૪
સૂચનાઓ 
 ૧ એ માટે, મારા પ્રિય અને જેમને ઝંખું છું તેવા ભાઈઓ, મારા આનંદ તથા મુગટરૂપ, તેવી જ રીતે પ્રભુ પ્રત્યેના વિશ્વાસમાં સ્થિર રહો, મારા પ્રિય [ભાઈઓ]. 
 ૨ યુઓદિયાને બોધ કરું છું તથા સુન્તેખેને બોધ કરું છું કે એ, તેઓ બંને પ્રભુમાં એક ચિત્તની થાય.  ૩ વળી મારા ખરા જોડીદાર, હું તને વિનંતી કરું છું કે તું એ બહેનોની મદદ કરજે, કારણ કે તેઓએ મારી સાથે તથા કલેમેન્ટની સાથે તથા બીજા મારા સહકાર્યકર્તાઓ જેઓનાં નામ જીવનનાં પુસ્તકમાં છે તેઓની સાથે સુવાર્તા પ્રચારના કાર્યમાં પુષ્કળ મહેનત કરી છે. 
 ૪ પ્રભુમાં સદા આનંદ કરો; હું ફરીથી કહું છું, કે આનંદ કરો.  ૫ તમારી સહનશીલતા સર્વ માણસોના જાણવામાં આવે. કેમ કે પ્રભુનું આગમન નજીક છે.  ૬ કશાની ચિંતા કરો નહિ; પણ સર્વ વિષે પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભારરસ્તુતિ સહિત, તમારી અરજો ઈશ્વરને જણાવો.  ૭ ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે. 
 ૮ છેવટે, ભાઈઓ, જે કંઈ સત્ય, જે કંઈ સન્માનપાત્ર, જે કંઈ ઉચિત, જે કંઈ શુદ્ધ, જે કંઈ પ્રેમપાત્ર, જે કંઈ સુકીર્તિમાન છે તથા જો કોઈ સદગુણ, જો કોઈ પ્રશંસા હોય, તો આ બાબતોનો વિચાર કરો.  ૯ જે તમે શીખ્યા તથા પામ્યા તથા સાંભળ્યું તથા મારામાં જોયું તેવું બધું કરો; અને શાંતિનો ઈશ્વર તમારી સાથે રહેશે. 
દાન માટે આભાર 
 ૧૦ મેં પ્રભુમાં પુષ્કળ આનંદ કર્યો, કારણ કે મારા વિષેની તમારી ચિંતા આખરે ફરીથી તાજી થઈ છે; તે બાબતોમાં તમે ચિંતા તો કરતા હતા. પણ મને સહાય કરવાનો તમને પ્રસંગ મળ્યો નહિ.  ૧૧ હું તંગીને લીધે બોલું છું એમ નહિ, કેમ કે જે અવસ્થામાં હું છું, તેમાં સંતોષી રહેવાને હું શીખ્યો છું.  ૧૨ ગરીબીમાં કેવી રીતે જીવવું એ પણ હું જાણું છું તથા સમૃદ્ધિમાં પણ કેવી રીતે જીવવું એ પણ હું જાણું છું; દરેકપ્રકારે તથા સર્વમાં તૃપ્તિમાં તથા ભૂખમાં, પુષ્કળતામાં અને તંગીમાં રહેવાને હું શીખ્યો છું.  ૧૩ જે મને સામર્થ્ય આપે છે તેમની સહાયથી હું બધું કરી શકું છું. 
 ૧૪ તોપણ તમે મારા સંકટમાં મને મદદ કરી તે સારુ કર્યું.  ૧૫ ઓ, ફિલિપ્પીઓ, તમે જાણો છો કે, સુવાર્તાનાં આરંભમાં, જયારે હું મકદોનિયામાંથી રવાના થયો, ત્યારે આપવા-લેવાની બાબતમાં એકલા તમારા વિના બીજાકોઈ વિશ્વાસી સમુદાયે ભાગ લીધો નહોતો.  ૧૬ કેમ કે થેસ્સાલોનિકામાં પણ અનેક વાર મારે જે જે જોઈતું હતું તે બધું તમે મને મોકલી આપ્યું હતું.  ૧૭ હું કંઈ દાન માગું છું એમ નહિ, પણ તમારા હિતમાં ઘણાં ફળ મળે એ માગું છું. 
 ૧૮ મારી પાસે સર્વ ચીજવસ્તુઓ છે; અને તે પણ પુષ્કળ છે. તમારાં દાન એપાફ્રોદિતસની મારફતે મને મળ્યા છે તેથી હું સમૃદ્ધ છું. તે તો સુગંધીદાર ધૂપ ઈશ્વરને પ્રિય માન્ય અર્પણ છે.  ૧૯ મારો ઈશ્વર પોતાના મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજ ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડશે.  ૨૦ આપણા ઈશ્વરને તથા પિતાને સદાસર્વકાળ સુધી મહિમા હો. આમીન. 
અંતિમ સલામી 
 ૨૧ ખ્રિસ્ત ઈસુમાં સર્વ સંતોને સલામ કહેજો, મારી સાથે જે ભાઈઓ છે તેઓ તમને સલામ કહે છે.  ૨૨ સર્વ સંતો, વિશેષે જે કાઈસારનાં ઘરનાં છે, તેઓ તમને સલામ કહે છે. 
 ૨૩ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો. આમીન.