Haggai 
હાગ્ગાચ  
 ૧
 ૧ દાર્યાવેશ રાજાના બીજા વર્ષના છઠ્ઠા માસના પહેલા દિવસે યહૂદિયાના સૂબા શાલ્તીએલના દીકરા ઝરુબ્બાબેલ તથા પ્રમુખ યાજક યહોસાદાકના દીકરા યહોશુઆ પાસે હાગ્ગાય પ્રબોધકની મારફતે યહોવાહનું વચન આવ્યું કે,  ૨ સૈન્યોના ઈશ્વર યહોવાહ એવું કહે છે કે, “આ લોકો કહે છે કે, યહોવાહનું સભાસ્થાન બાંધવાનો સમય હજુ આવ્યો નથી.”'” 
 ૩ ત્યારે હાગ્ગાય પ્રબોધકની મારફતે યહોવાહનું વચન આવ્યું કે, 
 ૪ “આ સભાસ્થાન ઉજ્જડ પડી રહેલું છે, 
તે દરમિયાન તમારે તમારાં છતવાળાં ઘરોમાં રહેવાનો આ સમય છે શું?” 
 ૫ માટે સૈન્યોના યહોવાહ આ કહે છે કે, 
'તમારા હૃદયમાં માર્ગો વિષે વિચાર કરો. 
સૈન્યોના યહોવાહ કહે છે. 
 ૬ “તમે ઘણું વાવ્યું છે, પણ ઘરે થોડી જ ફસલ લાવ્યા છો; તમે ખાઓ છો, પણ ધરાઈને નહિ; 
તમે પીઓ છો ખરા પણ તૃપ્ત થતા નથી. તમે વસ્ત્રો પહેરો છો પણ તે તમને ગરમી આપતાં નથી; 
જે માણસ કમાણી કરે છે તે માણસ પોતાની કમાણીને કાણી કોથળીમાં નાખે છે!' 
 ૭ સૈન્યોના યહોવાહ એવું કહે છે કે, 
'તમારા હૃદયમાં માર્ગો વિષે વિચાર કરો! 
 ૮ પર્વતો પર જાઓ, લાકડાં લાવો, મારું સભાસ્થાન બાંધો; 
તેનાથી હું ખુશ થઈશ અને હું મહિમાવાન થઈશ!' 
 ૯ તમે ઘણાંની આશા રાખતા હતા, પણ જુઓ, તમે થોડું જ લઈને ઘરે આવ્યા, કેમ કે મેં તેને ફૂંક મારીને ઉડાવી દીધું. 
શા માટે?' 
'કેમ કે જ્યારે દરેક માણસ ખુશીથી પોતપોતાના ઘરે જાય છે ત્યારે મારું સભાસ્થાન ઉજ્જડ પડી રહ્યું છે. 
 ૧૦ તમારે કારણે આકાશમાંથી ઝાકળ પડતું બંધ થયું છે અને પૃથ્વીની ઊપજ બંધ થઈ ગઈ છે. 
 ૧૧ હું દેશ પર, પર્વતો પર, અનાજ પર, 
દ્રાક્ષારસ, તેલ તથા પૃથ્વીની ફસલ પર, 
માણસો પર અને પશુઓ પર તથા તારા હાથનાં બધાં કામો પર દુકાળ લાવીશ એવી મેં આજ્ઞા કરી છે'” 
 ૧૨ ત્યારે શાલ્તીએલના દીકરા ઝરુબ્બાબેલ તથા પ્રમુખ યાજક યહોસાદાકના દીકરા યહોશુઆએ તથા તેઓના બાકી રહેલા લોકોએ યહોવાહ તેઓના ઈશ્વરનો અવાજ તથા યહોવાહ તેઓના ઈશ્વરે મોકલેલા હાગ્ગાય પ્રબોધકનાં વચનો પાળ્યા. અને લોકો યહોવાહના મુખથી ડરી ગયા.  ૧૩ પછી યહોવાહના સંદેશવાહક હાગ્ગાયે યહોવાહનો સંદેશો લોકોને આપીને કહ્યું કે, “'હું તમારી સાથે છું' આ યહોવાહની ઘોષણા છે!” 
 ૧૪ ત્યારે યહોવાહે યહૂદિયાના સૂબા શાલ્તીએલના દીકરા ઝરુબ્બાબેલ તથા પ્રમુખ યાજક યહોસાદાકના દીકરા યહોશુઆનું મન, તથા બાકી રહેલા સર્વ લોકોનું મન જાગૃત કર્યું.  ૧૫ દાર્યાવેશ રાજાના બીજા વર્ષના છઠ્ઠા માસના ચોવીસમાં દિવસે તેઓએ જઈને પોતાના ઈશ્વર સૈન્યોના યહોવાહના ઘરમાં કામ શરૂ કર્યું.