59
નિર્દેશક માટે. રાગ: “વિનાશ કરતો નહિ” દાઉદનું મિખ્તામ-શાઉલે તેને મારવા માટે ઘરની ચોકી કરવા માણસો મોકલ્યા તે વખતે લખાયેલું ગીત. 
 1 હે મારા દેવ, મારા શત્રુઓથી મારી રક્ષા કરો; 
અને મારી વિરુદ્ધ જેઓ ઊઠે છે, તેઓથી તમે મને ઉગારો. 
 2 દુષ્ટતા કરનારાઓથી તમે મને બચાવો; 
અને ખૂની માણસોથી તમે મને બચાવો. 
 3 ઘાતકી માણસો છુપાઇ રહીને મારો જીવ લેવા કેવા રાહ જોઇ રહ્યાં છે! 
હે યહોવા, મેં કોઇ પાપ કર્યુ છે કે કોઇ અપરાધ કર્યો છે, 
કે જેથી વિપત્તિ મારા ઉપર આવી છે, એવું નથી. 
 4 જો કે મારો દોષ ન હોવા છતાં તેઓ અહીં ધસી આવ્યા છે 
અને મારા ઉપર હુમલો કરવાની તૈયારી કરે છે. 
હે યહોવા, જાગૃત થાઓ, આ બધું જુઓ, અને મને સહાય કરો. 
 5 હે યહોવા, સૈન્યોના દેવ; ઇસ્રાએલના દેવ, જાગૃત થાઓ; 
આ વિદેશી પ્રજાઓને શિક્ષા કરો; 
તમે કપટ કરનાર દુષ્ટ અપરાધીઓ પર જરાય દયા રાખશો નહિ. 
 6 તેઓ સંધ્યાકાળે પાછા આવે છે, 
અને તેઓ કૂતરાની જેમ ઘૂરકે છે; 
નગરની આસપાસ ફેરા ખાય છે. 
 7 તેઓ અપમાનો અને ધમકીઓ ઉચ્ચારે છે. 
તેઓના હોઠોમાંથી તરવારની જેમ શબ્દો નીકળે છે. 
તેઓને કોણ સાંભળે છે તેની ચિંતા નથી. 
 8 હે યહોવા, તમે તેઓને હસી કાઢો; 
અને વિદેશી પ્રજાની હાંસી ઉડાવો. 
 9 હે દેવ, મારા સાર્મથ્ય! હું તમારી વાટ જોઇશ; 
તમે મારી સુરક્ષાનો ઊંચો મજબૂત ગઢ છો. 
 10 યહોવા મારો કૃપાળુ દેવ મને મદદ કરવા આગળ આવશે. 
તે મને શત્રુઓનો પરાજય જોવા દેશે. 
 11 દેવ, હમણાં તેઓનો સંહાર ન કરશો, 
કે મારા માણસો ભૂલી જાય. હે યહોવા, અમારી ઢાલ, વિખેરી નાખો અને તેમને તમારા સાર્મથ્યથી હરાવો. 
 12 તેઓ બધા પોતાના મુખનાં શબ્દોથી શાપ આપી પાપ કરે છે, 
તેઓના જ હોઠે અસત્ય બોલે છે, 
પોતાના જ અભિમાનમાં તેઓને ફસાઇ જવા દો. 
 13 તમે તમારા ક્રોધમાંજ તેઓનો સંહાર કરો; 
જેથી સંપૂર્ણ વિનાશ થાય; 
પછી સર્વ લોકો જાણશે કે ઇસ્રાએલમાં દેવ રાજ કરે છે, 
અને તેમનો જ અધિકાર સમગ્ર પૃથ્વી પર છે. 
 14 સંધ્યાકાળે દુષ્ટો પાછા આવી કૂતરાની જેમ ધૂરકે છે, 
અને તેઓ ચોરી છૂપીથી નગરમાં ફરે છે. 
 15 તેઓ ખાવા સારું ખોરાક માટે રખડે છે, 
તેઓને સંતોષ ન થાય ત્યારે ઘૂરકે છે. 
 16 પણ હું તો તમારા સાર્મથ્યનું ગીત ગાઇશ, 
સવારમાં હું તમારી કૃપા વિષે ગાઇશ, 
કારણ તમે મારા મજબૂત ગઢ છો; 
અને સંકટના સમયે સુરક્ષિત સ્થળ છો. 
 17 હે મારા સાર્મથ્ય, હું તમારા સ્તોત્રો ગાઉં છું; 
કારણ તમે મારા મજબૂત ગઢ છો, 
દેવ, તમે મને પ્રેમ કરનારા છો.