145
દાઉદનું ગીત. 
 1 હે મારા દેવ, મારા રાજા, હું તમારા નામનું ગૌરવ વધારીશ! 
હું તમારા નામની સ્તુતિ સદાય અને હંમેશા કરીશ! 
 2 હું પ્રતિદિન તમારી પ્રશંશા કરીશ, 
અને સદા હું તમારા નામની સ્તુતિ ગાઇશ. 
 3 યહોવા મહાન છે તે બહુ જ સ્તુતિપાત્ર છે; 
તેમની મહાનતાનો તાગ પામી શકાય તેમ નથી. 
 4 પેઢી દરપેઢી તમારાં કામની પ્રશંસા થશે; 
અને તમારા પરાક્રમનાં કાર્યો પ્રગટ કરાવાશે. 
 5 હું તમારી મહાનતા અને તમારા મહિમા વિષે બોલીશ; 
હું તમારા અદ્ભૂત ચમત્કારો વિષે ચર્ચા કરીશ. 
 6 લોકો તમારાં પરાક્રમી કૃત્યોનું સાર્મથ્ય પ્રગટ કરશે; 
હું તમારી મહાનતા વર્ણવીશ. 
 7 તેઓ તમારા અનહદ પરોપકારનું સ્મરણ કરીને તમારી કીતિર્ ગજાવશે; 
અને તમારા ન્યાયીપણા વિષે ગીતો ગાશે. 
 8 યહોવા દયાળુ અને કૃપાળુ છે; 
તે ક્રોધ કરવામાં ધીમા અને પ્રેમથી ભરપૂર છે. 
 9 તેઓ પ્રત્યેક સાથે ભલા છે; 
અને તે જે કરે છે, તેમાં તેમની દયાની પ્રતીતિ થાય છે. 
 10 હે યહોવા, જે બધાં તમારું સર્જન છે તે બધાં તમારો આભાર માનો, 
અને તમારા ભકતો તમારી સ્તુતિ કરે. 
 11 તેઓ ભેગા મળીને તમારા રાજ્યના મહિમા વિષે વાત કરશે; અને 
તમારું પરાક્રમ પ્રગટ કરશે. 
 12 જેથી સર્વ લોકો તમારા ચમત્કાર વિષે, 
તથા તમારા રાજ્યના મહિમા વિષે અને પ્રતાપ વિષે જાણે. 
 13 કારણકે તમારા રાજ્યનો અંત કદી આવતો નથી; 
અને તમારું શાસન પેઢી દરપેઢી ચાલું રહે છે. 
 14 ભંગિત થયેલ સૌનો આધાર યહોવા પોતે છે; 
બોજા તળે કચડાયેલાઓને તે બળવાન કરે છે. 
 15 સર્વ કોઇ તમને આતુરતાથી જોઇ રહ્યાં છે. 
અને તેઓની જરૂરિયાત પ્રમાણે તમે અન્ન પૂરું પાડો છો. 
 16 પ્રત્યેક સજીવોની ભૂખ 
અને તરસ તમે સતત સંતોષો છો. 
 17 યહોવા જે કઇ કરે છે તે સર્વમાં પ્રામાણિક 
અને દયાથી ભરપૂર છે. 
 18 જેઓ પ્રામાણિકપણે તેમને મદદ માટે પોકારે છે; 
તેઓની સાથે યહોવાની આત્મીયતા રહે છે. 
 19 યહોવાનો ભય રાખનારા, અને તેમના પર ભરોસો રાખનારાઓની મનોકામનાઓ પૂર્ણ કરે છે; 
સદાય માટેની તેમની વિનંતીઓ સાંભળીને તેઓને છોડાવે છે. 
 20 તેમના પર પ્રેમ રાખનારા સર્વ કોઇનું તે રક્ષણ કરે છે; 
પણ દુષ્ટોનો નાશ કરે છે. 
 21 હું મારા મુખે યહોવાની સ્તુતિ કરીશ; 
તેમના પવિત્ર નામની સ્તુતિ દરેક જણ સદાકાળ કરતો રહેશે!