૧ ''હવે હાંક માર ; તને જવાબ આપનાર કોઈ છે ખરું?
તું હવે ક્યા દૂતને શરણે જશે?
૨ કેમ કે ક્રોધ મૂર્ખ માણસને મારી નાખે છે;
ઈર્ષ્યા મૂર્ખનો જીવ લે છે.
૩ મેં મૂર્ખ વ્યક્તિને મૂળ નાખતાં જોયો છે,
પણ પછી અચાનક મેં તેના ઘરને શાપ દીધો.
૪ તેનાં સંતાનો સહીસલામત નથી,
તેઓ ભાગળમાં કચડાય છે.
અને તેઓનો બચાવ કરે એવું કોઈ નથી.
૫ તેઓનો પાક ભૂખ્યા લોકો ખાઈ જાય છે,
વળી કાંટાઓમાંથી પણ તેઓ તે લઈ જાય છે. તેઓની સંપત્તિ લોભીઓ ગળી જાય છે.
૬ કેમ કે વિપત્તિઓ ધૂળમાંથી બહાર આવતી નથી.
અને મુશ્કેલીઓ જમીનમાંથી ઊગતી નથી.
૭ પરંતુ જેમ ચિનગારીઓ ઊંચી ઊડે છે.
તેવી જ રીતે મનુષ્ય સંકટને સારુ સૃજાયેલું છે.
૮ છતાં હું ઈશ્વરને શોધું અને મારી બાબત ઈશ્વરને સોંપું.
૯ તેઓ મોટાં અને અગમ્ય કાર્યો કરે છે
તથા અગણિત અદ્દભુત કાર્યો કરે છે.
૧૦ તે પૃથ્વી પર વરસાદ વરસાવે છે,
અને ખેતરોમાં જળ પહોંચાડે છે.
૧૧ તે સામાન્ય માણસને માનવંતા બનાવે છે;
તથા શોકાતુરોને ઊંચે ચઢાવીને સલામત રાખે છે.
૧૨ તે ચાલાક, પ્રપંચી લોકોની યોજનાઓને એવી રદ કરે છે કે,
જેથી તેઓના હાથથી તેમનાં ધારેલાં કાર્યો થઈ શકતાં નથી.
૧૩ કપટી લોકોને તે પોતાના જ છળકપટમાં ગૂંચવી નાખે છે.
અને દુષ્ટ માણસોના મનસૂબાનો નાશ કરે છે.
૧૪ ધોળે દહાડે તેઓને અંધકાર દેખાય છે,
અને ખરે બપોરે તેઓ રાતની જેમ ફાંફાં મારે છે.
૧૫ પણ તે લાચારને તેઓની તરવારથી
અને તે દરિદ્રીઓને બળવાનના હાથથી બચાવે છે.
૧૬ તેથી ગરીબને આશા રહે છે,
અને દુષ્ટોનું મોં ચૂપ કરે છે.
૧૭ જુઓ, જે માણસને ઈશ્વર શિક્ષા કરે છે. તેને ધન્ય છે,
માટે તું સર્વસમર્થની શિક્ષાને તુચ્છ ન ગણ.
૧૮ કેમ કે તે દુ:ખી કરે છે અને તે જ પાટો બાંધે છે;
તે ઘાયલ કરે છે અને તેમના હાથ તેને સાજા કરે છે.
૧૯ છ સંકટમાંથી તે તને બચાવશે,
હા, સાતમાંથી તને કંઈ નુકસાન થશે નહિ.
૨૦ તે તને દુકાળમાં મૃત્યુમાંથી;
અને યુદ્ધમાં તરવારના ત્રાસમાંથી બચાવી લેશે.
૨૧ જીભના તીક્ષ્ણ મારથી તે તારું રક્ષણ કરશે.
અને આફતની સામે પણ તું નિર્ભય રહીશ.
૨૨ વિનાશ અને દુકાળને તું હસી કાઢીશ.
અને પૃથ્વી પરનાં હિંસક પશુઓથી તું ડરીશ નહિ.
૨૩ તારા ખેતરના પથ્થરો પણ તારા સંપીલા મિત્રો બનશે.
પૃથ્વી પરનાં જંગલી જાનવરોથી પણ તું બીશે નહિ.
૨૪ તને ખાતરી થશે કે તારો તંબુ સુરક્ષિત છે.
અને તું તારા પોતાના વાડાને તપાસી જોશે, તો તને કશું ખોવાયેલું જોવા મળશે નહિ.
૨૫ તને ખાતરી થશે કે મારે પુષ્કળ સંતાનો છે,
અને પૃથ્વી પરના ઘાસની જેમ તારા વંશજો પણ ઘણા થશે.
૨૬ જેમ પાકેલા ધાન્યનો પૂળો તેની મોસમે ઘરે લવાય છે.
તેમ તું તારી પાકી ઉંમરે કબરમાં જઈશ.
૨૭ જુઓ, અમે એ વાતની ખાતરી કરી છે કે; તે તો એમ જ છે;
તે તું સાંભળ અને તારા હિતાર્થે ધ્યાનમાં લે.''