રોકી શકે, 
અથવા પોતાના જમણા હાથમાં લગાડેલા તેલની સુગંધ પણ પકડી શકે. 
 ૧૭ લોઢું લોઢાને ધારદાર બનાવે છે; 
તેમ એક મિત્ર બીજા મિત્રને તેજ બનાવે છે. 
 ૧૮ જે કોઈ અંજીરી સાચવે છે તે અંજીર ખાશે 
અને જે પોતાના માલિકની કાળજી રાખે છે તે માન પામે છે. 
 ૧૯ જેમ માણસના ચહેરાની પ્રતિમા પાણીમાં પડે છે, 
તેવી જ રીતે એક માણસના હૃદયનું પ્રતિબિંબ બીજા માણસ પર પડે છે. 
 ૨૦ જેમ શેઓલ અને વિનાશ કદી તૃપ્ત થતાં નથી; 
તે જ રીતે માણસની આંખો કદી તૃપ્ત થતી નથી. 
 ૨૧ ચાંદી ગાળવા સારુ કુલડી અને સોનાને માટે ભઠ્ઠી હોય છે; 
તેમ માણસની પરીક્ષા તેની પ્રશંસા ઉપરથી થાય છે. 
 ૨૨ જો તું મૂર્ખને ખાંડણિયામાં નાખીને ખંડાતા દાણા સાથે સાંબેલાથી ખાંડે, 
તોપણ તેની મૂર્ખાઈ તેનાથી જુદી પડવાની નથી. 
 ૨૩ તારાં ઘેટાંબકરાંની પરિસ્થિતિ જાણવાની કાળજી રાખ 
અને તારાં જાનવરની યોગ્ય દેખરેખ રાખ. 
 ૨૪ કેમ કે દ્રવ્ય સદા ટકતું નથી. 
શું મુગટ વંશપરંપરા ટકે છે? 
 ૨૫ સૂકું ઘાસ લઈ જવામાં આવે છે કે તરત ત્યાં કુમળું ઘાસ ઊગી નીકળે છે 
અને પર્વત પરની વનસ્પતિનો સંગ્રહ કરવામાં આવે છે. 
 ૨૬ ઘેટાં તારા વસ્ત્રોને અર્થે હોય છે 
અને બકરાં તારા ખેતરનું મૂલ્ય છે. 
 ૨૭ વળી બકરીઓનું દૂધ તારે માટે, તારા કુટુંબને માટે 
અને તારી દાસીઓના ગુજરાન માટે પૂરતું થશે.