૩૬
૧ અલીહૂએ બોલવાનું ચાલુ રાખતાં કહ્યું કે,
૨ “મને થોડો વધારે સમય બોલવા દો, અને હું તને બતાવીશ
કારણ કે હું ઈશ્વરના પક્ષમાં થોડા વધુ શબ્દો કહેવા માગું છું.”
૩ હું દુરથી ડહાપણ લાવીને;
મારા સર્જનહાર ઈશ્વર ન્યાયી છે તે હું સાબિત કરીશ.
૪ હું તને જણાવું છું કે તે ખરેખર સત્ય છે
કેમ કે જે સંપૂર્ણ જ્ઞાની છે તે તારી સાથે છે.
૫ જુઓ, ઈશ્વર સર્વશક્તિમાન છે, અને તે કોઈનો પણ તિરસ્કાર કરતા નથી;
તે મહા બુદ્ધિમાન અને વિદ્વાન છે.
૬ તેઓ દુષ્ટોને સાચવતા નથી,
પણ ગરીબોના હિતમાં સારું કરે છે.
૭ ન્યાયી માણસ પરથી તેઓની દ્રષ્ટિ દૂર કરતા નથી,
પણ તેથી વિપરીત, તે તેઓને રાજાઓની સાથે સિંહાસન પર બેસાડે છે,
અને તેઓ સદા ઉચ્ચસ્થાન પર રહે છે.
૮ જો, જેથી કરીને તેઓને સાંકળોએ બાંધવામાં આવ્યા છે,
અને તેઓ વિપત્તિમાં સપડાયા છે,
૯ તેઓએ શું કર્યું છે તે તેઓને જણાવશે,
કે તેઓએ કરેલા અપરાધો અને કેવી રીતે અહંકારથી વર્ત્યા છે.
૧૦ તે તેઓના અપરાધોથી પાછા ફરવાનો આદેશ આપશે,
અને શિક્ષણ તરફ તેઓના કાન ઉઘાડશે.
૧૧ જો તેઓ તેમનું સાંભળીને તેમની સેવા કરશે તો,
તેઓ આયુષ્યના દિવસો સમૃદ્ધિમાં પસાર કરશે,
તેઓના જીવનનાં વર્ષો સંતોષથી ભરેલાં થશે.
૧૨ પરંતુ જો, તેઓ તેમનું સાંભળશે નહિ તો,
તેઓ અજ્ઞાનતામાં જ મરણ પામશે અને તેઓનો નાશ થશે.
૧૩ જેઓ નાસ્તિક છે તેઓ પોતાના હૃદયમાં ગુસ્સો ભેગો કરે છે;
ઈશ્વર તેઓને શિક્ષા કરે છે તેમ છતાં તેઓ મદદને માટે પ્રાર્થના કરતા નથી.
૧૪ તેઓ તરુણાવસ્થામાં મરણ પામશે;
અને કૃપા વિના તેઓના જીવનો નાશ પામશે.
૧૫ ઈશ્વર દુઃખીઓને તેઓના દુઃખમાંથી છોડાવે છે;
અને તે તેઓને જુલમ દ્વારા સાંભળતા કરે છે.
૧૬ નિશ્ચે, તે તને વિપત્તિમાંથી બહાર લાવ્યા છે.
જ્યાં સંકટ ન હોય તેવી વિશાળ જગ્યામાં લઈ જાય છે
અને તને ખાવાને માટે પુષ્કળ પ્રમાણમાં ખોરાક પીરસ્યો છે.
૧૭ તને એક દુષ્ટ વ્યક્તિની જેમ સજા થઈ છે;
ન્યાયાસન અને ન્યાયે તને પકડ્યો છે.
૧૮ હવે તમે સાવધ રહેજો, જેથી સમૃદ્ધિ તમને ફોસલાવે નહિ;
અને મોટી લાંચ તને ન્યાય કરવાથી પાછો રાખે નહિ.
૧૯ શું તારી અઢળક સંપત્તિ તને સંકટથી દૂર રાખી શકે છે,
અથવા તારી બધી શક્તિ તને મદદ કરી શકે છે?
૨૦ અન્યની વિરુદ્ધ પાપ કરવાને રાત્રીની ઇચ્છા ન કર,
કે જ્યારે લોકો પોતાની જગ્યાએ નાશ પામે છે.
૨૧ સાવધ રહેજે, પાપ કરવા તરફ ન ફર,
કારણ કે તને સંકટમાંથી પસાર કરાવ્યો છે કે જેથી તું પાપ કરવાથી દૂર રહે.
૨૨ જુઓ, ઈશ્વર તેમનાં સામથ્ય દ્વારા મહિમાવાન થાય છે;
તેમના જેવો ગુરુ કોઈ છે?
૨૩ તેમણે શું કરવું એ કોઈ તેમને કહી શકે ખરું?
અથવા કોણ તેમને કહી શકે છે કે, 'તમે અન્યાય કર્યો છે?'
૨૪ તેમનાં કાર્યોની સ્તુતિ કરવાનું યાદ રાખ,
લોકોએ ગાયનો મારફતે તેમની સ્તુતિ કરી છે.
૨૫ ઈશ્વરે જે કંઈ કર્યુ છે તે સર્વએ નિહાળ્યું છે,
પણ તેઓએ તે કાર્યો દૂરથી જ જોયાં છે.
૨૬ જુઓ, ઈશ્વર મહાન છે, આપણે તેમને સંપૂર્ણપણે સમજી શક્તા નથી;
તેમનાં વર્ષોની સંખ્યા અગણિત છે.
૨૭ તેઓ પાણીનાં ટીંપાં ઊંચે લઈ જાય છે
અને તેનું ઝાકળ અને વરાળ વરસાદમાં રૂપાંતર કરે છે,
૨૮ તે વાદળોમાંથી પૃથ્વી પર વર્ષે છે,
અને મનુષ્યો પર પુષ્કળતામાં વરસાવે છે.
૨૯ ખરેખર, વાદળોનો વિસ્તાર કેટલો છે
અને તેનાં ગગનમંડપમાં ગર્જનાઓ કેવી રીતે થાય છે તેને કોણ સમજી શકે?
૩૦ જુઓ, તેઓ પૃથ્વી પર વીજળી ફેલાવે છે
અને મહાસાગરને અંધકારથી ઢાંકી દે છે.
૩૧ આ રીતે ઈશ્વર લોકોને ખવડાવે છે,
અને તેઓને ભરપૂર ખોરાક પૂરો પાડે છે.
૩૨ તેઓ પોતાના હાથથી વીજળીને પકડે છે,
અને તેને પાડવાની હોય ત્યાં પડવાને આજ્ઞા કરે છે.
૩૩ તેઓની ગર્જના લોકોને આવનાર તોફાન વિષે ચેતવણી આપે છે:
તે જાનવર દ્વારા પણ સમાચાર પહોંચાડે છે કે તોફાન નજીક આવી રહ્યું છે.