જ્ઞાનનાં વરદાન
1મારા દીકરા, જો તું મારાં વચનોનો અંગીકાર કરશે અને મારી આજ્ઞાઓ અંતરમાં સંઘરી રાખશે, 2ડહાપણની વાત ધ્યાનથી સાંભળીને, સમજણમાં તારું ધ્યાન દોરીશ; 3અને જો તું વિવેકબુદ્ધિનેમાટે પોકાર કરશે અને સમજણ શકિત માટે ખંત રાખશે. 4અને તું જો ચાંદીની જેમ અને છૂપાવેલા ખજાનાની જેમ તેને શોધશે. 5તો તને યહોવાના ભયનું ભાન થશે. અને તને દેવનું જ્ઞાન પ્રાપ્ત થશે.
6કારણ કે યહોવા જ્ઞાનના દાતા છે, તેના મુખમાંથી જ્ઞાન અને સમજણ શકિત પ્રગટે છે. 7તે નીતિમાન લોકોને વ્યવહારિક ક્ષમતા આપે છે, પ્રામાણિકતાથી રહેતા લોકોની રક્ષા કરે છે. 8તે ન્યાયના માર્ગની રક્ષા કરે છે અને પોતાના વફાદાર લોકોની કાળજી લે છે.
9ત્યારે તને સમજાશે કે દરેક સાચો અને સારો રસ્તો સત્ય ન્યાયી અને પ્રામાણિક હોય છે; 10તારા હૃદયમાં શાણપણ પ્રવેશશે અને જ્ઞાન તારા આત્માને ખુશીથી ભરી દેશે.
11વિવેકબુદ્ધિ તારું ધ્યાન રાખશે અને સમજણ તારું રક્ષણ કરશે. 12ખરાબ માગેર્થી અને આડું બોલનાર માણસોથી તને ઉગારી લેશે; 13જેઓ સદાચારના માર્ગ તજીને અંધકારને માગેર્ ચાલે છે. 14જેઓ દુષ્ટતા આચરવામાં આનંદ માણે છે, અને છળકપટ કરવામાં જ તેમને મજા પડે છે. 15જેઓના રસ્તા આડા છે, અને જેમના પગલા છેતરામણાં છે તેમનાથી તારું રક્ષણ કરશે.
16વળી સમજ કે તે તને વ્યભિચારી સ્ત્રીઓથી અને તેમની લોભામણી વાણીથી બચાવશે. 17જે પોતાના પતિને જેની સાથે જુવાનીમાં તેણે લગ્ન કરેલા તેને છોડી દે છે અને દેવ સાથે કરેલો પોતાનો કરાર વિષે ભૂલી જાય છે; 18તેનું ઘર મૃત્યુની ખાઇમાં ઊતરી જાય છે અને તેનો માર્ગ મૃત્યુલોકમાં જાય છે. 19તેની પાસે જનારાઓમાંથી કોઇ પાછો ફરતો નથી, તેઓ જીવનનો માર્ગ સંપાદન કરી શકતા નથી.
20તું સજ્જનોના માગેર્ ચાલજે અને ન્યાય અને સત્યના રસ્તા પર ટકી રહેજે. 21કારણકે, પ્રામાણિક માણસો જ પૃથ્વી પર જીવતા રહેશે. સંનિષ્ઠ અને નિદોર્ષ માણસો જ એમાં વસશે. 22પણ દુષ્ટોનું પૃથ્વી પરથી નિકંદન નીકળી જશે. અને જેઓ કપટ કરનારા છે તેમને સમૂળગા ઉખેડી નાખવામાં આવશે.