૫૬
 ૧ યહોવાહ એવું કહે છે, “ન્યાયનું પાલન કરો, પ્રામાણિકપણે વર્તો; 
કેમ કે મારું તારણ પાસે છે અને મારું ન્યાયીપણું પ્રગટ થશે. 
 ૨ જે માણસ એ પ્રમાણે વર્તે છે અને જે તેને ચુસ્ત રીતે વળગી રહે છે, 
જે સાબ્બાથને અપવિત્ર ન કરતાં તેને પાળે છે અને ભૂંડું કરવાથી પોતાનો હાથ પાછો રાખે છે તે આશીર્વાદિત છે.” 
 ૩ વળી જે પરદેશી યહોવાહનો અનુયાયી બનેલો છે તે એવું ન કહે કે, 
“યહોવાહ મને પોતાના લોકથી નિશ્ચે જુદો પાડશે.” 
કોઈ ખોજાએ એમ ન કહેવું કે, “જુઓ, હું તો સુકાયેલુ ઝાડ છું.” 
 ૪ કેમ કે “જે ખોજાઓ મારા સાબ્બાથો પાળે છે 
અને જે મને ગમે છે તેને પસંદ કરે છે તથા મારા કરારને દૃઢતાથી વળગી રહે છે, તેઓ વિષે યહોવાહ કહે છે - 
 ૫ તેમને તો હું મારા ઘરમાં તથા મારા કોટમાં દીકરા તથા દીકરીઓ કરતાં ઉત્તમ સ્મારક તરીકે સ્થાપીશ; 
જે નષ્ટ થાય નહિ એવું અનંતકાળનું સ્મારક હું તેને આપીશ.” 
 ૬ વળી જે પરદેશીઓ જોડાયાં છે કે તેઓ યહોવાહની 
સેવા કરવા માટે અને જેઓ યહોવાહના નામ પર પ્રેમ કરે છે, તેમની આરાધના કરે છે તે, 
દરેક જે કોઈ સાબ્બાથને અપવિત્ર ન કરતાં તેને પાળે છે અને જે મારા કરારને દૃઢતાથી વળગી રહે છે - 
 ૭ તેઓને હું મારા પવિત્ર પર્વત પર લાવીશ અને મારા પ્રાર્થનાના ઘરમાં તેઓને આનંદ કરાવીશ; 
તેઓનાં દહનાર્પણો તથા તેઓનાં બલિદાનો મારી વેદી પર માન્ય થશે, 
કેમ કે મારું ઘર તે સર્વ દેશનાઓ માટે પ્રાર્થનાનું ઘર કહેવાશે. 
 ૮ પ્રભુ યહોવાહ જે ઇઝરાયલનાં વિખેરાઈ ગયેલાઓને ભેગા કરે છે તે એવું કહે છે: 
“તેના ભેગા થયેલા ઉપરાંત હું હજી તેની પાસે બીજાઓને લાવીને ભેગા કરીશ.” 
 ૯ ખેતરનાં સર્વ હિંસક પશુઓ, વનમાંનાં હિંસક પશુઓ આવો અને ફાડી ખાઓ! 
 ૧૦ તેઓના સર્વ ચોકીદારો અંધ છે; તેઓ સમજતા નથી; 
તેઓ સર્વ મૂંગા કૂતરા છે; જે ભસી શકતા નથી: 
તેઓ સપનાં જુએ છે, સૂઈ રહેનારા, ઊંઘણશી છે. 
 ૧૧ તેઓ ખાઉધરા કૂતરા છે; તેઓ કદી ધરાતા નથી; 
તેઓ બુદ્ધિ વિનાના ઘેટાંપાળકો છે; 
તેઓ સર્વ પોતપોતાને માર્ગે, દરેક અન્યાયથી લાભ મેળવવા લાલચ કરે છે. 
 ૧૨ “આવો” તેઓ કહે છે, “આપણે દ્રાક્ષાસવ અને દારૂ પીઈએ; 
આવતીકાલનો દિવસ આજના જેવો, વળી તે કરતાં પણ મહાન થશે.”