માથ્થીની લખેલી સુવાર્તા 
લેખક 
આ પુસ્તકનો લેખક માથ્થી કર ઉઘરાવનાર વ્યક્તિ હતો કે જેણે ઈસુને અનુસરવા પોતાનું કામ છોડી દીધું હતું (9:9-13). માર્ક અને લૂક પોતાના પુસ્તકોમાં તેનો ઉલ્લેખ લેવી તરીકે કરે છે. તેના નામનો અર્થ ઈશ્વરની ભેટ એવો થાય છે. મંડળીના શરૂઆતના પિતૃઓ માથ્થી લેખક હતો તે વિષે સર્વસંમત છે એટલે કે માથ્થી જે બાર શિષ્યોમાંનો એક હતો તે આ પુસ્તકનો લેખક હતો. માથ્થી ઈસુના સેવાકાર્યની ઘટનાઓને નજરે જોનાર સાક્ષી હતો. સુવાર્તાનાં બીજા હેવાલો સાથેનો માથ્થીની સુવાર્તાનો તુલનાત્મક અભ્યાસ સાબિત કરે છે કે ખ્રિસ્તની પ્રેરીતો દ્વારા અપાતી સાક્ષી એકબીજાથી અલગ નહીં પણ સમાન હતી. 
લખાણનો સમય અને સ્થળ 
લખાણનો સમય અંદાજિત ઇ.સ. 50 થી 70 ની આસપાસનો છે. 
જો કે ઘણા માને છે કે તેનો ઉદ્દભવ અંત્યોખમાં થયો હશે તો પણ માથ્થીની સુવાર્તાનાં યહૂદી લક્ષણોને જોતાં, તે પેલસ્ટાઇન કે સિરીયામાં લખાઈ હોવી જોઈએ. 
વાંચકવર્ગ 
તેની સુવાર્તા ગ્રીક ભાષામાં લખાઈ હોવાથી, ગ્રીક બોલતા યહૂદી સમુદાયના વાંચકો તરફ માથ્થીનું વલણ રહ્યું હોય શકે. તેના ઘણા તત્વો યહૂદી વાંચકવર્ગ તરફ ઇશારો કરે છે: જૂના કરારની પરિપૂર્ણતા સંબંધી માથ્થીની કાળજી, ઈસુના ઉદ્દભવને ઇબ્રાહિમ સુધી ચિતરવું, (1:1-17); તેનો યહૂદી પરિભાષાનો ઉપયોગ ઉદાહરણ તરીકે, સ્વર્ગનું રાજ્ય જ્યાં સ્વર્ગ શબ્દ યહૂદીઓના ઈશ્વરના નામનો ઉપયોગ કરવાનો ખચકાટ પ્રગટ કરે છે; અને ઈસુ દાઉદના પુત્ર હોવા પરનો તેનો ભાર (1:1; 9:27; 12:23; 15:22; 20:30-31; 21:9,15; 22:41-45) દર્શાવે છે કે માથ્થી યહૂદી સમુદાય તરફ વધારે કેન્દ્રિત હતો. 
હેતુ 
આ સુવાર્તા લખતી વખતે, માથ્થીનો ઇરાદો યહૂદી વાંચકોને ઈસુનું મસીહા તરીકે સમર્થન કરવાનો છે. મનુષ્યજાત માટે ઈશ્વરનું રાજ્ય લાવવા પર ભાર મૂકવાની બાબત અહીં કેન્દ્રસ્થાન છે. તે ઈસુના રાજા હોવા પર ભાર મૂકે છે કે જે જૂના કરારની પ્રબોધવાણી તથા અપેક્ષાઓ પરિપૂર્ણ કરે છે. (1:1; 16:16; 20:28.) 
મુદ્રાલેખ 
ઈસુ યહૂદીઓના રાજા 
રૂપરેખા 
1. ઈસુનો જન્મ — 1:1-2:23 
2. ઈસુની ગાલીલમાંની સેવા — 3:1-18:35 
3. ઈસુની યહૂદિયામાંની સેવા — 19:1-20:34 
4. યહૂદિયામાંના અંતિમ દિવસો — 19:1-20:34 
5. અંતિમ ઘટનાઓ — 28:1-20  
 1
ઈસુ ખ્રિસ્તની વંશાવળી 
લૂક 3:23-38 
 1 ઈસુ ખ્રિસ્ત જે ઇબ્રાહિમનાં દીકરા, જે દાઉદના દીકરા, તેમની વંશાવળી.  2 ઇબ્રાહિમ ઇસહાકનો પિતા, ઇસહાક યાકૂબનો પિતા, યાકૂબ યહૂદા તથા તેના ભાઈઓનો પિતા,  3 યહૂદા તથા તામારથી થયેલા પેરેસ અને ઝેરાહ, પેરેસ હેસ્રોનનો પિતા, હેસ્રોન આરામનો પિતા. 
 4 આરામ આમ્મીનાદાબનો પિતા, આમ્મીનાદાબ નાહશોનનો પિતા, નાહશોન સલ્મોનનો પિતા,  5 સલ્મોન બોઆઝનો પિતા અને રાહાબ તેની માતા, બોઆઝ ઓબેદનો પિતા અને રૂથ તેની માતા, ઓબેદ યિશાઈનો પિતા અને  6 યિશાઈ દાઉદ રાજાનો પિતા હતો. દાઉદ સુલેમાનનો પિતા હતો જેની મા પહેલા ઉરિયાની પત્ની હતી. 
 7 સુલેમાન રહાબામનો પિતા, રહાબામ અબિયાનો પિતા, અબિયા આસાનો પિતા,  8 આસા યહોશાફાટનો પિતા, યહોશાફાટ યોરામનો પિતા, યોરામ ઉઝિયાનો પિતા હતો. 
 9 ઉઝિયા યોથામનો પિતા, યોથામ આહાઝનો પિતા, આહાઝ હિઝકિયાનો પિતા,  10 હિઝકિયા મનાશ્શાનો પિતા, મનાશ્શા આમોનનો પિતા, આમોન યોશિયાનો પિતા, અને  11 બાબિલના બંદીવાસને સમયે યોશિયા યખોન્યા તથા તેના ભાઈઓનો પિતા હતો. 
 12 અને બાબિલના બંદીવાસ પછી, યખોન્યા શાલ્તીએલનો પિતા, શાલ્તીએલ ઝરુબ્બાબેલનો પિતા,  13 ઝરુબ્બાબેલ અબીઉદનો પિતા, અબીઉદ એલિયાકીમનો પિતા, એલિયાકીમ આઝોરનો પિતા,  14 આઝોર સાદોકનો પિતા, સાદોક આખીમનો પિતા, આખીમ અલિયુદનો પિતા. 
 15 અલિયુદ એલાઝારનો પિતા, એલાઝાર મથ્થાનનો પિતા, મથ્થાન યાકૂબનો પિતા, અને  16 યાકૂબ યૂસફનો પિતા, યૂસફ જે મરિયમનો પતિ હતો; અને મરિયમથી ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તે જનમ્યાં.  17 ઇબ્રાહિમથી દાઉદ સુધી બધી મળીને ચૌદ પેઢી થઈ, દાઉદથી બાબિલના બંદીવાસ સુધી ચૌદ પેઢી, અને બાબિલના બંદીવાસથી ખ્રિસ્તનાં સમય સુધી ચૌદ પેઢી થઈ. 
ઈસુ ખ્રિસ્તનો જન્મ 
લૂક 2:1-7 
 18 ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો. તેમની મા મરિયમની સગાઈ યૂસફ સાથે થયા પછી, તેઓનો શારીરિક સંબંધ થયા અગાઉ તે પવિત્ર આત્માથી ગર્ભવતી થયેલી જણાઈ.  19 તેનો પતિ યૂસફ એક પ્રામાણિક માણસ હતો, પણ તે જાહેરમાં તેનું અપમાન કરવા ન ચાહતો હતો. તેથી તેણે ગુપ્ત રીતે તેની સાથે સગાઈ તોડી નાખવાનો નિર્ણય કર્યો. 
 20 જયારે તે એ બાબત વિશે વિચારતો હતો, ત્યારે પ્રભુનો દૂત તેને સ્વપ્નમાં દેખાયો અને કહ્યું કે, “યૂસફ, દાઉદના દીકરા, તું તારી પત્ની મરિયમને તેડી લાવવાને બીશ નહિ; કેમ કે તેના ગર્ભમાં જે બાળક છે તે પવિત્ર આત્માથી છે.  21 તેને દીકરો થશે અને તું તેમનું નામ ઈસુ પાડશે, કેમ કે તે પોતાના લોકોને તેઓનાં પાપથી ઉદ્ધાર કરશે.” 
 22 હવે એ બધું એ માટે થયું કે, પ્રભુએ પ્રબોધક દ્વારા જે કહ્યું હતું તે પૂરું થાય, એટલે,  23 “જુઓ, કુંવારી ગર્ભવતી થશે, તેને દીકરો થશે અને તેનું નામ તેઓ ઇમ્માનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે, ‘ઈશ્વર આપણી સાથે.” 
 24 ત્યારે યૂસફે ઊંઘમાંથી ઊઠીને જેમ પ્રભુના સ્વર્ગદૂતે તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું; તે પોતાની પત્નીને તેડી લાવ્યો.  25 મરિયમને દીકરો થયો ત્યાં સુધી યૂસફે મરિયમની સાથે શારીરિક સંબંધ કર્યો નહિ; અને તેણે તેમનું નામ ઈસુ પાડ્યું.