1હે યરૂશાલેમ, તારી સૈના ભેગી કર,
દુશ્મનોએ આપણને ઘેરો ઘાલ્યો છે;
તેઓ ઇસ્રાએલના ન્યાયાધીશને
ગાલ પર સોટી વડે મારશે.
બેથલેહેમનું ગૌરવ
2હે બેથલેહેમ એફ્રાથાહ,
તું યહૂદિયાનું સૌથી
નાનકડું ગામડું છે,
પણ મને લાગે છે કે,
“ઇસ્રાએલનો શાસક તારામાંથી આવશે,
જેના વંશના મૂળ ખૂબ પ્રાચીન કાળમાં છે.”
3તેથી યહોવા પોતાના લોકોનો ત્યાગ કરશે,
પણ ગર્ભવતીને પુત્ર અવતરશે ત્યાં સુધી જ.
ત્યારબાદ તો એ પુત્રના જાતભાઇઓમાંથી બચવા પામેલાઓ
દેશવટેથી પાછા આવી બીજા ઇસ્રાએલીઓની સાથે ભેગા થશે.
4તે યહોવાના સાર્મથ્યસહિત તથા પોતાના દેવ યહોવાના નામના પ્રતાપસહિત ઊભો
રહીને પોતાના લોકોનું પાલન કરશે. અને તેઓ સુરક્ષામાં રહેશે.
અને તે વખતે તો આખી દુનિયામાં તેમનો પ્રભાવ પડતો હશે,
અને તે જ શાંતિ ફેલાવશે.
5હવે ત્યાં શાંતિ હશે.
આશ્શૂરી સૈન્ય આપણા વતન વિરુદ્ધ ચઢી આવશે
અને તે આપણી જમીન ઉપર કૂચ કરશે,
ત્યારે આપણી કાળજી લેવા માટે તે સાત પાળકોની
અને આપણને દોરવણી આપવા માટે આઠ સરદારોની નિમણૂંક કરશે.
6તેઓ આશ્શૂરની ભૂમિ પર તરવારથી
અને નિમ્રોદની ભૂમિ ઉપર ઉઘાડી તરવારોથી શાસન કરશે,
અને તે આપણને આશ્શૂરથી બચાવશે જે આપણી ભૂમિ પર પ્રવેશ્યા છે
અને જેણે આપણી સરહદોને કચડી નાખી છે.
7ઘણી પ્રજાઓમાંથી યાકૂબના બચવા પામેલા
વંશજો ઘાસ ઉપર વરસતાં ઝાપટાં જેવા બની જશે,
જે માણસ ઉપર આધાર રાખતા નથી, કે
તેના માટે રોકાતા નથી.
8યાકૂબના બચી ગયેલાઓ
ઘણી પ્રજાઓમાં વનનાં
પશુઓમાં સિંહના જેવા,
તથા ઘેટાંનાઁ ટોળામાં
સિંહના બચ્ચા જેવા થશે;
કે જે તેઓમાં થઇને જાય તો
તેમને કચરી નાખે છે,
ને તેમને ફાડીને ટુકડા કરે છે,
ને છોડાવનાર કોઇ હોતું નથી.
9તારા શત્રુઓ પર તારો હાથ ઉગામાશે
અને તારા બધા હરીફો નાશ પામશે.
લોકો દેવના વિશ્વાસે રહેશે
10વળી યહોવા કહે છે કે,
“તે દિવસે હું તમારી વચ્ચેથી તમારા ઘોડાઓનો વધ કરી નાખીશ
અને તમારા રથોનો નાશ કરીશ.
11હું તમારા દેશનાઁ નગરોનો નાશ કરીશ,
ને તમારા સર્વ કિલ્લાઓ તોડી પાડીશ;
12વળી હું બધા જાદુગરોનો નાશ કરીશ
અને બધા ભવિષ્યવેત્તાઓને હાંકી કાઢીશ.
13હું તમારી સર્વ મૂર્તિઓ અને સ્તુતિસ્તંભો જેની
તમે ઉપાસના કરો છો તેનો નાશ કરીશ.
તમારા હાથોએ જે બનાવ્યું છે તેની તમે ફરીથી ભકિત કરશો નહિ,
14તમારા દેશમાંથી હું અશેરાદેવીની પ્રતિમાઓને ઉખેડી નાખીશ;
અને તમારી મૂર્તિઓનો નાશ કરીશ.
15અને મારી આજ્ઞાઓનું પાલન ન કરનાર પ્રજાઓ ઉપર હું
રોષે ભરાઇને વૈર વાળીશ.”