૧૫
 ૧ મોઆબ વિષે ઈશ્વરવાણી. 
ખરેખર, એક રાત્રિમાં મોઆબનું આર ઉજ્જડ થઈને નષ્ટ થયું છે; 
ખરેખર, એક રાત્રિમાં મોઆબનું કીર ઉજ્જડ થઈને નષ્ટ થયું છે. 
 ૨ તેઓ દીબોનના લોકો, ઉચ્ચસ્થાનો પર રડવાને ચઢી ગયા છે; 
નબો અને મેદબા પર મોઆબ વિલાપ કરે છે. 
તેઓ સર્વનાં માથાં બોડાવેલાં અને દાઢી મૂંડેલી છે. 
 ૩ તેઓ પોતાની ગલીઓમાં ટાટ પહેરે છે; તેઓના ધાબા પર 
અને ચોકમાં પોક મૂકીને રડે છે. 
 ૪ વળી હેશ્બોન અને એલઆલે ધ્રૂસકે ધ્રૂસકે રડે છે; યાહાસ સુધી તેઓનો અવાજ સંભળાય છે. 
તેથી મોઆબના હથિયારબંધ પુરુષો બૂમાબૂમ કરે છે; તેથી તેનું હૃદય ક્ષોભ પામે છે. 
 ૫ મારું હૃદય મોઆબને માટે રુદન કરે છે; તેમાંથી નાસી ગયેલા સોઆર અને એગ્લાથ-શલીશિયા સુધી દોડે છે. 
લૂહીથનાં ચઢાવ પર થઈને તેઓ રડતા રડતા જાય છે. 
હોરોનાયિમને માર્ગે તેઓ વિનાશની બૂમ પાડે છે. 
 ૬ નિમ્રીમનાં પાણી સુકાઈ ગયાં છે; 
ઘાસ સુકાઈ ગયું છે અને નવું ઘાસ નાશ પામ્યું છે; લીલોતરી નથી. 
 ૭ તેથી તેઓએ જે સમૃદ્ધિ મેળવી છે અને જે સંઘરેલું છે 
તે તેઓ વેલાવાળા નાળાને પાર લઈ જશે. 
 ૮ કેમ કે મોઆબની સરહદની આસપાસ રુદનનો પોકાર ફરી વળ્યો છે; 
એગ્લાઈમ અને બેર-એલીમ સુધી તેનો વિલાપ સંભળાય છે. 
 ૯ દીમોનમાં પાણી રક્તથી ભરપૂર છે; પણ હું દીમોન પર વધારે આપત્તિ લાવીશ. 
મોઆબના બચી ગયેલા પર તથા ભૂમિના શેષ પર સિંહ લાવીશ.