૨૧
૧ પછી લેવીઓના કુટુંબોના વડીલો એલાઝાર યાજક પાસે, નૂનના પુત્ર યહોશુઆ અને ઇઝરાયલના પૂર્વજોના આગેવાનો પાસે આવ્યા. ૨ તેઓએ કનાન દેશના શીલોહ આગળ તેમને કહ્યું, “યહોવાહે મૂસાની મારફતે તેઓને આજ્ઞા આપી કે અમને રહેવા સારુ નગરો અને અમારા જાનવરોને માટે ઘાસવાળી જમીન આપવી.”
૩ તેથી ઇઝરાયલી લોકોએ યહોવાહની આજ્ઞા પ્રમાણે, પોતાના વારસામાંથી નગરો અને ગૌચરો લેવીઓને આપ્યાં.
૪ કહાથીઓના કુટુંબોને માટે જે ચિઠ્ઠી પસંદ થઈ તેની આ પ્રમાણે કાર્યવાહી થઈ. લેવીઓમાંના હારુન યાજકોના વંશજોએ યહૂદાના કુળમાંથી, શિમયોનના કુળમાંથી અને બિન્યામીનના કુળમાંથી તેર નગરો પ્રાપ્ત કર્યા.
૫ કહાથીઓના બાકીનાં કુટુંબોને માટે ચિઠ્ઠીઓ નાખતાં તેઓને એફ્રાઇમનાં કુળના કુટુંબોમાંથી, દાનના કુળમાંથી અને મનાશ્શાના અર્ધકુળમાંથી દસ નગરો પ્રાપ્ત થયાં.
૬ ગેર્શોનપુત્રોને માટે ચિઠ્ઠીઓ નાખતા તેમને ઇસ્સાખાર કુળના કુટુંબોમાંથી, આશેરના કુળમાંથી, નફતાલીના કુળમાંથી અને બાશાનમાં મનાશ્શાના અર્ધકુળમાંથી તેર નગરો આપવામાં આવ્યા.
૭ મરારીના વંશજોના જે લોકો હતા તેઓને રુબેનના, ગાદ અને ઝબુલોનના કુળમાંથી બાર નગરો પ્રાપ્ત થયા.
૮ તેથી યહોવાહે મૂસાની મારફતે જે આજ્ઞા આપી હતી, તેમ ઇઝરાયલ લોકોએ ચિઠ્ઠીઓ નાખીને આ નગરો તેઓનાં ગૌચરો સહિત લેવીઓને આપ્યાં. ૯ અને તેઓના નામની યાદી પ્રમાણે યહૂદાના કુળમાંથી, શિમયોનના કુળમાંથી, ઉપર દર્શાવ્યાં પ્રમાણેનાં નગરોના ભાગ તેઓને સોંપવામાં આવ્યા. ૧૦ હારુનના વંશજો જે લેવીઓના કુળમાંથી પાછા ફર્યા હતા અને કહાથીઓના કુટુંબો મધ્યે હતા, તેમને આ નગરો આપવામાં આવ્યાં હતાં. કેમ કે પહેલી ચિઠ્ઠી તેઓના નામની નીકળી હતી.
૧૧ ઇઝરાયલીઓએ તેઓને યહૂદિયાના પહાડી પ્રદેશમાંનું કિર્યાથ-આર્બા (અનાકના પિતાનું નગર), એટલે હેબ્રોન તેની આસપાસનાં ગૌચર સહિત આપ્યાં. ૧૨ પણ નગરનાં ખેતરો અને તેનાં ગામો યફૂન્નેના પુત્ર કાલેબને અગાઉથી જ સુપ્રત કરાયા હતાં.
૧૩ તેઓએ હારુન યાજકના વંશજોને મનુષ્યઘાતક માટેના આશ્રયનું નગર તે, હેબ્રોન તેનાં ગૌચર સહિત તથા લિબ્ના તેનાં ગૌચર સહિત અને ૧૪ યાત્તીર તેનાં ગૌચર સહિત, એશ્તમોઆ તેનાં ગૌચર સહિત. ૧૫ હોલોન પણ તેનાં ગૌચર સહિત, દબીર તેનાં ગૌચર સહિત આપ્યાં, ૧૬ આયિન તેનાં ગૌચર સહિત, યૂટ્ટા તેનાં ગૌચર સહિત અને બેથ-શેમેશ તેનાં ગૌચર સહિત. એ નવ નગરો આ બે કુળને આપવામાં આવ્યાં.
૧૭ બિન્યામીનના કુળમાંથી ગિબ્યોન તેનાં ગૌચર સહિત, ગેબા તેનાં ગૌચર સહિત, ૧૮ અનાથોથ તેનાં ગૌચર સહિત તથા આલ્મોન તેનાં ગૌચર સહિત એ ચાર નગરો. ૧૯ હારુનના વંશજોના યાજકોને, બધાં મળીને કુલ તેર નગરો તેનાં ગૌચર સહિત આપવામાં આવ્યાં હતાં.
૨૦ કહાથના કુટુંબનાં જે લેવી પુત્રો હતા તેઓને માટે ચિઠ્ઠીઓ નાખતાં તે પ્રમાણે એફ્રાઇમનાં કુળમાંથી તેઓને નગરો આપવામાં આવ્યાં. ૨૧ તેઓને એફ્રાઇમનાં પહાડી પ્રદેશમાંનું મનુષ્યઘાતકનું આશ્રયનગર શખેમ તેનાં ગૌચર સહિત તથા ગેઝેર તેનાં ગૌચર સહિત આપવામાં આવ્યાં હતાં, ૨૨ કિબ્સાઈમ તેનાં ગૌચર સહિત તથા બેથ-હોરોન તેનાં ગૌચર સહિત. એ ચાર નગરો તેઓને આપ્યાં.
૨૩ દાનના કુળમાંથી કહાથના કુટુંબોને એલ્તકે તેનાં ગૌચર સહિત, ગિબ્બથોન તેનાં ગૌચર સહિત આપ્યાં હતાં, ૨૪ આયાલોન તેનાં ગૌચર સહિત, ગાથ-રિમ્મોન તેનાં ગૌચર સહિત. ચાર નગરો આપવામાં આવ્યાં.
૨૫ કહાથના કુટુંબનાં મનાશ્શાના અર્ધકુળમાંથી, તાનાખ તેનાં ગૌચર સહિત તથા ગાથ-રિમ્મોન તેનાં ગૌચર સહિત એ બે નગરો આપવામાં આવ્યાં. ૨૬ કહાથના બાકીના કુટુંબોના સર્વ મળીને દસ નગરો તેનાં ગૌચર સહિત આપવામાં આવ્યાં.
૨૭ મનાશ્શાના અર્ધકુળમાંથી બાશાનમાંનું ગોલાન તેનાં ગૌચર સહિત, બેશ્તરા તેનાં ગૌચર સહિત. એ બે નગરો લેવીઓના કુટુંબોમાંના ગેર્શોનના પુત્રોને આપવામાં આવ્યાં.
૨૮ ગેર્શોનના કુટુંબોથી ઇસ્સાખારના કુળમાંથી કિશ્યોન તેનાં ગૌચર સહિત, દાબરાથ તેનાં ગૌચર સહિત, ૨૯ યામૂર્થ તેનાં ગૌચર સહિત એન-ગાન્નીમ તેનાં ગૌચર સહિત ચાર નગરો આપવામાં આવ્યાં. ૩૦ આશેરના કુળમાંથી મિશાલ અને તેના ગૌચર સહિત, આબ્દોન તેના ગૌચર સહિત, ૩૧ હેલ્કાથ તેના ગૌચર સહિત અને રહોબ તેનાં ગૌચર સહિત એ ચાર નગરો આપવામાં આવ્યાં.
૩૨ નફ્તાલીના કુળમાંથી ગાલીલમાંનું મનુષ્યઘાતકનું આશ્રયનગર કેદેશ તેનાં ગૌચર સહિત, હામ્મોથ-દોર તેનાં ગૌચર સહિત તથા કાર્તાન તેનાં ગૌચર સહિત એ ત્રણ નગરો આપ્યાં. ૩૩ ગેર્શોનીઓનાં કુટુંબો માટે, તેનાં ગૌચરો સહિત બધાં મળીને તેર નગરોનો સમાવેશ થતો હતો.
૩૪ બાકી રહેલા લેવીઓને એટલે મરારીના કુટુંબોને ઝબુલોનના કુળમાંથી યોકનામ તેનાં ગૌચર સહિત, કાર્તા તેનાં ગૌચર સહિત, ૩૫ દિમ્ના તેનાં ગૌચર સહિત, નાહલા તેનાં ગૌચર સહિત. એ ચાર નગરો આપવામાં આવ્યાં.
૩૬ રુબેનના કુળમાંથી મરારીના કુટુંબોને બેસેર તેનાં ગૌચરો સહિત, યાહાસ તેનાં ગૌચરો સહિત, ૩૭ કદેમોથ તેનાં ગૌચરો સહિત તથા મેફાઆથ તેનાં ગૌચરો સહિત એ ચાર નગરો આપવામાં આવ્યાં. ૩૮ તેઓએ ગાદના કુળમાંથી ગિલ્યાદમાંનું મનુષ્યઘાતક માટેનું આશ્રયનગર રામોથ તેનાં ગૌચરો સહિત તથા માહનાઇમ તેનાં ગૌચરો સહિત.
૩૯ હેશ્બોન તેનાં ગૌચરો સહિત તથા યાઝેર તેનાં ગૌચરો સહિત બધાં મળીને કુલ ચાર નગરો. ૪૦ આ બધાં નગરો, મરારીપુત્રોના અનેક કુટુંબોના નગરો હતાં, જે લેવીના કુળથી-ચિઠ્ઠી નાખવાથી તેઓને આપવામાં આવ્યાં હતાં.
૪૧ ઇઝરાયલના લોકોએ કબજે કરેલી જમીનની મધ્યેથી લેવીઓએ અડતાળીસ નગરો તેનાં ગૌચર સહિત મેળવ્યાં. ૪૨ આ નગરોમાં પ્રત્યેક નગરની આસપાસ તેનાં ગૌચરો હતાં. એ જ પ્રમાણે એ સર્વ નગરોનું હતું.
૪૩ તે પ્રમાણે તેમણે ઇઝરાયલને તે સઘળો દેશ આપ્યો. યહોવાહે ઇઝરાયલના પૂર્વજોને જે દેશ આપવાની પ્રતિજ્ઞા કરી હતી. ઇઝરાયલીઓએ તેનો કબજો લીધો અને ત્યાં વસવાટ કર્યો. ૪૪ પછી યહોવાહે તેઓને બધી બાજુએથી શાંતિ આપી કે જેની તેમણે તેઓના પૂર્વજો સાથે પ્રતિજ્ઞા કરી હતી. તેઓના સર્વ શત્રુમાંથી કોઈ તેઓને હરાવી શક્યું નહિ. યહોવા તેઓના સર્વ શત્રુઓને તેઓના હાથમાં સોંપ્યા. ૪૫ યહોવાહે ઇઝરાયલના ઘરનાઓને જે કંઈ વચન આપ્યું હતું તે સર્વમાંથી એકેય પૂરું થયા વિના રહ્યું નહિ. તેમાંના તમામ વચનો પરિપૂર્ણ થયાં.