૧૨
 ૧ જે યાજકો તથા લેવીઓ શાલ્તીએલના દીકરો ઝરુબ્બાબેલની તથા યેશૂઆની સાથે પાછા આવ્યા તેઓનાં નામ આ છે: સરાયા, યર્મિયા, એઝરા,  ૨ અમાર્યા, માલ્લૂખ, હાટ્ટુશ,  ૩ શખાન્યા, રહૂમ, મરેમોથ. 
 ૪ ઈદ્દો, ગિન્નથોઈ, અબિયા,  ૫ મીયામીન, માદ્યા, બિલ્ગા,  ૬ શમાયા, યોયારીબ, યદાયા,  ૭ સાલ્લૂ, આમોક, હિલ્કિયા અને યદાયા. તેઓ યેશુઆના સમયમાં યાજકોમાંના તથા તેઓના ભાઈઓમાંના મુખ્ય આગેવાનો હતા. 
 ૮ લેવીઓ આ હતા: યેશૂઆ, બિન્નૂઈ, કાદ્મીએલ, શેરેબ્યા, યહૂદા તથા માત્તાન્યા, તે તથા તેના ભાઈઓ ગાનારાઓના અધિકારી હતા.  ૯ બાકબુક્યા, ઉન્નો તથા તેઓના ભાઈઓ વારાફરતી ચોકી કરતા હતા. 
 ૧૦ યેશૂઆ યોયાકીમનો પિતા, યોયાકીમ એલ્યાશીબનો પિતા, એલ્યાશીબ યોયાદાનો પિતા,  ૧૧ યોયાદા યોનાથાનનો પિતા, યોનાથાન યાદૂઆનો પિતા હતો. 
 ૧૨ યોયાકીમના સમયમાં યાજકો, એટલે પિતૃઓના કુટુંબોના આગેવાનો આ હતા: સરાયાનો આગેવાન મરાયા, યર્મિયાનો આગેવાન હનાન્યા,  ૧૩ એઝરાનો આગેવાન મશુલ્લામ, અમાર્યાનો આગેવાન યહોહાનાન,  ૧૪ મેલીકુનો આગેવાન યોનાથાન, શબાન્યાનો આગેવાન યૂસફ હતો. 
 ૧૫ હારીમનો આગેવાન આદના, મરાયોથનો આગેવાન હેલ્કાય,  ૧૬ ઈદ્દોનો આગેવાન ઝખાર્યા, ગિન્નથોનનો આગેવાન મશુલ્લામ,  ૧૭ અબિયાનો આગેવાન ઝિખ્રી, મિન્યામીન તથા મોઆદ્યાનો આગેવાન પિલ્ટાય હતો.  ૧૮ બિલ્ગાનો આગેવાન શામ્મૂઆ, શમાયાનો આગેવાન યહોનાથાન,  ૧૯ યોયારીબનો આગેવાન માત્તાનાય, યદાયાનો આગેવાન ઉઝિઝ,  ૨૦ સાલ્લાયનો આગેવાન કાલ્લાય, આમોકનો આગેવાન એબેર,  ૨૧ હિલ્કિયાનો આગેવાન હશાબ્યા, યદાયાનો આગેવાન નથાનએલ હતો. 
 ૨૨ એલ્યાશીબ, યોયાદા, યોહાનાન અને યાદૂઆના સમયમાં એ લેવીઓની તેઓના કુટુંબોના વડીલો તરીકે નોંધણી કરવામાં આવી હતી. ઇરાનના રાજા દાર્યાવેશના શાસન દરમિયાન યાજકોની પણ નોંધ પુસ્તકમાં કરવામાં આવી હતી.  ૨૩ લેવીના વંશજો તેઓના પિતૃઓના કુટુંબોના વડીલોનાં નામ એલ્યાશીબના પુત્ર યોહાનાનના સમય સુધી કાળવૃત્તાંતોનાં પુસ્તકમાં નોંધવામાં આવ્યાં હતાં. 
 ૨૪ લેવીઓના આગેવાનો આ પ્રમાણે હતા: હશાબ્યા, શેરેબ્યા તથા કાદ્મીએલનો પુત્ર યેશૂઆ તથા તેઓના ભાઈઓ સામસામે ઊભા રહીને ગાતા, વારાફરતી પોતપોતાના ક્રમે ઈશ્વરભક્ત દાઉદની આજ્ઞા પ્રમાણે સ્તુતિ તથા આભારસ્તુતિ કરતા હતા.  ૨૫ માત્તાન્યા, બાકબુક્યા, ઓબાદ્યા, મશુલ્લામ, ટાલ્મોન અને આક્કૂબ તેઓ ભંડારોના દરવાજા પર ચોકી કરતા દ્વારપાળો હતા.  ૨૬ તેઓ યોસાદાકના પુત્ર યેશૂઆના પુત્ર યોયાકીમના સમયમાં તેમ જ પ્રશાસક નહેમ્યાના સમયમાં તથા એઝરા યાજક જે શાસ્ત્રી હતો તેના સમયમાં હતા. 
 ૨૭ યરુશાલેમના કોટની પ્રતિષ્ઠાને પ્રસંગે લોકોએ લેવીઓને તેઓની સર્વ જગ્યાઓમાંથી શોધી કાઢ્યા કે તેઓને ઈશ્વરની આભારસ્તુતિનાં ગાયનો ગાવા, ઝાંઝો, સિતાર અને વીણાઓ વગાડતાં ઉત્સાહથી પ્રતિષ્ઠાપર્વ પાળવા માટે તેઓ તેમને યરુશાલેમમાં લાવે.  ૨૮ ગાનારાઓના પુત્રો યરુશાલેમની આસપાસના મેદાનમાંથી તથા નટોફાથીઓનાં ગામોમાંથી એકત્ર થયા. 
 ૨૯ વળી તેઓ બેથ ગિલ્ગાલથી, ગેબાના અને આઝમા-વેથના ખેતરોમાંથી પણ એકત્ર થયા; કેમ કે ગાનારાઓએ પોતાને માટે યરુશાલેમની આસપાસ ગામો બાંધ્યા હતાં.  ૩૦ યાજકોએ તથા લેવીઓએ પોતે પવિત્ર થઈને લોકોને, દરવાજાઓને તથા કોટને પવિત્ર કર્યા. 
 ૩૧ પછી હું યહૂદિયાના આગેવાનોને કોટ પર લાવ્યો અને મેં આભારસ્તુતિ કરનારી બે ટુકડી ઠરાવી. તેમાંની એક જમણી તરફ કોટ પર કચરાના દરવાજા તરફ ચાલી. 
 ૩૨ તેઓની પાછળ હોશાયા અને યહૂદાના અડધા આગેવાનો ,  ૩૩ અઝાર્યા, એઝરા, મશુલ્લામ,  ૩૪ યહૂદા, બિન્યામીન, શમાયા, યમિર્યા,  ૩૫ તથા યાજકોના પુત્રોમાંના કેટલાક રણશિંગડાં લઈને ચાલ્યા. આસાફના પુત્ર ઝાક્કૂરના પુત્ર મીખાયાના પુત્ર માત્તાન્યાના પુત્ર શમાયાના પુત્ર યોનાથાનનો પુત્ર ઝખાર્યા,  ૩૬ અને તેના ભાઈઓ શમાયા તથા અઝારેલ, મિલલાય, ગિલલાય, માઆય, નથાનએલ, યહૂદા તથા હનાની, તેઓ ઈશ્વર ભકત દાઉદના વાજિંત્રો લઈને ચાલ્યા. એઝરા શાસ્ત્રી તેઓની આગળ ચાલતો હતો.  ૩૭ કારંજાને દરવાજેથી સીધા આગળ ચાલીને દાઉદનગરના પગથિયાં પર થઈને, કોટના ચઢાવ પર દાઉદના મહેલની ઉપર બાજુએ પૂર્વ તરફના પાણીના દરવાજા સુધી તેઓ ગયા. 
 ૩૮ આભારસ્તુતિ કરનારાઓની બીજી ટુકડી તેઓની ડાબી બાજુ તરફ ગઈ. હું બાકીના અડધા લોકો સાથે કોટ પર તેઓની પાછળ ચાલ્યો અને ભઠ્ઠીના બુરજની ઉપલી બાજુએ થઈને છેક પહોળા કોટ સુધી ગયો.  ૩૯ અને ત્યાંથી એફ્રાઇમ દરવાજો, જૂનો દરવાજો, મચ્છી દરવાજો, હનાનએલના બુરજ અને હામ્મેઆહના બુરજ આગળ થઈને ઘેટાંનો દરવાજા સુધી ગયો. તેઓ ચોકીદારના દરવાજા આગળ આવીને ઊભા રહ્યા. 
 ૪૦ પછી આભારસ્તુતિના ગાયકવૃંદની ટુકડી ઈશ્વરના ભક્તિસ્થાનમાં ઊભી રહી. મેં તથા મારી સાથે અડધા અધિકારીઓએ પણ પોતાની જગ્યા લીધી.  ૪૧ પછી યાજકોએ તેઓની જગ્યા લીધી: એલ્યાકીમ, માસેયા, મિન્યામીન, મીખાયા, એલ્યોએનાય, ઝખાર્યા, હનાન્યા, આ યાજકો રણશિંગડાં લઈને ઊભા રહ્યા;  ૪૨ માસેયા, શમાયા, એલાઝાર, ઉઝિઝ, યહોહાનાન, માલ્કિયા, એલામ અને એઝેર. ગાનારાઓ તેમને દોરનાર યિઝાહ્યાની સાથે ગાતા હતા. 
 ૪૩ અને તે દિવસે તેમણે પુષ્કળ બલિદાન આપ્યાં તથા આનંદોત્સવ કર્યો; કેમ કે ઈશ્વરે તેઓને આનંદથી ભરપૂર કર્યા હતા. વળી સ્ત્રીઓએ તથા બાળકોએ પણ આનંદ કર્યો. તે આનંદ એટલો મોટો હતો કે તેનો અવાજ યરુશાલેમથી ઘણે દૂર સુધી સંભળાતો હતો. 
 ૪૪ તે દિવસે ભંડારો, ઉચ્છાલીયાર્પણ, પ્રથમફળો તથા દશાંશોના ભંડારો ઓરડીઓ પર કારભારીઓ ઠરાવવામાં આવ્યા. જેથી તેઓ નગરોના ખેતરો પ્રમાણે યાજકોને તથા લેવીઓને સારુ નિયમશાસ્ત્ર પ્રમાણે ઠરાવેલા હિસ્સા ભેગા કરે. કેમ કે સેવામાં હાજર રહેનાર યાજકો અને લેવીઓના લીધે યહૂદિયાના લોકોએ આનંદ કર્યો.  ૪૫ તેઓએ, ગાનારાઓએ તથા દ્વારપાળોએ પોતાના ઈશ્વરની સેવા કરી તથા દાઉદ તથા તેના પુત્ર સુલેમાનની આજ્ઞા પ્રમાણે શુદ્ધિકરણની સેવા બજાવી. 
 ૪૬ કારણ કે પ્રાચીનકાળમાં દાઉદના અને આસાફના સમયમાં આસાફ ગાયકોનો મુખ્ય આગેવાન હતો. વળી ઈશ્વરના સ્તવનના તથા આભારસ્તુતિનાં ગીતો પણ હતાં.  ૪૭ ઝરુબ્બાબેલના તથા નહેમ્યાના સમયમાં સર્વ ઇઝરાયલીઓ ગાનારાઓના તથા દ્વારપાળો હિસ્સા તેઓને દરરોજની જરૂરિયાત પ્રમાણે આપતા હતા. તેઓ લેવીઓ માટે અલગ રાખતા હતા અને લેવીઓ હારુનના પુત્રો માટે અલગ હિસ્સો રાખતા હતા.