૧ નબૂખાદનેસ્સાર રાજાના શાસનના બીજા વર્ષે તેને સ્વપ્નો આવ્યાં. તેનું મન ગભરાયું, તે ઊંઘી શક્યો નહિ. ૨ ત્યારે રાજાએ જાદુગરો તથા મેલીવિદ્યા કરનારને બોલાવ્યા. તેણે મંત્રવિદ્યા જાણનારાઓને તથા ખાલદીઓને પણ તેડાવ્યા. તે ઇચ્છતો હતો કે તેઓ તેના સ્વપ્ન વિષે તેને કહી જણાવે. તેઓ અંદર આવીને રાજા આગળ ઊભા રહ્યા.
૩ રાજાએ તેઓને કહ્યું, “મને એક સ્વપ્ન આવ્યું છે અર્થ જાણવાને મારું મન આતુર છે.” ૪ ત્યારે ખાલદીઓએ રાજાને અરામી ભાષામાં કહ્યું, “રાજા, સદા જીવતા રહો! આપના સેવકોને તે સ્વપ્ન કહી સંભળાવો અને અમે તેનો અર્થ બતાવીશું.”
૫ રાજાએ ખાલદીઓને જવાબ આપ્યો કે, “એ સ્વપ્નની વાત મારા સ્મરણમાંથી જતી રહી છે. જો તમે મને તે સ્વપ્ન તથા તેનો અર્થ નહિ જણાવો તો તમારા શરીરના ટુકડે ટુકડા કરવામાં આવશે અને તમારા ઘરોના ભંગારના ઢગલા કરવામાં આવશે. ૬ પણ જો તમે મને સ્વપ્ન અને તેનો અર્થ જણાવશો, તો તમને મારી પાસેથી ભેટો, ઇનામ અને મોટું માન મળશે. માટે મને સ્વપ્ન અને તેનો અર્થ જણાવો.”
૭ તેઓએ ફરીથી તેને જણાવ્યું કે, “ હે રાજા આપ પોતાના દાસોને સ્વપ્ન કહી સંભળાવો તો અમે તેનો અર્થ જણાવીએ.” ૮ રાજાએ જવાબ આપ્યો, “હું નક્કી જાણું છું કે તમે સમય મેળવવા ઇચ્છો છો, કેમ કે તમે જુઓ છો કે આ વિષે મારો નિર્ણય શો છે. ૯ પણ જો તમે મને સ્વપ્ન નહિ જણાવશો તો તમારે માટે ફક્ત એક જ કાયદો છે. મારું મન બદલાય ત્યાં સુધી મને કહેવા માટે તમે જૂઠી તથા કપટી વાતો નક્કી કરી રાખી છે. માટે તમે મને સ્વપ્ન કહો એટલે હું જાણી શકું કે તમે પણ અર્થ કહી શકશો.”
૧૦ ખાલદીઓએ રાજાને જવાબ આપ્યો, “પૃથ્વી ઉપર એવો કોઈ માણસ નથી કે જે રાજાના સ્વપ્નની વાત કહી શકે. કોઈ રાજાએ કે મહારાજાએ આજ સુધી કોઈ જાદુગરને, મંત્રવિદ્યા જાણનારને કે ખાલદીને આવી કોઈ વાત પૂછી નથી. ૧૧ જે માગણી રાજા કરે છે તે મુશ્કેલ છે, દેવો કે જેઓ માણસોની મધ્યે રહેતા નથી તેઓના સિવાય બીજો કોઈ રાજાને આ વાત કહી શકે નહિ.
૧૨ આ સાંભળીને રાજાને ઘણો ગુસ્સો ચઢ્યો અને તે કોપાયમાન થયો. તેણે બાબિલના બધા જ્ઞાનીઓનો નાશ કરવાનો હુકમ આપ્યો. ૧૩ એ હુકમ બહાર પાડવામાં આવ્યો. બધા જ્ઞાનીઓને મારી નાખવાના હતા; તેથી તેઓએ દાનિયેલ તથા તેના સાથીઓને પણ મારી નાખવા માટે શોધ્યા.
૧૪ આ સમયે બાબિલના જ્ઞાનીઓને મારી નાખવા રાજાના અંગરક્ષકોના નાયક આર્યોખને દાનિયેલે ડહાપણ અને વિવેકબુદ્ધિથી જવાબ આપ્યો. ૧૫ દાનિયેલે રાજાના નાયકને પૂછ્યું, “રાજાનો હુકમ તાકીદનો કેમ છે?” તેથી આર્યોખે બધી વાત જણાવી. ૧૬ તેથી દાનિયેલે રાજાની સમક્ષ જઈને અરજ કરી કે, આપ મને થોડો સમય આપો એટલે હું આપના સ્વપ્નનો અર્થ જણાવીશ.
૧૭ પછી દાનિયેલે પોતાના ઘરે જઈને હનાન્યા, મીશાએલ તથા અઝાર્યાને આ વાત જણાવી. ૧૮ તેણે તેઓને વિનંતી કરી કે તેઓ આ રહસ્ય માટે આકાશના ઈશ્વરની દયા માગે કે જેથી તેઓ બાબિલના બધા જ્ઞાની માણસો સાથે માર્યા જાય નહિ.
૧૯ તે રાત્રે સંદર્શનમાં દાનિયેલને આ વિષે મર્મ પ્રગટ કરવામાં આવ્યો. તેથી દાનિયેલે આકાશના ઈશ્વરની સ્તુતિ કરી. ૨૦ અને કહ્યું,
“ઈશ્વરનું નામ સદાસર્વકાળ સ્તુત્ય હો;
કેમ કે ડહાપણ તથા પરાક્રમ તેમના છે.
૨૧ તે સમયોને તથા
ઋતુઓને બદલે છે;
તે રાજાઓને પદભ્રષ્ટ કરે છે
વળી રાજાઓને રાજગાદીએ બેસાડે છે.
તે જ્ઞાનીને ડહાપણ
તથા બુદ્ધિમાનને સમજ આપે છે.
૨૨ તે ઊંડી તથા ગુપ્ત વાતો પ્રગટ કરે છે.
કેમ કે તે જાણે છે કે અંધારામાં શું છે,
પ્રકાશ તેમની સાથે રહે છે.
૨૩ હે મારા પૂર્વજોના ઈશ્વર, હું તમારો આભાર માનું છું અને તમારી સ્તુતિ કરું છું,
કેમ કે, તમે મને ડહાપણ અને સામર્થ્ય આપ્યાં છે.
અમે જે તમારી પાસેથી માગ્યું હતું તે હવે તમે અમને જણાવ્યું છે;
તમે અમને રાજાની વાત જણાવી છે.”
૨૪ પછી દાનિયેલ આર્યોખ કે જેને રાજાએ બાબિલના બધા જ્ઞાનીઓને મારી નાખવાનો હુકમ આપ્યો હતો તેની પાસે ગયો. તેણે જઈને તેને કહ્યું, “બાબિલના જ્ઞાનીઓને મારી નાખીશ નહિ. મને રાજાની સમક્ષ લઈ જા અને હું રાજાને તેના સ્વપ્નનો અર્થ કહી સંભળાવીશ.”
૨૫ ત્યારે આર્યોખ દાનિયેલને ઉતાવળથી રાજાની હજૂરમાં લઈ ગયો અને કહ્યું, “મને યહૂદિયામાંથી પકડી લાવેલા માણસોમાંથી એક માણસ મળી આવ્યો છે જે રાજાના સ્વપ્નનો અર્થ પ્રગટ કરશે.” ૨૬ રાજાએ દાનિયેલને (જેનું નામ બેલ્ટશાસ્સાર હતું) તેને કહ્યું, “મેં જે સ્વપ્ન જોયું છે તે તથા તેનો અર્થ કહી બતાવવાને શું તું સમર્થ છે?”
૨૭ દાનિયેલે રાજાને જવાબ આપતાં કહ્યું, “જે રહસ્ય વિષે આપ જાણવા માગો છો તે જ્ઞાનીઓ, મંત્રવિદ્યા જાણનારા, જાદુગર કે જ્યોતિષીઓ પ્રગટ કરી શકતા નથી. ૨૮ પણ આકાશમાં એક ઈશ્વર છે, જે રહસ્યો પ્રગટ કરે છે, તેમણે નબૂખાદનેસ્સાર રાજાને હવે પછીના સમયમાં શું થવાનું છે તે જણાવ્યું છે. તમારું સ્વપ્ન તથા તમારા પલંગ પર થયેલાં તમારા મગજનાં સંદર્શનો આ છે.
૨૯ હે રાજા, હવે પછી શું થવાનું છે તેના વિષે તમને તમારા પલંગ પર વિચારો આવ્યા, રહસ્યો પ્રગટ કરનારે ભવિષ્યમાં શું થવાનું છે તે તમને જણાવ્યું છે. ૩૦ બીજી વ્યક્તિઓ કરતાં મારામાં વધારે ડહાપણ છે એટલે આ રહસ્ય મને પ્રગટ થયું છે એવું તો નથી. પણ એટલા માટે કે, રાજાને તેનો અર્થ સમજવામાં આવે અને તમે પોતાના વિચારો જાણો.
૩૧ હે રાજા તમે સ્વપ્નમાં એક મોટી મૂર્તિ જોઈ. આ મૂર્તિ શક્તિશાળી અને તેજસ્વી હતી. તે આપની આગળ ઊભી હતી. તેનો દેખાવ ભયંકર હતો. ૩૨ તે મૂર્તિનું માથું શુદ્ધ સોનાનું બનેલું હતું. તેની છાતી તથા હાથ ચાંદીનાં હતાં. તેનું પેટ અને જાંઘો કાંસાનાં હતાં. ૩૩ તેના પગ લોખંડના બનેલા હતાં. તેના પગના પંજાનો કેટલોક ભાગ લોખંડનો અને કેટલોક ભાગ માટીનો હતો.
૩૪ આપ જોઈ રહ્યા હતા એટલામાં કોઈ માણસનાં હાથ અડ્યા વગર એક પથ્થર કાપી કાઢવામાં આવ્યો. તેણે મૂર્તિની પગનો પંજો જે લોખંડનો તથા માટીની બનેલો હતો તેના પર ત્રાટકીને તેના ટુકડે ટુકડા કરી નાખ્યા. ૩૫ પછી લોખંડ, માટી, કાંસું, ચાંદી અને સોનું બધાના ટુકડેટુકડા થઈ ગયા. અને તે ઉનાળામાં ખળામાંના ભૂસાની માફક થઈ ગયાં. પવન તેમને એવી રીતે ઉડાડીને લઈ ગયો કે ક્યાંય તેમનું નામોનિશાન રહ્યું નહિ. પણ જે પથ્થર મૂર્તિ સાથે પછડાયો હતો તે મોટો પર્વત બની ગયો અને તેનાથી આખી પૃથ્વી ભરાઈ ગઈ.
૩૬ આ તમારું સ્વપ્ન હતું. હવે અમે તમને તેનો અર્થ જણાવીશું. ૩૭ હે રાજા, તમે રાજાધિરાજ છો. આપને આકાશનાં ઈશ્વરે રાજ્ય, સત્તા, ગૌરવ તથા પ્રતાપ આપ્યાં છે. ૩૮ જ્યાં જ્યાં માણસો વસે છે તે જગ્યા તેમણે આપના હાથમાં સોંપી છે. તેમણે વનચર પશુઓ તથા આકાશના પક્ષીઓ આપના હાથમાં સોંપ્યાં છે, તેમણે આપને તે સર્વની ઉપર અધિકાર આપ્યો છે. તે સોનાનું માથું તો તમે છો.
૩૯ તમારા પછી તમારા કરતાં ઊતરતું એવું એક બીજું રાજ્ય આવશે. અને તે પછી કાંસાનું ત્રીજું રાજ્ય થશે તે આખી પૃથ્વી ઉપર શાસન ચલાવશે.
૪૦ ચોથું રાજ્ય લોખંડ જેવું મજબૂત હશે, કેમ કે લોખંડ બીજી વસ્તુઓને ભાંગીને ભૂકો કરે છે અને બધું કચડી નાખે છે. તેમ તે બધી વસ્તુઓને ભાંગી નાખશે અને કચડી નાખશે.
૪૧ જેમ તમે જોયું કે, પગના પંજાનો અને આંગળાંનો કેટલોક ભાગ લોખંડનો અને કેટલોક ભાગ માટીનો બનેલો હતો, તે પ્રમાણે તે રાજ્યના ભાગલા પડી જશે; જેમ તમે લોખંડ સાથે નરમ માટી ભળેલી જોઈ, તેમ તેમાં કેટલેક અંશે લોખંડનું બળ હશે. ૪૨ જેમ પગના આંગળાંનો કેટલોક ભાગ લોખંડનો અને કેટલોક ભાગ માટીનો બનેલો હતો, તેમ તે રાજ્યનો કેટલોક ભાગ બળવાન અને કેટલોક ભાગ તકલાદી થશે. ૪૩ વળી જેમ આપે લોખંડ સાથે માટી ભળેલી જોઈ, તેમ લોકો એકબીજા સાથે ભેળસેળ થશે; જેમ લોખંડ સાથે માટી ભળી શકતી નથી, તેમ તેઓ ભેગા રહી શકશે નહિ.
૪૪ તે રાજાઓના શાસન દરમ્યાન, આકાશના ઈશ્વર એક એવું રાજ્ય સ્થાપશે જેનો કદી નાશ થશે નહિ. તે રાજ્ય કદી બીજી કોઈ પ્રજાના હાથમાં જશે નહિ. તે બીજા રાજ્યને ભાંગીને ભૂકો કરી નાખશે. અને સર્વકાળ ટકશે. ૪૫ તમે જોયું કે, પેલો પથ્થર કોઈ માણસના હાથ અડ્યા વગર પર્વતમાંથી કાપી કાઢવામાં આવ્યો. તેણે લોખંડ, કાંસુ, માટી, ચાંદી અને સોનાના ટુકડે ટુકડા કરી નાખ્યા. તે પરથી હવે પછી શું થવાનું છે તે મહાન ઈશ્વરે તમને જણાવ્યું છે. તે સ્વપ્ન સાચું છે અને તેનો અર્થ વિશ્વસનીય છે.”
૪૬ નબૂખાદનેસ્સાર રાજાએ દાનિયેલને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. અને પૂજા કરી; તેણે આજ્ઞા કરી કે દાનિયેલને અર્પણ તથા સુગંધીઓનો ધૂપ ચઢાવો. ૪૭ રાજાએ દાનિયેલને કહ્યું, “સાચે જ તમારા ઈશ્વર દેવોના પણ ઈશ્વર છે, રાજાઓના પ્રભુ અને રહસ્યો પ્રગટ કરનાર છે. કેમ કે તેમનાથી તું આ રહસ્ય પ્રગટ કરવાને સમર્થ થયો છે.
૪૮ પછી રાજાએ દાનિયેલને ઊંચી પદવી આપી, તેને ઘણી કિંમતી ભેટો આપી. તેણે તેને સમગ્ર બાબિલના પ્રાંતનો અધિકારી બનાવ્યો. દાનિયેલ બાબિલના સર્વ જ્ઞાની માણસો ઉપર મુખ્ય અધિકારી બન્યો. ૪૯ દાનિયેલે રાજાને વિનંતી કરી, તેથી રાજાએ શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોને બાબિલના વિવિધ પ્રાંતના રાજકારભારીઓ નીમ્યા. પણ દાનિયેલ તો રાજાના દરબારમાં રહ્યો.