The First Epistle of Paul to the Corinthians
કરિંથીઓને પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર
અભિવાદન
૧ કરિંથમાંના ઈશ્વરના વિશ્વાસી સમુદાયના, જેઓને ખ્રિસ્ત ઈસુમાં પવિત્ર કરવામાં આવેલા છે, જેઓને સંતો તરીકે તેડવામાં આવેલા છે તથા જેઓ હરકોઈ સ્થળે આપણા પ્રભુ, એટલે તેઓના તથા આપણા પ્રભુ, ઈસુ ખ્રિસ્તને નામે પ્રાર્થના કરે છે તે સર્વને, ૨ આપણા ઈશ્વરની ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત થવાને તેડાયેલો પાઉલ તથા ભાઈ સોસ્થનેસ લખે છે. ૩ આપણા પિતા ઈશ્વર તરફથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હો.
આભારદર્શન
૪ ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની જે કૃપા તમને આપવામાં આવી છે, તેને માટે હું તમારા વિષે મારા ઈશ્વરનો આભાર નિત્ય માનું છું; ૫ કેમ કે જેમ ખ્રિસ્ત વિષેની અમારી સાક્ષી તમારામાં દ્રઢ થઈ તેમ, ૬ સર્વ બોલવામાં તથા સર્વ જ્ઞાનમાં, તમે સર્વ પ્રકારે તેમનાંમાં ભરપૂર થયા;
૭ જેથી તમે કોઈ પણ કૃપાદાનમાં અપૂર્ણ ન રહેતાં, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં પ્રગટ થવાની રાહ જુઓ છો. ૮ તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને દિવસે નિર્દોષ માલૂમ પડો, એ માટે તે તમને અંત સુધી દૃઢ રાખશે. ૯ જે ઈશ્વરે તમને તેમના દીકરા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંગતમાં તેડેલા છે, તે વિશ્વાસુ છે.
કરિંથની મંડળીમાં પક્ષાપક્ષી
૧૦ હવે, ભાઈઓ, હું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે તમને વિનંતી કરું છું કે તમે સર્વ દરેક બાબતમાં એકમત થાઓ, તમારામાં પક્ષ પડવા ન દેતાં એક જ મનના તથા એક જ મતના થઈને પૂર્ણ ઐક્યમાં રહો. ૧૧ મારા ભાઈઓ, આ એટલા માટે કહું છું કે તમારા સંબંધી ક્લોએના ઘરનાં માણસો તરફથી મને ખબર મળી છે કે તમારામાં વાદવિવાદ પડયા છે.
૧૨ એટલે મારા કહેવાનો અર્થ એ છે કે, તમારામાંનો કોઈ કહે છે કે, 'હું તો પાઉલનો;' [કોઈ કહે છે કે,] 'હું તો આપોલસનો' [કોઈ કહે છે કે,] 'હું તો કેફાનો;' અને [કોઈ કહે છે કે,] 'હું તો ખ્રિસ્તનો છું.' ૧૩ શું ખ્રિસ્તનાં ભાગ થયા છે? શું પાઉલ તમારે માટે વધસ્તંભે જડાયો છે? અથવા શું તમે પાઉલના નામે બાપ્તિસ્મા પામ્યા હતા?
૧૪ હું ઈશ્વરની સ્તુતિ કરું છું કે, ક્રિસ્પસ તથા ગાયસ સિવાય મેં તમારામાંના કોઈનું બાપ્તિસ્મા કર્યું નથી. ૧૫ રખેને એમ ન થાય કે તમે મારે નામે બાપ્તિસ્મા પામ્યા હતા. ૧૬ વળી સ્તેફનના કુટુંબનું પણ મેં બાપ્તિસ્મા કર્યું હતું; એ સિવાય મેં બીજા કોઈનું બાપ્તિસ્મા કર્યું હોય, એની મને ખબર નથી.
૧૭ કારણ કે બાપ્તિસ્મા કરવા માટે નહિ, પણ સુવાર્તા પ્રગટ કરવા માટે, ખ્રિસ્તે મને મોકલ્યો; [એ કામ] વિદ્વતાથી ભરેલા પ્રવચનથી નહિ, એમ ન થાય કે ખ્રિસ્તનો વધસ્તંભ નિરર્થક થાય.
ખ્રિસ્ત ઈસુનું જ્ઞાન અને સામર્થ્ય
૧૮ કેમ કે નાશ પામનારાઓને તો વધસ્તંભની વાત મૂર્ખતા [જેવી લાગે] છે; પણ અમો ઉદ્ધાર પામનારાઓને તો તે ઈશ્વરનું સામર્થ્ય છે. ૧૯ કેમ કે લખેલું છે કે, 'હું જ્ઞાનીઓના જ્ઞાનનો નાશ કરીશ અને બુદ્ધિમાનોની બુદ્ધિને નિરર્થક કરીશ.'
૨૦ જ્ઞાની ક્યાં છે? શાસ્ત્રી ક્યાં છે? આ જમાનાનો વાદવિવાદ કરનાર ક્યાં છે? શું ઈશ્વરે જગતના જ્ઞાનને મૂર્ખતા ઠરાવી નથી? ૨૧ કેમ કે જયારે (ઈશ્વરે પોતાના જ્ઞાન પ્રમાણે [નિર્માણ કર્યું હતું તેમ]) જગતે પોતાના જ્ઞાન વડે ઈશ્વરને ઓળખ્યા નહિ, ત્યારે જગત જેને મૂર્ખતા ગણે છે તે સુવાર્તા પ્રગટ કરવા દ્વારા વિશ્વાસ કરનારાઓનો ઉદ્ધાર કરવાનું ઈશ્વરને પસંદ પડયું.
૨૨ યહૂદીઓ ચમત્કારિક ચિહ્નો માગે છે અને ગ્રીક લોકો જ્ઞાન શોધે છે; ૨૩ પણ અમે તો વધસ્તંભે જડાયેલા ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ, તે તો યહૂદીઓને અવરોધરૂપ અને ગ્રીક લોકોને મૂર્ખતારૂપ લાગે છે;
૨૪ પરંતુ જેઓને તેડવામાં આવ્યા, પછી તે યહૂદી હોય કે ગ્રીક હોય, તેઓને તો ખ્રિસ્ત એ જ ઈશ્વરનું સામર્થ્ય તથા ઈશ્વરનું જ્ઞાન છે. ૨૫ કારણ કે માણસો [ના જ્ઞાન] કરતાં ઈશ્વરની મૂર્ખતામાં વિશેષ જ્ઞાન છે, અને માણસો [ની શક્તિ] કરતાં ઈશ્વરની નિર્બળતામાં વિશેષ શક્તિ છે.
૨૬ ભાઈઓ, ઈશ્વરના તમારાં તેડાને લક્ષમાં રાખો કે, માનવીય ધોરણ મુજબ તમારામાંના ઘણાં જ્ઞાનીઓ ન હતા, પરાક્રમીઓ ન હતા, ઉચ્ચ કુળમાં જન્મેલા ન હતા. ૨૭ પણ ઈશ્વરે જ્ઞાનીઓને શરમાવવા સારુ દુનિયાના મૂર્ખોને અને શક્તિમાનોને શરમાવવા સારુ દુનિયાના નિર્બળોને પસંદ કર્યા છે;
૨૮ વળી જેઓ [મોટા મનાય] છે તેઓને નહિ જેવા કરવા માટે, ઈશ્વરે દુનિયાના અકુલીનોને, ધિક્કાર પામેલાઓને તથા જેઓ કશી [વિસાતમાં] નથી તેઓને પસંદ કર્યા છે ૨૯ કે, કોઈ મનુષ્ય ઈશ્વરની આગળ અભિમાન કરે નહિ.
૩૦ પણ ઈશ્વર [ની કૃપા] થી તમે ઈસુ ખ્રિસ્તમાં છો, તેઓ તો ઈશ્વર તરફથી આપણે સારુ જ્ઞાન, ન્યાયીપણું, પવિત્રતા તથા ઉદ્ધાર થયા છે; ૩૧ લખેલું છે કે, 'જે કોઈ ગર્વ કરે તે પ્રભુમાં ગર્વ કરે.'