૩૫
૧ યહૂદિયાના રાજા યોશિયાના દીકરા યહોયાકીમના રાજ્યકાળ દરમ્યાન યહોવાહનું વચન યર્મિયા પાસે આવ્યું તે આ, ૨ ''તું રેખાબીઓ ગોત્રીઓની પાસે જઈને તેઓને વાત કર, તેઓને બોલાવીને યહોવાહના ભક્તિસ્થાનના એક ઓરડામાં લઈ આવ અને તેઓને પીવા માટે દ્રાક્ષારસ આપ.''
૩ આથી હબાસીન્યાના દીકરા યર્મિયાના દીકરા યાઝાન્યાને તથા તેના સર્વ ભાઈઓ અને તેનાં સર્વ દીકરાઓ તથા રેખાબીના સર્વ કુળોને, ૪ હું યહોવાહના ઘરમાં લાવ્યો. સરદારોના ઓરડાઓ પાસે દરવાન શાલ્લુમના દીકરા માસેયાના ઓરડાની ઉપર ગદાલ્યાના દીકરા હનાનના દીકરાના ઓરડામાં મેં તેઓને ભેગા કર્યા.
૫ પછી મેં રેખાબીઓની આગળ પ્યાલા તથા દ્રાક્ષારસ ભરેલા જગ મૂક્યા અને તેઓને કહ્યું, ''આ દ્રાક્ષારસ પીઓ.'' ૬ પરંતુ તેઓએ કહ્યું, ''અમે દ્રાક્ષારસ નહિ પીઈએ. કેમ કે અમારા પૂર્વજ રેખાબના દીકરા યોનાદાબે અમને આજ્ઞા કરી છે કે, 'તમે તેમ જ તમારા દીકરાઓ કોઈ કાળે દ્રાક્ષારસ પીશો નહિ. ૭ વળી તેઓએ અમને એવું પણ કહ્યું કે, અમારે કદી ઘર બાંધવાં નહિ, કે અનાજ ઉગાડવું નહિ, તેમ જ દ્રાક્ષાવાડીઓ રોપવી નહિ; તમારે એવી કોઈ મિલકત રાખવી નહિ એને બદલે તમારે જીવનભર તંબુઓમાં જ રહેવું; જેથી જ્યાં તમે પરદેશીઓ છો, તે દેશમાં તમારું દીર્ઘાયુષ્ય થાય.'
૮ અમારા પૂર્વજ રેખાબના દીકરા યોનાદાબે અમને આજ્ઞા આપી છે કે, તમે તમારી સ્ત્રીઓ, તમારા દીકરા દીકરીઓ તમારા જીવતાં સુધી દ્રાક્ષારસ પીશો નહિ. ૯ અને રહેવા ઘરો બાંધશો નહિ કે તમારી પાસે દ્રાક્ષાવાડી, ખેતરો કે, બી કંઈ ન હોય. ૧૦ અમે તંબુઓમાં રહ્યા છીએ અને અમારા પિતા યોનાદાબે અમને જે સર્વ આજ્ઞાઓ ફરમાવી હતી તે અમે સંપૂર્ણપણે પાળી છે, ૧૧ પણ જ્યારે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે આ દેશ પર ચઢાઈ કરી ત્યારે અમે નક્કી કર્યું કે, ખાલદીઓના અને અરામના સૈન્યથી બચવા માટે અમે કહ્યું, 'ચાલો, આપણે યરુશાલેમ જતા રહીએ, તેથી અમે યરુશાલેમમાં રહીએ છીએ.”
૧૨ ત્યારબાદ યહોવાહનું વચન યર્મિયાની પાસે આ પ્રમાણે આવ્યું અને કહ્યું કે; ૧૩ સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; યહૂદિયા અને યરુશાલેમમાં જઈને કહે કે, 'શું તમે મારાં વચનો સાંભળીને શિખામણ નહિ લો?' આ યહોવાહનું વચન છે. ૧૪ રેખાબીઓ દ્રાક્ષારસ પીતા નથી, કારણ કે તેઓના પિતા યોનાદાબે તેઓને તેમ કરવાની મનાઈ કરી છે. પણ હું તમારી સાથે વારંવાર બોલ્યો છું છતાં તમે મારું સાંભળતાં નથી.
૧૫ મેં એક પછી એક પ્રબોધકોને તમારી પાસે મોકલીને કહેવડાવ્યું કે, 'તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો તથા અન્ય દેવોની પૂજા કરવાનું બંધ કરો; તો જે દેશ મેં તમને તથા તમારા પિતૃઓને આપ્યો છે તેમાં તમે વસશો; પણ તમે કાન ધર્યા નહિ અને મારું સાંભળ્યું નહિ. ૧૬ રેખાબના દીકરા યોનાદાબના દીકરાઓએ પોતાના પિતૃઓએ જે આજ્ઞા તેઓને આપી, તે માની લીધી છે, પરંતુ આ લોકોએ મારું સાંભળ્યું નથી.
૧૭ તેથી યહોવાહ, સૈન્યોના ઈશ્વર, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; 'જુઓ, હું જે આફતો લાવવા બોલ્યો છું તે બધી હું યહૂદિયા અને યરુશાલેમના રહેવાસીઓ પર ઉતારીશ. કેમ કે, મેં તેઓને કહ્યું ત્યારે તેઓએ સાંભળ્યું નહિ. અને મેં તેઓને હાકલ કરી ત્યારે તેઓએ મને જવાબ આપ્યો નહિ.”'
૧૮ પછી યમિર્યાએ રેખાબીઓના કુળને કહ્યું, “સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; તમે તમારા પૂર્વજ યોનાદાબની આજ્ઞા માની છે અને તમને જે કરવા કહ્યું તે પ્રમાણે જ તમે બધું કર્યું છે. ૧૯ માટે સૈન્યો યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, રેખાબના દીકરા યોનાદાબના વંશમાં મારી સેવા કરનારની ખોટ તને કદી પડશે નહિ.”'