ખ્રિસ્તનાં પ્રેરિતો
૧ દરેક માણસે અમને ખ્રિસ્તનાં સેવકો તથા ઈશ્વરના મર્મોને પ્રગટ કરનારા કારભારીઓ માનવા. ૨ વળી દરેક કારભારીએ વિશ્વાસુ થવું એ ખૂબ જ જરૂરનું છે.
૩ પણ તમે કે બીજા માણસો મારો ન્યાય કરો, એ વિષે મને કંઈ ચિંતા નથી; વળી હું પોતે પણ પોતાનો ન્યાય કરતો નથી. ૪ કેમ કે મને પોતાનામાં કશો દોષ દેખાતો નથી, પણ એથી હું ન્યાયી ઠરતો નથી; પણ મારો ન્યાય કરનાર તો પ્રભુ છે.
૫ માટે તમે સમય અગાઉ, એટલે પ્રભુ આવે ત્યાં સુધી, કંઈ ન્યાય ન કરો; તેઓ અંધકારની છૂપી બાબતોને જાહેર કરશે, અને હૃદયોના ગુપ્ત ઇરાદા પ્રગટ કરશે; તે સમયે દરેકની પ્રશંસા ઈશ્વર તરફથી થશે.
૬ ભાઈઓ, મેં એ વાતો તમારે સારુ ઉદાહરણ તરીકે મને પોતાને તથા આપોલસને લાગુ પાડી છે, જેથી તમે અમારાથી એવું શીખો કે જે લખવામાં આવ્યું છે તેની હદ ઓળંગવી નહિ અને એકના પક્ષમાં રહીને બીજાની વિરુદ્ધ કોઈ બડાઈ કરે નહિ. ૭ કેમ કે કોણ તમારામાં ભેદ પાડે છે? તારી પાસે એવું શું છે જે તેં મફત પ્રાપ્ત કર્યું નથી? જો તેં મફતમાં પ્રાપ્ત કર્યું છે તો જાતે મેળવ્યું હોય તેમ અભિમાન કેમ કરે છે?
૮ તમે ક્યારનાયે સંતુષ્ટ થઈ ગયા છો, અને દ્રવ્યવાન પણ થઈ ગયા છો. અમારા વિના તમે રાજ કરવા લાગ્યા છો. અમારી પણ ઇચ્છા એ છે કે તમે રાજ કરો કે, જેથી અમે પણ તમારી સાથે રાજ કરીએ. ૯ માટે હું વિચારું છું કે, ઈશ્વરે અમો પ્રેરિતોને જાણે કે છેલ્લાં મરણદંડ પામનારા હોય એવા બતાવ્યા છે; કેમ કે અમે વિશ્વની, સ્વર્ગદૂતોની તથા માણસોની આગળ તમાશા જેવા ખુલ્લાં થયા છીએ.
૧૦ ખ્રિસ્તને માટે અમે મૂર્ખ, પણ તમે ખ્રિસ્તમાં બુદ્ધિમાન; અમે નિર્બળ પણ તમે બળવાન; અને તમે માન પામનારા, પણ અમે અપમાન પામનારા થયા છીએ. ૧૧ અત્યાર સુધી અમે ભૂખ્યા, તરસ્યા તથા વસ્ત્રો વિનાના છીએ, સતાવણી સહન કરીએ છીએ અને ઘરબાર વિનાના છીએ,
૧૨ અમે હાથે કામ અને મહેનત કરીએ છીએ; નિંદા પામવા છતાં અમે આશીર્વાદ આપીએ છીએ; સતાવણી સહન કરીએ છીએ; ૧૩ તિરસ્કૃત હોવા છતાંય વિનંતી કરીએ છીએ; અમે હજી સુધી માનવજગતથી ધિક્કાર પામેલા તથા કચરા જેવા છીએ.
૧૪ હું તમને શરમાવવા માટે આ વાતો લખતો નથી; પણ તમને મારાં પ્રિય બાળકોને સમજીને શિક્ષણ આપું છું. ૧૫ જોકે તમને ખ્રિસ્તમાં દસ હજાર શિક્ષકો હોય, તોપણ તમને ઘણાં પિતા નથી; કેમ કે ખ્રિસ્ત ઈસુમાં, સુવાર્તાદ્વારા હું તમારો પિતા થયો છું. ૧૬ તેથી હું તમને વિનંતી કરું છું કે, તમે મારા અનુયાયીઓ થાઓ.
૧૭ મેં તિમોથીને તમારી પાસે મોકલ્યો છે, તે ખ્રિસ્તમાં મારો પ્રિય તથા વિશ્વાસુ પુત્ર છે. જેમ હું દરેક જગ્યાએ સર્વ વિશ્વાસી સમુદાયોમાં શીખવું છું તેમ તે ખ્રિસ્તમાં મારા માર્ગો વિષે તમને સ્મરણ કરાવશે. ૧૮ જાણે હું તમારી પાસે પાછો આવવાનો ન હોઉં, એવું સમજીને તમારામાંનાં કેટલાક અભિમાની થઈ ગયા છે.
૧૯ પણ પ્રભુની ઇચ્છા હશે, તો હું તમારી પાસે વહેલો આવીશ, અને અભિમાનીઓનું બોલવું નહિ, પણ તેઓનું સામર્થ્ય જોઈ લઈશ. ૨૦ કેમ કે ઈશ્વરનું રાજ્ય બોલવામાં નહિ, પણ સામર્થ્યમાં છે. ૨૧ તમારી શી ઇચ્છા છે? હું તમારી પાસે સોટી લઈને આવું, કે પ્રેમભાવે તથા નમ્રભાવે આવું?