૧૧
 ૧ જયારે રહાબામ યરુશાલેમ પહોંચ્યો ત્યારે તેણે પોતાનું રાજય પુન:સ્થાપિત કરવા માટે અને ઇઝરાયલ સામે યુદ્ધ કરવા માટે યહૂદા અને બિન્યામીનના કુળમાંથી પસંદ કરેલા કુલ એક લાખ એંશી હજાર યોદ્ધાઓને ભેગા કર્યા. 
 ૨ પરંતુ ઈશ્વરનું વચન ઈશ્વરભક્ત શમાયાની પાસે આવ્યું,  ૩ “યહૂદિયાના રાજા અને સુલેમાનના દીકરા રહાબામને, યહૂદિયા અને બિન્યામીનમાંના સર્વ ઇઝરાયલના લોકોને કહે;  ૪ 'ઈશ્વર આમ કહે છે: તમારે તમારા ભાઈઓની વિરુદ્ધ હુમલો કે લડાઈ કરવી નહિ. દરેક માણસ પોતપોતાના ઘરે પાછા જાઓ, કેમ કે આ કામ મારાથી થયું છે.'” તેથી તેઓએ ઈશ્વરનું કહ્યું માન્યું અને યરોબામની વિરુદ્ધ ન જતા તેઓ પોતપોતાને ઘરે પાછા ગયા. 
 ૫ રહાબામ યરુશાલેમમાં રહ્યો અને યહૂદિયાની સુરક્ષા માટે નગરો બાંધ્યાં.  ૬ તેણે બેથલેહેમ, એટામ, તકોઆ,  ૭ બેથ-સુર, સોખો, અદુલ્લામ,  ૮ ગાથ, મારેશા, ઝીફ,  ૯ અદોરાઈમ, લાખીશ, અઝેકા,  ૧૦ સોરા, આયાલોન, અને હેબ્રોન નગરો બાંધ્યાં. એ યહૂદિયામાં અને બિન્યામીનમાં આવેલા કિલ્લાવાળાં નગરો છે. 
 ૧૧ તેણે ત્યાં મજબૂત કિલ્લા બંધાવ્યા અને સેનાપતિઓને અનાજ, તેલ અને દ્રાક્ષારસના ભંડાર આગળ ચોકી કરવા મૂક્યા.  ૧૨ દરેક નગરમાં તેણે ઢાલો અને ભાલાઓ મૂક્યા અને તે નગરોને મજબૂત કર્યાં. યહૂદિયા અને બિન્યામીન તેના તાબામાં હતાં. 
 ૧૩ યાજકો અને લેવીઓ કે જેઓ ઇઝરાયલમાં હતા તેઓ તેમના સ્થળોમાંથી તેની પાસે આવ્યા.  ૧૪ લેવીઓ પોતાના ગોચર અને મિલકત મૂકીને યહૂદિયા અને યરુશાલેમ આવ્યા હતા કેમ કે યરોબામે અને તેના દીકરાઓએ તેઓને નસાડી મૂક્યા હતા કે જેથી તેઓ ઈશ્વર માટે યાજકની જવાબદારી બજાવી ન શકે.  ૧૫ યરોબામે સભાસ્થાનને માટે, પોતે બનાવેલા વાછરડાની અને બકરાની મૂર્તિની પૂજા માટે, તેઓના સ્થાને અન્ય યાજકો નિયુકત કર્યા. 
 ૧૬ તેઓની પાછળ ઇઝરાયલનાં કુળોના સર્વ લોકો, જેઓએ પોતાનાં અંત:કરણ ઇઝરાયલના પ્રભુ, ઈશ્વરને શોધવામાં લગાવ્યાં હતાં તેઓ પોતાના પિતૃઓના પ્રભુ ઈશ્વરને યજ્ઞ કરવા યરુશાલેમ આવ્યા.  ૧૭ તે લોકોના કારણે યહૂદિયાનું રાજય બળવાન થયું. તે ત્રણ વર્ષ દરમિયાન તેઓએ સુલેમાનના પુત્ર, રહાબામને બળવાન કર્યો, કેમ કે ત્રણ વર્ષ સુધી તેઓ દાઉદ અને સુલેમાનને પગલે ચાલ્યા હતા. 
 ૧૮ રહાબામે માહલાથની સાથે લગ્ન કર્યું. માહલાથ દાઉદના દીકરા યરીમોથની દીકરી હતી. યિશાઈના દીકરા અલિયાબની દીકરી અબિહાઈલ તેની માતા હતી.  ૧૯ તેને ત્રણ પુત્રો થયા; યેઉશ, શમાર્યા અને ઝાહામ. 
 ૨૦ માહલાથ પછી રહાબામે આબ્શાલોમની પુત્રી માકા સાથે લગ્ન કર્યું. તેણે અબિયા, અત્તાય, ઝિઝા અને શલોમીથને જન્મ આપ્યો.  ૨૧ પોતાની બધી પત્નીઓ અને ઉપપત્નીઓ કરતાં રહાબામ માકા ઉપર વધારે પ્રેમ રાખતો હતો. તેને બધી મળીને અઢાર પત્નીઓ અને સાઠ ઉપપત્નીઓ હતી. તેના અઠ્ઠાવીસ દીકરા અને સાઠ દીકરીઓ હતી. 
 ૨૨ રહાબામે માકાના દીકરા અબિયાને તેના બધા ભાઈઓમાં અધિકારી નીમ્યો; તે તેને રાજા બનાવવાનું વિચારતો હતો.  ૨૩ રહાબામે કુશળતાપૂર્વક રાજ કર્યું; તેણે તેના બધા પુત્રોને યહૂદિયાના અને બિન્યામીનનાં સર્વ કિલ્લાવાળાં નગરોમાં મોકલી દીધા. તેણે તેઓને માટે ખાવાપીવાની સામગ્રી પુષ્કળ પ્રમાણમાં પૂરી પાડી. ઘણી સ્ત્રીઓ સાથે તેઓના લગ્ન કરાવ્યાં.