ખ્રિસ્તી દાનધર્મ
૧ ભાઈઓ, મકદોનિયાના વિશ્વાસી સમુદાયો પર ઈશ્વરની જે કૃપા થઈ તે અમે તમને જણાવીએ છીએ કે, ૨ વિપત્તિની ભારે કસોટીમાં તેઓનો પુષ્કળ આનંદ તથા ભારે ગરીબાઈ ઉદારતારૂપી પુષ્કળ સમૃદ્ધિમાં બદલાઈ ગઈ.
૩ કેમ કે હું સાક્ષી પૂરું છું કે, તેઓએ પોતાની શક્તિ પ્રમાણે, બલકે શક્તિ ઉપરાંત દાનો, પોતાની ખુશીથી આપ્યાં. ૪ પોતાની આ ઉદારતા તથા સંતોની સેવા કરવામાં તેઓની ભાગીદારી સ્વીકારવાને તેઓએ અમને આગ્રહપૂર્વક વિનંતી કરી; ૫ વળી જેમ અમે આશા રાખી હતી, તેમ નહિ; પણ તેઓએ પ્રથમ પ્રભુને અને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે પોતાને પણ અમને સ્વાધીન કર્યા.
૬ માટે અમે તિતસને વિનંતી કરી કે, જેમ તેણે અગાઉ શરૂઆત કરી હતી, તે જ પ્રમાણે તે તમારામાં આ ઉદારતાની કૃપા સંપૂર્ણ કરે. ૭ પણ જેમ તમે સર્વ બાબતોમાં, એટલે વિશ્વાસમાં, વાણીમાં, જ્ઞાનમાં, ઉત્કંઠામાં તથા અમારા ઉપરના તમારા પ્રેમમાં વધ્યા, તેવી જ રીતે આ ઉદારતાની સેવામાં પણ વૃદ્ધિ પામો.
૮ હું આ બાબત આજ્ઞારૂપે નહિ, પણ બીજાઓની ઉત્કંઠાની સરખામણીમાં તમારા પ્રેમની પ્રામાણિકતાની પરીક્ષા કરવાને કહું છું. ૯ કેમ કે તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા જાણો છો કે, તેઓ ધનવાન હોવા છતાં તમારે માટે નિર્ધન થયા, કે જેથી તમે તેમની ગરીબીથી ધનવાન થાઓ.
૧૦ આ બાબતમાં હું અભિપ્રાય આપું છું; જે તમને મદદરૂપ થશે, કારણ કે એક વર્ષ અગાઉ તમે કેવળ [એ કામ] કરવાનો આરંભ કર્યો હતો, એટલું જ નહીં પણ તે કરવાની તમારી ધગશ પણ હતી. ૧૧ તો હવે તે કામ પૂરું કરો કે જેથી જે પ્રમાણે તમારી આતુર ઇચ્છા હતી તે પ્રમાણે તમારી શક્તિ મુજબ તે પરિપૂર્ણ થાય. ૧૨ કેમ કે જો [આ કામ કરવાની] ઇચ્છા હોય તો કોઈ માણસ પાસે જે નથી તે પ્રમાણે નહિ, પણ જે છે તે પ્રમાણે તે [ઇચ્છા] માન્ય છે.
૧૩ આ કામ એટલા માટે નથી કે બીજાઓને રાહત મળે અને તમને તકલીફ પડે, ૧૪ પણ તે સમાનતાને ધોરણે થાય એટલે કે વર્તમાન સમયમાં તમારી સમૃદ્ધિ તેઓની અછત કે તેઓની સમૃદ્ધિ પણ તમારી અછત પૂરી પાડે, કે જેથી સમાનતા થાય; ૧૫ જેમ લખેલું છે, 'જેની પાસે ઘણું હતું તેને વધી પડ્યું નહિ; અને જેની પાસે થોડું હતું તેને ખૂટી પડ્યું નહિ.'
તિતસ અને તેના સાથીદારો
૧૬ પણ ઈશ્વરની આભારસ્તુતિ થાઓ, કે જેમણે તિતસના હૃદયમાં તમારે માટે એવી જ કાળજી ઉત્પન્ન કરી; ૧૭ કેમ કે તેણે અમારી વિનંતી સ્વીકારી એટલું જ નહિ પણ તે પોતે ઘણો આતુર હોવાથી સ્વેચ્છાથી તમારી પાસે આવ્યો.
૧૮ વળી અમે તેની સાથે એક ભાઈને મોકલ્યો છે કે જેનું નામ સુવાર્તાપ્રચારની બાબતમાં સર્વ વિશ્વાસી સમુદાયોમાં પ્રશંસનીય છે. ૧૯ એટલું જ નહિ, પણ તે ભાઈ વિશ્વાસી સમુદાયો દ્વારા નિમાયેલો છે, કે જેથી પ્રભુના મહિમાને અર્થે આ કૃપાની જે સેવા અમને સોંપવામાં આવી છે તે કરવા અને અમારી મદદ કરવાની ઉત્કંઠા દર્શાવવાં તે અમારી સાથે ફરે.
૨૦ અમે કાળજી રાખીએ છીએ કે દાન ઉઘરાવવાનો આ જે વહીવટ અમે કરીએ છીએ, તે વિષે કોઈ અમારા દોષારોપણ ન કરે. ૨૧ કેવળ પ્રભુની જ દ્રષ્ટીમાં નહિ, પણ માણસોની દ્રષ્ટીમાં પણ જે યોગ્ય છે તે કરવા વિષે અમે કાળજી રાખીએ છીએ.
૨૨ તેઓની સાથે અમે અમારા ભાઈને મોકલ્યો છે, કે જેની અમે ઘણી બાબતોમાં ઘણીવાર કસોટી કરી અને તે અમને મહેનતુ માલૂમ પડ્યો છે અને હમણાં તો તમારા પર તેનો ઘણો ભરોસો હોવાથી તે વધારે મહેનતુ હોવાની ખાતરી થયેલી છે. ૨૩ તિતસ વિષે કોઈ પૂછે તો તે મારો સાથી તથા તમારે માટે મારો સહકર્મી છે; અને અમારા ભાઈઓ વિષે કોઈ પૂછે તો તેઓ મંડળી દ્વારા મોકલાયેલા તથા ખ્રિસ્તનો મહિમા છે. ૨૪ તેથી ભાઈઓને તથા મંડળીઓને તમારા પ્રેમ તથા તમારા વિષેના અમારા ગૌરવનું પ્રમાણ બતાવી આપો.