14
લોકોને હોશિયાની વિનંતી 
 1 હે ઇઝરાયલ, યહોવાહ તારા ઈશ્વરની પાસે પાછો આવ, 
કેમ કે તારા અન્યાયને લીધે તું પડી ગયો. 
 2 તારી સાથે પસ્તાવાના શબ્દો લઈને યહોવાહની પાસે પાછો આવ. 
તેમને કહો, “અમારાં પાપો દૂર કરો, 
કૃપાથી અમારો સ્વીકાર કરો, 
જેથી અમે તમને સ્તુતિના અર્પણ ચઢાવીએ* 14:2 બળદો ચઢાવીએ. 
 3 આશ્શૂર અમને બચાવી શકશે નહિ; 
અમે યુદ્ધ માટે ઘોડાઓ પર સવારી કરીશું નહિ. 
હવે પછી કદી અમે હાથે ઘડેલી મૂર્તિને કહીશું નહિ, 
‘કે તમે અમારા દેવો છો,’ 
કેમ કે અનાથો પર તમારી રહેમનજર છે.” 
પ્રભુએ આપેલું નવજીવન વરદાન 
 4 “તેઓના પાછા ફરવાથી હું તેઓને સજા કરીશ નહિ. 
હું ઉદારપણાથી તેઓના પર પ્રેમ કરીશ, 
કેમ કે મારો ક્રોધ તેઓના પરથી પાછો ફર્યો છે. 
 5 હું ઇઝરાયલને માટે ઝાકળ જેવો થઈશ; 
તે કમળની જેમ ખીલશે, 
લબાનોનનાં વૃક્ષોની જેમ તેના મૂળ ઊંડા નાખશે. 
 6 તેની ડાળીઓ ફેલાઇ જશે, 
તેનો વૈભવ સુંદર જૈતૂનવૃક્ષના જેવો હશે, 
અને તેની સુવાસ લબાનોનના જેવી હશે. 
 7 તેના† 14:7 યહોવાહ છાયામાં રહેનારા લોકો પાછા ફરશે; 
તેઓ અનાજના છોડની જેમ ફળવાન થશે, 
દ્રાક્ષાવેલાની જેમ ખીલશે; 
તેની સુગંધ લબાનોનના દ્રાક્ષારસ જેવી થશે. 
 8 એફ્રાઇમ કહેશે, ‘મારે મૂર્તિઓ સાથે શો લાગભાગ? 
હું તેની સંભાળ રાખીશ એવો મેં તેને જવાબ આપ્યો. 
હું દેવદારના લીલા વૃક્ષ જેવો છું; 
મારી પાસેથી જ તને ફળ મળે છે.” 
ઉપસંહાર 
 9 કોણ જ્ઞાની હશે કે તે આ બાબતોને સમજે? 
કોણ બુદ્ધિશાળી વ્યક્તિ હોય કે તેને આ બાબતનું જ્ઞાન થાય? 
કેમ કે યહોવાહના માર્ગો સત્ય છે, 
ન્યાયી માણસ તેના ઉપર ચાલશે, 
પણ બંડખોરો તેમાં ઠોકર ખાશે.