Nehemiah
નહેમ્યા
૧ હખાલ્યાના પુત્ર નહેમ્યાનું વૃતાંત આ પ્રમાણે છે.
વીસમા વર્ષના કિસ્લેવ માસમાં હું સૂસાના કિલ્લામાં રહેતો હતો ત્યારે એવું બન્યું કે, ૨ મારા ભાઈઓમાંનો એક, હનાની, યહૂદિયામાંના કેટલાક માણસો સાથે ત્યાં આવ્યો. મેં તેઓને બંદીવાસમાંથી મુક્ત થયેલાઓમાંના તથા બચેલાઓમાંના યહૂદીઓ તથા યરુશાલેમ વિષે પૂછ્યું.
૩ તેઓએ મને કહ્યું કે, “બંદીવાસમાંથી છૂટીને જેઓ ત્યાં બાકી રહેલા છે તેઓ ખૂબ મુશ્કેલી તથા કરુણ સ્થિતિમાં આવી પડેલા છે. યરુશાલેમનો કોટ તોડી પાડવામાં આવેલો છે અને તેના દરવાજા બાળી નાખવામાં આવ્યા છે.”
૪ જયારે એ સમાચાર મેં સાંભળ્યાં ત્યારે હું નીચે બેસીને રડ્યો. કેટલાક દિવસો સુધી મેં શોક પાળ્યો અને ઉપવાસ કરીને આકાશના ઈશ્વર સમક્ષ મેં પ્રાર્થના કરી. ૫ મેં કહ્યું, “હે યહોવા આકાશના ઈશ્વર, મહાન અને ભયાવહ ઈશ્વર, જેઓ તમારા પર પ્રેમ રાખે છે અને તમારી આજ્ઞા પાળે છે તેઓની સાથે કરેલો કરાર તમે દયાથી પાળો છો.
૬ “મારી પ્રાર્થના સાંભળો અને તમારી દ્રષ્ટિ મારા પર રાખો. તમારો આ સેવક જે પ્રાર્થના કરે છે તે સાંભળો; “તમારા સેવકો ઇઝરાયલીઓ માટે રાતદિવસ હું તમને પ્રાર્થના કરું છું. તેઓએ તમારી વિરુદ્ધ જે પાપ કર્યાં છે તે તથા મેં તેમ જ મારા પૂર્વજોએ જે પાપ કર્યા છે તેની હું કબૂલાત કરું છું. ૭ અમે તમારી વિરુદ્ધ ઘણું ખરાબ વર્તન કર્યું છે. તમારા સેવક મૂસા મારફતે જે આજ્ઞાઓ, નિયમો તથા વિધિઓ અમને અપાયાં હતાં તે અમે પાળ્યાં નથી.
૮ જે શબ્દો તમે તમારા સેવક મૂસા મારફતે ફરમાવ્યાં હતાં તેને સંભારો, તમે કહ્યું હતું કે, 'જો તમે અવિશ્વાસુપણે વર્તશો તો હું તમને વિદેશીઓમાં વિખેરી નાખીશ, ૯ પરંતુ જો તમે મારી પાસે પાછા આવશો અને મારી આજ્ઞાઓનું પાલન કરશો અને તેનો અમલ કરશો, તો તમારા વંશજો આકાશના છેડા સુધી વેરવિખેર થઈ ગયા હશે તો પણ હું તેમને મારા નામ માટે મેં જે સ્થાન પસંદ કર્યુ છે ત્યાં પાછા લાવીશ.'
૧૦ “તેઓ તમારા સેવકો અને તમારા લોક છે, જેઓને તમે તમારા મહાન સામર્થ્ય વડે અને તમારા બળવાન હાથ વડે મુક્ત કર્યાં છે. ૧૧ હે યહોવા, હું વિનંતી કરું છું, તમારા સેવકની પ્રાર્થના અને જેઓ તમારો આદર કરવામાં ભયસહિત આનંદ માને છે, તેવા તમારા સેવકોની પ્રાર્થના પણ સાંભળો. આજે તમે તમારા સેવકને આબાદી બક્ષો. અને આ માણસની તેના પર કૃપાદ્રષ્ટિ થાય એમ તમે કરો.”
મેં રાજાની પાત્રવાહકની જેમ સેવા કરી.