143
દાઉદનું ગીત. 
1 હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો, 
મારી આજીજીનો જવાબ આપો 
અને મને બતાવો કે તમે ભલા અને ન્યાયી છો. 
2 હે યહોવા, મારી, તમારા સેવકની, ચકાસણી ન કરો, 
કારણ કે તમારી આગળ કોઇ નિદોર્ષ મળશે નહિ. 
3 મારા શત્રુઓ મારી પાછળ પડ્યા છે; 
તેઓએ મને જમીન પર પછાડ્યો છે, 
અને અંધકારમાં પૂરી દીધો છે, 
જાણે હું મરી ગયો હોઉં તેમ. 
4 માટે મારો આત્મા ઘણો મૂંઝાઇ ગયો છે; 
અને મારું અંત:કરણ સ્તબ્ધ થઇ ગયું છે. 
5 હું ભૂતકાળનાં વષોર્ સ્મરું છું; 
તે વખતે તમે મહિમાવંત ચમત્કારો કર્યા હતાં; 
તેનું મનન કરું છું. 
6 હું મારા હાથ તમારા ભણી પ્રસારું છું; 
સૂકી ધરતીની જેમ મારો જીવ તમારા માટે તરસે છે. 
7 હે યહોવા, મને જલ્દી જવાબ દો કારણકે હવે 
હું નબળો થતો જાઉં છું; 
તમે મારાથી મોઢું ફેરવશો તો 
હું મૃત્યુ પામીશ. 
8 મને પ્રભાતમાં તમારી કૃપા અનુભવવા દો; 
કારણકે, હું તમારા પર ભરોસો રાખું છું. 
જે માગેર્ મારે ચાલવું જોઇએ તે મને બતાવો, કારણકે, 
હું મારું જીવન તમારા હાથોમાં મૂકું છું. 
9 મારા શત્રુઓથી તમે મારી રક્ષા કરો; 
સંતાવા માટે હું તમારે શરણે આવ્યો છું. 
10 મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો; 
કારણકે તમે મારા દેવ છો; 
તમારો ઉત્તમ આત્મા મને સત્યને માગેર્ દોરી જાઓ. 
11 હે યહોવા, તમારા નામને માટે મને જીવાડો; 
તમારા ન્યાયીપણાથી મને મુશ્કેલીમાંથી બચાવો. 
12 મારા પ્રત્યેની કૃપાથી તમે મારા શત્રુઓનો નાશ કરો; 
અને મારા આત્માને સતાવનારાઓનો સંહાર કરો; 
કારણકે હું તમારો સેવક છું.