મંડળીમાં આગેવાનો
૧ જો કોઈ માણસ અધ્યક્ષપદની ઇચ્છા રાખે છે, તો તે ઉત્તમ કાર્યની ઇચ્છા રાખે છે, આ વિધાન વિશ્વસનીય છે. ૨ તેથી અધ્યક્ષ તો ઠપકાપાત્ર નહિ, એક સ્ત્રીનો પતિ, સ્વસ્થ, આત્મસંયમી, આદરણીય, આગતા-સ્વાગતા કરનાર, શીખવી શકનાર; ૩ દારૂનો વ્યસની નહિ, મારનાર નહિ; પણ સૌમ્ય, શાંતિપ્રિય; પૈસાપ્રેમી નહિ;
૪ પણ પોતાના ઘરનું યોગ્ય સંચાલન કરનાર, જેનાં સંતાનો તેને માનપૂર્વક આધીન થતાં હોય, તેવો હોવો જોઈએ. ૫ કેમ કે જો કોઈ પોતાના ઘરનું યોગ્ય રીતે સંચાલન કરી જાણતો નથી, તો તે ઈશ્વરની મંડળી (વિશ્વાસી સમુદાય) ની સંભાળ કેવી રીતે રાખશે?
૬ બિનઅનુભવી નહિ, રખેને તે ગર્વિષ્ઠ થઈને શેતાનના જેવી શિક્ષામાં આવી પડે. ૭ વળી જરૂરી છે કે, બહારના માણસોમાં એની સાક્ષી સારી હોય, કે જેથી તે ઠપકાપાત્ર ન બને, તથા શેતાનના ફાંદામાં ન ફસાય.
મંડળીમાં સેવકો
૮ એ જ પ્રમાણે સેવકો પણ પ્રતિષ્ઠિત, બે મોંઢે બોલનાર નહિ, દારૂનાં વ્યસની નહિ, અપ્રામાણિક નફાના લોભી નહિ; ૯ વિશ્વાસના મર્મને શુદ્ધ અંતઃકરણથી પકડી રાખનાર હોવા જોઈએ. ૧૦ પ્રથમ તેઓની પરખ થાય; પછી જેઓ નિર્દોષ ઠરે તેઓને સેવા કરવા દે.
૧૧ એ જ પ્રમાણે સેવિકાઓ પ્રતિષ્ઠિત, નિંદાખોર નહિ, સ્પષ્ટ વિચારનાર, સર્વ બાબતે વિશ્વાસુ હોવી જોઈએ. ૧૨ વળી સેવકો એક જ સ્ત્રીનાં પતિ, પોતાનાં સંતાનો તથા ઘરનું યોગ્ય સંચાલન કરનારા હોવા જોઈએ. ૧૩ કેમ કે જેઓએ સારી સેવા કરી હોય તેઓ ઉચ્ચ દરજ્જો પામે છે; તથા ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસમાં દૃઢતા પ્રાપ્ત કરે છે.
મહાન રહસ્ય
૧૪ હું તારી પાસે ટૂંક સમયમાં આવવાની આશા સાથે તને આ વાતો લખું છું; ૧૫ પણ જો મને આવતાં વિલંબ થાય, તો ઈશ્વરનું ઘર, કે જે જીવંત ઈશ્વરની મંડળી, સત્યનો સ્તંભ તથા આધાર છે, તેમાં વ્યક્તિએ યોગ્ય રીતે વર્તવું તે તું જાણે.
૧૬ નિર્વિવાદપણે ઈશ્વરપરાયણતાનો મર્મ મોટો છે તેઓ મનુષ્યદેહમાં પ્રગટ થયા, પવિત્ર આત્મામાં ન્યાયી ઠરાવાયા, સ્વર્ગદૂતોનાં જોવામાં આવ્યા, લોકજાતીઓમાં પ્રચાર કરાયા, દુનિયામાં જેમનાં પર વિશ્વાસ કરાયો અને તેમને મહિમામાં ઉપર લઈ લેવામાં આવ્યા.