૨૧
૧ દાઉદની કારકિર્દી દરમ્યાન લગાતાર ત્રણ વર્ષ સુધી દુકાળ પડ્યો, દાઉદે ઈશ્વરને પોકાર કર્યો. તેથી ઈશ્વરે કહ્યું, “શાઉલ તથા તેના ખૂની કુટુંબને લીધે તારા રાજ્ય પર આ દુકાળ આવ્યો છે, કેમ કે તેણે ગિબ્યોનીઓને મારી નાખ્યા હતા.”
૨ હવે ગિબ્યોનીઓ તો ઇઝરાયલના નહિ પણ અમોરીઓમાં બાકી રહેલાઓમાંના હતા. ઇઝરાયલના લોકોએ તેમની સાથે સમ ખાધા હતા, પણ શાઉલ ઇઝરાયલના લોકો તથા યહૂદિયાના લોકો માટેના તેના આવેશને લીધે તેઓને મારી નાખવાના પ્રયત્નમાં રહેતો હતો. ૩ તેથી દાઉદ રાજાએ ગિબ્યોનીઓને એકસાથે બોલાવીને કહ્યું, “હું તમારે માટે શું કરું? હું કેવી રીતે પ્રાયશ્ચિત કરું, જેથી તમે ઈશ્વરના લોકોને તેમની ભલાઈ અને વચનોના વતનનો આશીર્વાદ આપો?”
૪ ગિબ્યોનીઓએ તેને જવાબ આપ્યો, શાઉલ કે તેના કુટુંબની અને અમારી વચ્ચે સોના કે રૂપાનો વાંધો નથી. અને અમારે ઇઝરાયલમાંથી કોઈને મારી નાખવો નથી.” દાઉદે જવાબ આપ્યો “તમે જે કંઈ કહેશો તે હું તમારે માટે કરીશ.”
૫ પછી તેઓએ રાજાને કહ્યું, જે માણસ અમને મારી નાખવાનો પ્રયત્ન કરતો હતો, તથા ઇઝરાયલની સર્વ સીમમાંથી અમારું નિકંદન જાય,એવી યુક્તિઓ અમારી વિરુદ્ધ જે રચતો હતો, ૬ તેના વંશજોમાંથી સાત માણસો અમારે સ્વાધીન કરવામાં આવે, એટલે ઈશ્વરથી પસંદ કરાયેલા શાઉલના ગિબયામાં અમે તેઓને ઈશ્વરની આગળ ફાંસી આપીશું.” તેથી રાજાએ કહ્યું, “હું તેઓને તમારે સ્વાધીન કરીશ.”
૭ પણ શાઉલના દીકરા યોનાથાન તથા દાઉદની વચ્ચે ઈશ્વરના જે સમ હતા, તેને કારણે રાજાએ શાઉલના દીકરા યોનાથાનના દીકરા મફીબોશેથને બચાવ્યો. ૮ પણ દાઉદે આર્મોની તથા મફીબોશેથ નામે શાઉલના જે બે દીકરા એયાહની દીકરી રિસ્પાથી થયા હતા તેઓને તથા બાર્ઝિલ્લાય મહોલાથીના દીકરા જે આદ્રિયેલના પાંચ દીકરાઓ શાઉલની દીકરી મીખાલથી થયા હતા તેઓને ગીબ્યોનીઓને સ્વાધીન કરવાનું નક્કી કર્યું. ૯ તેઓને રાજાએ ગિબ્યોનીઓના હાથમાં સોંપ્યાં અને તેઓએ તેઓને પર્વત ઉપર ઈશ્વરની આગળ ફાંસી આપી, તે સાત લોકો એકસાથે મરણ પામ્યા. કાપણીની ઋતુના પહેલા દિવસોમાં એટલે જવની કાપણીની શરૂઆતમાં તેઓ મરાયા હતા.
૧૦ ત્યારે એયાહની દીકરી રિસ્પાએ ટાટ લીધું અને કાપણીની શરૂઆતથી તે તેઓની ઉપર આકાશમાંથી પાણી પડ્યું ત્યાં સુધી, મૃતદેહોની બાજુમાં પોતાને માટે ખડક ઉપર તે પાથર્યું. તેણે દિવસે વાયુચર પક્ષીઓને તથા રાત્રે જંગલી પશુઓને મૃતદેહો પાસે આવવા દીધાં નહિ. ૧૧ એયાહની દીકરી રિસ્પાએ, એટલે શાઉલની ઉપપત્નીએ આ જે કંઈ કર્યું તેની ખબર દાઉદને મળી.
૧૨ તેથી દાઉદે જઈને શાઉલનાં અસ્થિ તથા તેના દીકરા યોનાથાનના હાડકાં યાબેશ-ગિલ્યાદના માણસો પાસેથી લીધાં, તેઓ તે બેથ-શાનના મેદાનમાંથી ચોરી લાવ્યા હતા, જે દિવસે પલિસ્તીઓએ શાઉલને ગિલ્બોઆમાં મારી નાખ્યો તે દિવસે પલિસ્તીઓએ તે ત્યાં લટકાવ્યાં હતાં. ૧૩ દાઉદે ત્યાંથી શાઉલના હાડકાં તથા તેના દીકરા યોનાથાનના અસ્થિ લઈ લીધા, તેમ જ ફાંસીએ લટકાવેલાઓનાં હાડકાં તેઓએ એકત્ર કર્યા.
૧૪ અને તેઓએ શાઉલનાં તથા તેના દીકરા યોનાથાનના અસ્થિ બિન્યામીન દેશના શેલામાં તેના પિતા કીશની કબરમાં દફનાવ્યાં. તેઓએ રાજાની કહેલી આજ્ઞા પ્રમાણે સઘળું કર્યું. ત્યાર પછી ઈશ્વરે તે દેશ માટે કરેલી તેઓની પ્રાર્થનાનો જવાબ આપ્યો.
૧૫ પછી પલિસ્તીઓ ફરીથી ઇઝરાયલ સાથે યુદ્ધ કરવા ગયા. તેથી દાઉદ તેના સૈન્ય સાથે જઈને પલિસ્તીઓની સામે લડ્યો. અને દાઉદ યુદ્ધ કરીને થાકી ગયો. ૧૬ અને રફાહના વંશજોમાંનો એક યિશ્બી-બનોબ હતો. તેના ભાલાનું વજન પિત્તળના ત્રણસો શેકેલ (ચોત્રીસ કિલો પાંચ ગ્રામ) હતું તેણે નવી તલવાર કમરે બાંધી હતી, તેનો ઇરાદો દાઉદને મારી નાખવાનો હતો. ૧૭ પણ સરુયાના દીકરા અબિશાયે તેને બચાવ્યો અને પેલા પલિસ્તી પર હુમલો કરીને તેને મારી નાખ્યો. ત્યારે દાઉદના માણસોએ તેને સમ ખાઈને કહ્યું, “તારે હવેથી અમારી સાથે યુદ્ધમાં આવવું નહિ, કે રખેને તું ઇઝરાયલનો દીવો હોલવી નાખે.” ૧૮ પછી એમ થયું કે, ત્યાં ગોબ પાસે પલિસ્તીઓ સાથે ફરીથી યુદ્ધ થયું, ત્યારે હુશાથી સિબ્બખાયે રફાહના વંશજોમાંના સાફને મારી નાખ્યો. ૧૯ વળી પાછું ગોબ પાસે પલિસ્તીઓની સાથે યુદ્ધ થયું, ત્યારે બેથલેહેમી યાઅરે-ઓરગીમના દીકરા એલ્હાનાને ગોલ્યાથ ગીત્તીને મારી નાખ્યો, જેના ભાલાનો હાથો વણકરની તોર જેવો હતો.
૨૦ ફરીથી ગાથ પાસે યુદ્ધ થયું, ત્યાં એક ઊંચો કદાવર માણસ હતો, તેના બન્ને હાથને છ આંગળી તથા બન્ને પગને છ આંગળી એમ બધી મળીને ચોવીસ આંગળીઓ હતી. તે પણ રફાહનો વંશજ હતો. ૨૧ તેણે ઇઝરાયલના સૈન્યનો તુચ્છકાર કર્યો, તેથી દાઉદના ભાઈ શિમઈના ના દીકરા યોનાથાને તેને મારી નાખ્યો.
૨૨ આ ચારે જણ ગાથમાંના રફાહના વંશજો હતા. તેઓ દાઉદના હાથથી તથા તેના સૈનિકોના હાથથી માર્યા ગયા.