૨૭
 ૧ યહોવાહ મારા ઉધ્ધારનાર તથા પ્રકાશ છે; 
હું કોનાથી બીહું ? 
યહોવાહ મારા જીવનનું સામર્થ્ય છે; 
મને કોનો ભય લાગે? 
 ૨ જ્યારે દુરાચારીઓ અને મારા શત્રુઓ મારો સંહાર કરવા આવશે, 
ત્યારે તેઓ ઠોકર ખાઈને નીચે પડશે. 
 ૩ જો કે સૈન્ય મારી સામે છાવણી નાખે, 
તોપણ હું મનમાં ડરીશ નહિ; 
જો કે મારી વિરુદ્ધ યુદ્ધ ઊઠે, 
તોપણ હું ઈશ્વર પર ભરોસો રાખીશ. 
 ૪ યહોવાહ પાસે મેં એક વરદાન માગ્યું છે: 
કે યહોવાહનું ઘર મારી જિંદગીના સર્વ દિવસો દરમ્યાન મારું નિવાસસ્થાન થાય, 
જેથી હું યહોવાહના સૌંદર્યનું અવલોકન કર્યા કરું 
અને તેમના પવિત્રસ્થાનમાં તેમનું ધ્યાન ધરું. 
 ૫ કેમ કે સંકટના સમયે તેઓ મને પોતાના મંડપમાં ગુપ્ત રાખશે; 
તે પોતાના મંડપને આશ્રયે મને સંતાડશે. 
તે મને ખડક પર ચઢાવશે! 
 ૬ પછી મારી આસપાસના શત્રુઓ પર મારું માથું ઊંચું કરવામાં આવશે 
અને હું તેમના મંડપમાં હર્ષનાદનાં અર્પણ ચઢાવીશ! 
હું ગાઈશ અને યહોવાહનાં સ્તોત્રો ગાઈશ! 
 ૭ હે યહોવાહ, જ્યારે હું વિનંતી કરું, ત્યારે તે સાંભળો! 
મારા પર દયા કરીને મને ઉત્તર આપો! 
 ૮ મારું હૃદય તમારા વિષે કહે છે કે, 
“તેમનું મુખ શોધો!” હે યહોવાહ, હું તમારું મુખ શોધીશ! 
 ૯ તમે તમારું મુખ મારાથી ફેરવશો નહિ; 
કોપ કરીને તમે તમારા સેવકને તજી દેશો નહિ! 
તમે મારા સહાયકારી થયા છો; 
હે મારા ઉદ્ધારનાર ઈશ્વર, મને દૂર ન કરો અને મને તજી ન દો! 
 ૧૦ જો કે મારા માતાપિતાએ મને તજી દીધો છે, 
તોપણ યહોવાહ મને સંભાળશે. 
 ૧૧ હે યહોવાહ, મને તમારો માર્ગ શીખવો! 
મારા શત્રુઓને લીધે 
મને સરળ માર્ગે દોરી જાઓ. 
 ૧૨ મને મારા શત્રુઓના હાથમાં ન સોંપો, 
કારણ કે જૂઠા સાક્ષીઓ તથા જુલમના ફૂંફાડા મારનારા 
મારી વિરુદ્ધ ઊઠ્યા છે! 
 ૧૩ આ જીવનમાં હું યહોવાહની દયાનો અનુભવ કરીશ, એવો જો મેં વિશ્વાસ કર્યો ન હોત તો હું નિર્બળ થઈ જાત! 
 ૧૪ યહોવાહની રાહ જો; 
બળવાન થા અને હિંમત રાખ! 
હા, યહોવાહની રાહ જો!