૬૪
 ૧ જો તમે આકાશોને ફાડીને નીચે ઊતરો! જો પર્વતો તમારી હાજરીમાં કંપે, તો કેવું સારું, 
 ૨ જેમ અગ્નિ ઝાડીને સળગાવે છે, જેમ અગ્નિ પાણીને ઉકાળે છે. 
તેમ તમારું નામ તમારા શત્રુઓ જાણી જશે, જેથી પ્રજાઓ તમારી હાજરીમાં ધ્રૂજી ઊઠશે! 
 ૩ અગાઉ, અમારી કલ્પનામાં ન આવે એવાં અદ્દભુત કામો તમે કરતા હતા, તમે નીચે ઊતર્યા અને પર્વતો તમારી હાજરીથી કંપી ઊઠયા. 
 ૪ આદિકાળથી કોઈએ સાંભળ્યું નથી કે માનવામાં આવ્યું નથી, 
કે કોઈ આંખે તમારા સિવાય બીજા કોઈ ઈશ્વરને જોયો નથી, કે જે તેમની રાહ જોનારને માટે એવું કરે. 
 ૫ જેઓ આનંદથી જે યોગ્ય છે તે કરે છે, જેઓ તમારા માર્ગોને ધ્યાનમાં રાખીને તેને પાળે છે, તેઓને સહાય કરવાને તમે આવો. 
તમે કોપાયમાન થયા હતા કેમ કે અમે પાપ કર્યું. તમારા માર્ગોમાં અમારો હંમેશા ઉદ્ધાર થશે. 
 ૬ અમે સર્વ અશુદ્ધ જેવા થયા છીએ અને અમારાં સર્વ ન્યાયી કાર્યો મલિન વસ્ત્રો જેવાં થયાં છે. 
અમે સર્વ પાંદડાંની જેમ સુકાઈ જઈએ છીએ; અમારા અપરાધો, પવનની જેમ અમને ઉડાવી જાય છે. 
 ૭ કોઈ તમારા નામે વિનંતી કરતા નથી, કોઈ તમને વળગી રહેવાને પ્રયત્ન કરતા નથી; 
કેમ કે તમે તમારું મુખ અમારાથી સંતાડ્યું છે અને અમને અમારાં પાપોના હાથમાં સોપી દીધા છે. 
 ૮ અને છતાં, હે યહોવાહ, તમે અમારા પિતા છો; 
અમે માટી છીએ. તમે અમારા કુંભાર છો; અને અમે સર્વ તમારા હાથની કૃતિ છીએ. 
 ૯ હે યહોવાહ, તમે અતિશય કોપાયમાન ન થાઓ, કે સર્વકાળ અમારાં પાપનું સ્મરણ ન કરો. 
અમે વિનંતી કરીએ છીએ, અમને જુઓ, અમે સર્વ તમારા લોકો છીએ. 
 ૧૦ તમારા પવિત્ર નગરો ઉજ્જડ થઈ ગયાં છે; 
સિયોન અરણ્ય થઈ ગયું છે, યરુશાલેમ પાયમાલ થઈ ગયું છે. 
 ૧૧ અમારું પવિત્ર અને સુંદર સભાસ્થાન, જેમાં અમારા પૂર્વજો તમારી સ્તુતિ કરતા હતા, 
તેને બાળી નાખવામાં આવ્યું છે અને અમને જે સર્વ પ્રિય હતું તે નષ્ટ થયું છે. 
 ૧૨ હે યહોવાહ, તમે કેવી રીતે હજુ પાછા હઠશો? તમે કેવી રીતે શાંત રહી શકો અને અમારું અપમાન કરવું ચાલુ રાખશો?”