૧ દાઉદે પલિસ્તીઓ પર હુમલો કરીને તેઓને હરાવ્યા. અને દાઉદે મેથેગ આમ્મા પલિસ્તીઓના હાથમાંથી આંચકી લીધું. ૨ પછી તેણે મોઆબીઓને હરાવ્યા અને તેઓના માણસોને ભૂમિ પર સુવાડીને દોરીથી માપ્યા. તેણે મારી નાખવા માટે બે દોરીઓ જેટલા માપ્યા અને જીવતા રાખવા માટે એક આખી દોરી જેટલા માપ્યા. તેથી મોઆબીઓ દાઉદના ચાકરો થઈ તેને ખંડણી આપતા થયા.
૩ પછી દાઉદે રાહોબનો દીકરો સોબાનો રાજા હતો તેને એટલે કે હદાદેઝેર જયારે તે ફ્રાત નદી પાસે પોતાનું રાજય પાછું મેળવવા માટે પાછો જતો હતો ત્યારે તેને હરાવ્યો. ૪ દાઉદે તેની પાસેથી એક હજાર રથો સાતસો સવારો અને ભૂમિદળના વીસ હજાર સૈનિકો લીધા. દાઉદે રથના સર્વ ઘોડાઓની નસો કાપી નાખી, પણ તેમાંના સો રથોને જરૂરી ઘોડાઓને જીવતા રાખ્યા.
૫ જયારે દમસ્કસના અરામીઓ સોબાના રાજા હદાદેઝેરને મદદ કરવા માટે આવ્યા, ત્યારે દાઉદે અરામીઓમાંના બાવીસ હજાર માણસોને મારી નાખ્યા. ૬ પછી દાઉદે દમસ્કસના અરામમાં લશ્કર ગોઠવ્યું. પછી અરામીઓ તેના દાસ થયા અને ખંડણી ચૂકવવા લાગ્યા. દાઉદ જયાં જયાં ગયો ત્યાં ઈશ્વરે તેને વિજય અપાવ્યો.
૭ હદાદેઝેરના ચાકરો પાસે સોનાની ઢાલો હતી તે લઈને દાઉદ તેમને યરુશાલેમમાં લાવ્યો. ૮ હદાદેઝેરનાં બેતા અને બેરોથાય નગરોમાંથી દાઉદ રાજાએ પુષ્કળ કાંસું લીધું.
૯ જયારે હમાથના રાજા ટોઈએ, સાંભળ્યું કે દાઉદે હદાદેઝેરના બધાં સૈન્યનો પરાજય કર્યો છે, ૧૦ ત્યારે ટોઈએ પોતાના દીકરા યોરામને દાઉદ રાજા પાસે તેને બિરદાવવા અને આશીર્વાદ આપવા મોકલ્યો, કારણ કે દાઉદે હદાદેઝેરની વિરુદ્ધ લડાઈ કરીને તેને હરાવ્યો હતો, યોરામ પોતાની સાથે ચાંદીના, સોનાનાં અને કાંસાનાં પાત્રો લઈને આવ્યો હતો.
૧૧ દાઉદ રાજાએ આ પાત્રો ઈશ્વરને સમર્પિત કર્યાં. ને તેની સાથે જે દેશો તેણે જીત્યા હતા તે સર્વનું સોનું તથા રૂપું તેણે અર્પણ કીધું, ૧૨ એટલે અરામનું, મોઆબનું, આમ્મોનપુત્રોનું, પલિસ્તીઓનું, અમાલેકનું, સોબાના રાજા રાહોબના દીકરા હદાદેઝેરે લૂંટી લીધેલું સોનું પણ ઈશ્વરને અર્પિત કર્યું.
૧૩ દાઉદ મીઠાની ખીણમાં અઢાર હજાર માણસોને મારીને પાછો આવ્યો ત્યારે તેનું નામ પ્રખ્યાત થયું. ૧૪ તેણે આખા અદોમમાં લશ્કરો ગોઠવ્યાં અને સર્વ અદોમીઓ તેના દાસો થયા. દાઉદ જ્યાં ગયો ત્યાં ઈશ્વરે તેને વિજય અપાવ્યો.
૧૫ દાઉદે સર્વ ઇઝરાયલ પર રાજ કર્યું હતું. પોતાના સર્વ લોકોનો ન્યાય કરતો હતો. અને વહીવટ કરતો હતો. ૧૬ સરુયાનો દીકરો યોઆબ સૈન્યનો સેનાપતિ હતો. અને અહીલૂદનો દીકરો યહોશાફાટ ઈતિહાસકાર હતો. ૧૭ અહિટૂબનો દીકરો સાદોક અને અબ્યાથારનો દીકરો અહીમેલેખ યાજકો હતા અને સરુયા સચિવ હતો. ૧૮ યહોયાદાનો દીકરો બનાયા કરેથીઓનો અને પલેથીઓનો ઉપરી હતો અને દાઉદના દીકરાઓ રાજાના મુખ્ય સલાહકાર હતા.