130
મંદિરે ચઢવા માટેનું ગીત. 
 1 હે યહોવા, સંકટોનાં ઉંડાણમાંથી મેં 
તમને મદદ માટે પોકાર કર્યો. 
 2 હે યહોવા, મારી હાકલ સાંભળ; 
અને મદદ માટેની મારી હાકલ પર તમારા કાન ધ્યાન આપે. 
 3 હે યહોવા, અમારા પ્રભુ; જો તમે ખરેખર અમને અમારા પાપો માટે શિક્ષા કરી હોત, 
તો કોઇનું અસ્તિત્વ રહેત નહિ. 
 4 પરંતુ તમે લોકોને માફી આપો છો, 
તેથી તમે આદર પામશો. 
 5 તેથી હું મોટી આશા સાથે યહોવાની વાટ જોઉ છું, 
મારો આત્મા તેમની રાહ જુએ છે, 
હું તેમના વચન પર આધાર રાખું છું. 
 6 પહેરો ભરનાર સંત્રી પ્રભાતની રાહ જુએ તે કરતાં વિશેષ 
હું યહોવાની રાહ જોઉં છું. 
 7 હે ઇસ્રાએલ, યહોવામાં તમારો વિશ્વાસ મૂકો, 
કારણ, તે દયાળુ ને કૃપાળુ છે 
અને તે આપણને બચાવવા આપણી પાસે આવે છે. 
 8 તેઓના બધાં પાપોને માટે તે પોતે ઇસ્રાએલને માફ કરશે.