૧ “આવો આપણે યહોવાહની પાસે પાછા જઈએ.
કેમ કે તેમણે આપણને ચીરી નાખ્યા છે, તેઓ જ આપણને સાજા કરશે;
તેમણે આપણને ઘા કર્યા છે, તેઓ જ આપણને પાટો બાંધશે.
૨ બે દિવસ પછી તેઓ આપણને સચેત કરશે;
ત્રીજે દિવસે તેઓ આપણને ઉઠાડશે,
આપણે તેમની આગળ જીવતા રહીશું.
૩ ચાલો આપણે યહોવાહને જાણીએ,
યહોવાહને ઓળખવાને ખંતથી મહેનત કરીએ.
તેમનું આવવું ઊગતા સૂરજની જેમ નિશ્ચિત છે.
તે વરસાદની જેમ,
વસંતઋતુમાં પૃથ્વીને સિંચનાર છેલ્લા વરસાદની જેમ આવશે.
૪ હે એફ્રાઇમ હું તને શું કરું?
હે યહૂદિયા હું તને શું કરું?
તમારી વિશ્વાસનીયતા સવારના વાદળ જેવી છે,
ઝડપથી ઊડી જનાર ઝાકળ જેવી છે.
૫ માટે મેં તેઓને પ્રબોધકો દ્વારા કતલ કર્યા છે,
મેં મારા મુખનાં વચનોથી તેઓનો સંહાર કર્યો છે.
મારા ન્યાયચુકાદા પ્રગટતા અજવાળારૂપ છે.
૬ કેમ કે હું વિશ્વાસુપણું ચાહું છું અને બલિદાન નહિ,
દહનાર્પણો કરતાં ઈશ્વરનું ડહાપણ ચાહું છું.
૭ તેઓએ આદમની જેમ મારા કરારનું ઉલ્લંઘન કર્યું છે;
તેઓ મારી સાથે અવિશ્વાસુ રહ્યા છે.
૮ ગિલ્યાદ દુષ્કર્મીઓનું નગર છે,
રક્તના નિશાનથી ભરેલું છે.
૯ જેમ લૂંટારાઓનાં ટોળાં કોઈની રાહ જુએ છે,
તેમ યાજકોનું ટોળું શખેમના રસ્તા પર લોકોનું ખૂન કરે છે;
તેઓએ શરમજનક અપરાધો કર્યા છે.
૧૦ ઇઝરાયલ લોકોમાં મેં ભયાનક બાબત જોઈ છે;
ત્યાં એફ્રાઇમમાં વ્યભિચાર જોવા મળ્યો છે, ઇઝરાયલ ભ્રષ્ટ થયો છે.
૧૧ હે યહૂદિયા, જ્યારે હું મારા લોકોને ગુલામગીરીમાંથી પાછા લાવીશ,
ત્યારે તારા માટે કાપણી ઠરાવેલી છે.