Judges
ન્યાયાધીશો
૧ હવે યહોશુઆના મરણ પછી, ઇઝરાયલના લોકોએ ઈશ્વરને પૂછ્યું, “કનાનીઓની સામે લડવાને અમારી તરફથી કોણે આગેવાની કરવી?” ૨ ઈશ્વરે કહ્યું, “યહૂદા તમને આગેવાની આપશે. જુઓ, આ દેશને, મેં તેના હાથમાં સોંપ્યો છે. ૩ યહૂદાએ પોતાના ભાઈ શિમયોનને તથા તેના માણસોને કહ્યું, “જે પ્રદેશ અમને સોંપવામાં આવ્યો છે તેમાં તમે આવો, જેથી આપણે સાથે મળીને કનાનીઓની સામે લડાઈ કરીએ. તેવી જ રીતે જે પ્રદેશ તમને સોંપવામાં આવ્યો હતો, તેમાં અમે તમારી સાથે આવીશું.” તેથી શિમયોનનું કુળ તેની સાથે ગયું.
૪ યહૂદાના પુત્રોએ ચઢાઈ કરી અને ઈશ્વરે કનાનીઓ તથા પરિઝીઓની ઉપર તેને વિજય આપ્યો. બેઝેકમાં તેઓએ તેઓના દસ હજાર માણસોનો સંહાર કર્યો. ૫ બેઝેકમાં તેઓને, અદોની-બેઝેક સામે મળ્યો. તેઓએ તેની સામે લડાઈ કરીને કનાનીઓને તથા પરિઝીઓને હરાવ્યા.
૬ પણ અદોની-બેઝેક નાસવા લાગ્યો ત્યારે તેઓએ તેની પાછળ પડીને તેને પકડયો અને તેના હાથનાં તથા પગના અંગૂઠા કાપી નાખ્યા. ૭ અદોની-બેઝેકે કહ્યું, “સિત્તેર રાજાઓ, જેઓનાં હાથ તથા પગના અંગૂઠા કાપી નાખવામાં આવ્યા હતા, તેઓ ભોજનના મારા ટેબલ નીચેનો ખોરાક વીણીને ખાતા હતા. જેવું મેં કર્યું તેવું જ ઈશ્વરે મને કર્યું છે.” તેઓ તેને યરુશાલેમમાં લાવ્યા અને ત્યાં તે મૃત્યુ પામ્યો.
૮ યહૂદા કુળના પુરુષોએ યરુશાલેમ સામે લડાઈ કરીને તેને જીતી લીધું. તેઓએ તરવારની ધારથી હુમલો કર્યો હતો અને તે નગરને બાળી મૂક્યું. ૯ ત્યાર પછી યહૂદા કુળના પુરુષો પહાડી પ્રદેશમાં, નેગેબમાં જે કનાનીઓ રહેતા હતા તેઓની સાથે લડાઈ કરવાને ગયા. ૧૦ હેબ્રોનમાં રહેતા કનાનીઓ સામે તેઓ આગળ વધ્યા (અગાઉ હેબ્રોનનું નામ કિર્યાથ-આર્બા હતું), તેઓએ શેશાય, અહીમાન તથા તાલ્માયને નષ્ટ કર્યા.
૧૧ ત્યાંથી યહૂદા કુળના પુરુષો દબીરના રહેવાસીઓની વિરુદ્ધ આગળ વધ્યા (અગાઉ દબીરનું નામ કિર્યાથ-સેફેર હતું). ૧૨ કાલેબે કહ્યું, “જે કોઈ કિર્યાથ-સેફેર પર આક્રમણ કરીને તેને જીતી લેશે તેની સાથે હું મારી દીકરી આખ્સાહનાં લગ્ન કરાવીશ.” ૧૩ કાલેબના નાના ભાઈ, કનાઝના દીકરા, ઓથ્નીએલે દબીરા જીતી લીધું, તેથી કાલેબે પોતાની દીકરી આખ્સાહનાં લગ્ન તેની સાથે કરાવ્યા.
૧૪ હવે ઓથ્નીએલને આસ્ખાએ સમજાવ્યો કે તે, તેના (આખ્સાનાં) પિતાને કહે કે તે તેને ખેતર આપે. આખ્સાહ પોતાના ગધેડા પરથી ઊતરતી જ હતી ત્યારે કાલેબે તેને પૂછ્યું, “દીકરી તારા માટે હું શું કરું?” ૧૫ તેણે તેને કહ્યું, “મને એક આશીર્વાદ આપ. જો તેં મને નેગેબની ભૂમિમાં સ્થાપિત કરી છે તો મને પાણીના ઝરા પણ આપ.” અને કાલેબે તેને ઉપરના તેમ જ નીચેના ઝરણાં આપ્યાં.
૧૬ મૂસાના સાળા કેનીના વંશજો, યહૂદાના લોકો સાથે ખજૂરીઓના નગરમાંથી નીકળીને અરાદની દક્ષિણ બાજુએ આવેલા યહૂદાના અરણ્યમાં (જે નેગેબમાં છે), અરાદ નજીક જઈને યહૂદાના લોકો સાથે રહેવા માટે ગયા. ૧૭ અને યહૂદાના પુરુષો, તેમના ભાઈ શિમયોનના પુરુષો સાથે ગયા અને સફાથમાં વસતા કનાનીઓ પર હુમલો કરી તેઓનો સંપૂર્ણ સંહાર કર્યો. તે નગરનું નામ હોર્મા કહેવાતું હતું.
૧૮ યહૂદાના લોકોએ ગાઝા અને તેની ચારેબાજુની ભૂમિ, આશ્કલોન અને તેની ચારેબાજુની ભૂમિ તથા એક્રોન અને તેની ચારેબાજુની ભૂમિ જીતી લીધી. ૧૯ ઈશ્વર, યહૂદાના લોકોની સાથે હતા અને તેઓએ પહાડી પ્રદેશ કબજે કર્યો પણ તે નીચાણમાં રહેનારાઓને કાઢી મૂકી શક્યા નહિ કેમ કે તેઓની પાસે લોખંડના રથો હતા.
૨૦ જેમ મૂસાના કહેવા પ્રમાણે હેબ્રોન કાલેબને આપવામાં આવ્યું અને તેણે અનાકના ત્રણ દીકરાઓને ત્યાંથી કાઢી મૂક્યા. ૨૧ પણ બિન્યામીનના લોકો યરુશાલેમમાં રહેતા યબૂસીઓને કાઢી મૂકી શક્યા નહિ. જેથી આજ દિવસ સુધી યબૂસીઓ બિન્યામીનના લોકો સાથે યરુશાલેમમાં રહેતા આવ્યા છે.
૨૨ યૂસફના વંશજોએ બેથેલ પર આક્રમણ કર્યું. ઈશ્વર તેઓની સાથે હતા. ૨૩ તેઓએ બેથેલની જાસૂસી કરવા પુરુષો મોકલ્યા. (અગાઉ તે નગરનું નામ લૂઝ હતું). ૨૪ જાસૂસોએ એક માણસને તે નગરમાંથી બહાર આવતો જોયો અને તેઓએ તેને કહ્યું કે, “કૃપા કરીને અમને નગરમાં પ્રવેશવાનો માર્ગ બતાવ અને અમે તારી એ સહાયને યાદ રાખીશું.”
૨૫ તેણે તેઓને નગરનો માર્ગ બતાવ્યો. અને તેઓએ તરવારથી તે નગર પર આક્રમણ કર્યું અને તેનો નાશ કર્યો, પણ પેલા માણસને તથા તેના આખા પરિવારને બચાવ્યાં. ૨૬ તે માણસે હિત્તીઓના દેશમાં જઈને નગર બાંધ્યું, તેનું નામ લૂઝ પાડ્યું. આજ સુધી તેનું નામ તે જ છે.
૨૭ મનાશ્શાના લોકોએ બેથ-શેઆન અને તેના ગામોના, તાનાખના તથા તેના ગામોના, દોર તથા તેના ગામોના, યિબ્લામ તથા તેના ગામોના અને મગિદ્દો તથા તેના ગામોના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ; કારણ કે કનાનીઓએ તે દેશમાં રહેવાને ઇચ્છતા હતા. ૨૮ પણ જયારે ઇઝરાયલીઓ બળવાન થયા, ત્યારે તેઓએ કનાનીઓ પાસે મજૂરી કરાવી, પણ તેઓએ તેમને સંપૂર્ણ રીતે કાઢી મૂક્યા નહિ.
૨૯ ગેઝેરમાં રહેતા કનાનીઓને એફ્રાઇમે કાઢી મૂક્યા નહિ; તેથી કનાનીઓ ગેઝેરમાં તેઓની મધ્યે જ રહ્યા.
૩૦ વળી ઝબુલોને કિટ્રોનમાં તથા નાહલોલમાં રહેતા લોકોને કાઢી મૂક્યા નહિ; એટલે કનાનીઓ તેઓની મધ્યે રહ્યા, પણ ઝબુલોનીઓએ કનાનીઓની પાસે ભારે મજૂરી કરાવીને સેવા કરવાને મજબૂર કર્યા.
૩૧ આશેરે આક્કો, સિદોન, અહલાબ, આખ્ઝીબ, હેલ્બા, અફીક તથા રહોબના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ. ૩૨ તેથી આશેરનું કુળ કનાનીઓની સાથે રહ્યું (જેઓ તે દેશમાં રહ્યા) કેમ કે તેણે તેઓને દૂર કર્યા નહિ.
૩૩ નફતાલીએ બેથ-શેમેશના અને બેથ-અનાથના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ. તેથી નફતાલીનું કુળ કનાનીઓ મધ્યે રહ્યું. જો કે, બેથ-શેમેશના તથા બેથ-અનાથના રહેવાસીઓને નફતાલીઓએ પોતાના ગુલામ બનાવ્યાં.
૩૪ અમોરીઓએ દાનના પુત્રોને પહાડી પ્રદેશમાં રહેવાને મજબૂર કર્યા અને તેઓને સપાટ પ્રદેશમાં આવવા દીધા નહિ; ૩૫ અમોરીઓ હેરેસ પહાડ, આયલોન અને શાલ્બીમમાં રહેવા ઇચ્છતા હતા, પણ યૂસફના કુળની લશ્કરી તાકાતે તેઓને તાબે કર્યા અને પોતાના ગુલામ બનાવ્યાં. ૩૬ અમોરીઓની સરહદ સેલાના આક્રાબ્બીમના ઘાટથી શરૂ થઈ પર્વતીય પ્રદેશ સુધી હતી.