105
 1 યહોવાનો આભાર માનો, તેના નામની સ્તુતિ કરો. 
તેમનાં કૃત્યો લોકોમાં પ્રસિદ્ધ કરો. 
 2 યહોવા સમક્ષ ગાઓ, તેનાં સ્તોત્ર ગાઓ; 
તેમનાં સર્વ ચમત્કારોનું મનન કરો અને સૌને તે જણાવો. 
 3 તમે યહોવાનાં પવિત્ર નામનું અભિમાન કરો; 
યહોવાની આરાધના કરનારાઓ આનંદ કરો. 
 4 યહોવાને તથા તેના સાર્મથ્યને શોધો; 
સદા-સર્વદા તમે તેના મુખને શોધો. 
 5 તેણે જે આશ્ચર્યકારક કમોર્ કર્યા છે તે તથા તેનાં ચમત્કરો 
અને તેનાં ન્યાયચુકાદા યાદ રાખો. 
 6 તમે લોકો દેવના સેવક ઇબ્રાહિમના વંશજો છો, તમે યાકૂબના વંશજો છો. 
અને તમે યહોવાની પસંદગીના લોકો છો. 
 7 તેઓ આપણા દેવ યહોવા છે; 
તેમના સાચાં નિર્ણયો સમગ્ર પૃથ્વીમાં પ્રસિદ્ધ છે. 
 8 તે પોતાનો કરાર સર્વદા યાદ રાખે છે; 
અને હજાર પેઢીઓને આપેલું વચન પાળે છે. 
 9 એટલે કરાર તેમણે ઇબ્રાહિમ સાથે કરેલો; 
અને તેમણે ઇસહાક પ્રત્યેની પ્રતિજ્ઞા લીધેલી, 
 10 તેમણે યાકૂબ માટેના નિયમ તરીકે, તેનું સ્થાપન કર્યું, 
અને તેમણે ઇસ્રાએલ માટે સર્વકાળનો કરાર બનાવ્યો. 
 11 તેમણે કહ્યું, “આ કનાન દેશ હું તમને આપીશ; 
અને તે સર્વદા તમારું પોતાનું વતન થશે.” 
 12 જ્યારે યહોવાએ આ કહ્યું તેઓ અલ્પ સંખ્યામાં હતાં 
તેઓ કનાન દેશમાં ફકત પ્રવાસીઓ તરીકે જ હતાં. 
 13 તેઓ એક દેશથી બીજે દેશ 
અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ફરતાં. 
 14 તેમણે તેઓ પર કોઇને દુર્વ્યવહાર કરવા દીધો નહિ; 
દેવે રાજાઓને તેમને ઇજા નહિ કરવાની ચેતવણી આપી. 
 15 દેવ કહે છે, “તેમણે ચેતવણી આપી; 
મારા અભિષિકતોને રંજાડશો નહિ; 
અને મારા પ્રબોધકોને તકલીફ આપશો નહિ.” 
 16 તેમણે કનાનની ભૂમિમાં દુકાળ આવવા દીધો; 
અને અન્નનો આધાર તેમણે તોડી નાખ્યો. 
 17 પછી તેમણે તેઓની પહેલાં યૂસફને મિસર મોકલ્યો, 
અને તેને ગુલામ તરીકે વેચ્યો. 
 18 બંદીખાનામાં તેઓએ તેના પગોએ સાંકળો બાંધી, 
અને તેઓએ લોખંડનો પટ્ટો તેના ગળે બાંધ્યો. 
 19 યહોવાના શબ્દે પૂરવાર કર્યુ કે તે યૂસફ સાચો હતો 
ત્યાં સુધી યૂસફ જેલમાં રહો. 
 20 પછી રાજાએ માણસો મોકલીને તેને છોડાવ્યો; 
અને લોકોના અધિપતિઓએ તેનો છુટકારો કર્યો. 
 21 પછી રાજાએ યૂસફને તેના મહેલનો તેમજ 
તેની સર્વ મિલકતનો વહીવટ સોંપ્યો. 
 22 અને યૂસફે રાજાના અમલદારોને સૂચનાઓ 
આપી વૃદ્ધ નેતાઓને સમજાવ્યું. 
 23 પછી યાકૂબ મિસરમાં આવ્યો; 
અને ત્યાં હામનાં દેશમાં પોતાના પુત્રોની સાથે રહ્યો. 
 24 દેવે તેમની વૃદ્ધિ કરી, 
અને તેમના દુશ્મનો કરતાં વધારે બળવાન કર્યા. 
 25 દેવે મિસરવાસીઓને ઇસ્રાએલીઓ વિરુદ્ધ કર્યા; 
અને મિસરવાસીઓએ તેનો ધિક્કાર કર્યો અને તેઓને ગુલામ બનાવ્યાં. 
 26 પણ યહોવાએ પોતાના સેવક મૂસાને તેના પ્રતિનિધિ તરીકે મોકલ્યો 
અને તેની સાથે તેમણે યાજક તરીકે પસંદ કરેલા હારુનને મોકલ્યો. 
 27 દેવે તેમને હામની ભૂમિ પર મોકલ્યા; 
ભયાવહ ચમત્કાર કરવા. 
 28 દેવે પૃથ્વી પર ખૂબ ગાઢ અંધકાર મોકલ્યો, 
છતાંય મિસરવાસીઓએ તેમને ધ્યાનથી સાંભળ્યાં નહોતા. 
 29 અને તેમણે તેમના દેશનાં સમગ્ર પાણીને લોહીમાં ફેરવી દીધું; 
અને સર્વ માછલાં મારી નાંખ્યા. 
 30 પછી દેશ પર અસંખ્ય દેડકા ચઢી આવ્યાં; 
તે રાજાનાં ખાનગી ઓરડામાં ઘૂસી ગયાં. 
 31 યહોવાએ આદેશ આપ્યો, 
અને જૂઓ મિસરમાં 
એક છેડાથી બીજા છેડા સુધી ફેલાઇ ગઇ. 
 32 તેણે વરસાદને બદલે કરા મોકલ્યા; 
અને વીજળીની સાથે ઘસી ગયા અગ્નિ. 
 33 તેમણે તેઓના દ્રાક્ષવેલાઓ તથા અંજીરીના ઝાડોનો નાશ કર્યો. 
અને તેમની આખી સરહદો પરનાં બધાં વૃક્ષો તોડી પાડ્યાં. 
 34 તેઓ બોલ્યા; અને ત્યાં અગણિત તીતીઘોડા 
તથા તીડો આવ્યા. 
 35 તેઓ તેઓના દેશની સર્વ વનસ્પતિ ખાઇ ગયાં; 
અને જમીનનાં બધાં ફળ ભક્ષ કરી ગયાં. 
 36 તેઓનાં દેશમાંના સર્વ પ્રથમજનિતને મારી નાખ્યા, 
દેવે તેમના બધા સૌથી મોટા પુત્રોને મારી નાખ્યા. 
 37 તેઓ તેમના લોકોને, તેમના સોના ચાંદી સાથે, 
સુરક્ષિત રીતે પાછા લઇ આવ્યાં 
અને તેઓમાંથી કોઇ નિર્બળ ન હતું. 
 38 તેઓ ગયાં ત્યારે મિસરવાસી આનંદ પામ્યાં; 
કારણકે તેઓ તેમનાથી ત્રાસ પામ્યા હતાં. 
 39 યહોવાએ મેઘસ્તંભથી તેઓ પર છાયા કરી; 
અને રાત્રે પ્રકાશ માટે અગ્નિસ્તંભ આપ્યો. 
 40 જ્યારે તેઓએ માંગ્યુ ત્યારે લાવરીઓે લાવ્યાં; 
અને આકાશમાંની માન્ના રૂપે રોટલીઓથી તૃપ્ત કર્યા. 
 41 તેમણે ખડક તોડ્યો એટલે ત્યાં પાણી નીકળ્યું; 
જે નદી થઇને સૂકી ભૂમિમાં વહેવા લાગ્યું. 
 42 તેમણે પોતાના સેવક ઇબ્રાહિમને આપેલા 
પોતાના વચનનું સ્મરણ કર્યુ. 
 43 તેઓ પોતાના લોકોને, પોતાના પસંદ કરેલાઓને, 
ખુશીથી પાછા લઇ આવ્યાં. 
 44 તેમણે તેઓને પરદેશીઓની ભૂમિ આપી; 
અને તે અન્ય લોકોએ બનાવેલી વસ્તુઓ તેમને વારસારૂપે મળી. 
 45 તેઓ ભરોસો કરે અને તેનાં વિધિઓનું પાલન કરે 
અને તેના માગોર્ને અનુસરે તેથી યહોવાએ આ કર્યુ; 
હાલેલૂયા!