વ્યભિચાર સામે ચેતવણી
1મારા દીકરા, મારા ડહાપણને સાંભળજે અને મારા શાણા શિક્ષણ પર ધ્યાન આપજે. 2જેથી કરીને તારી વિવેકબુદ્ધિ જળવાઇ રહે, અને તારી વાણીમાં જ્ઞાન આવે. 3કારણ કે અજાણી સ્ત્રીના હોઠોમાંથી મધ ટપકે છે. અને તેની વાણી તેલ કરતા સુંવાળી હોય છે. 4પણ તેનો અંત વિષ જેવો કડવો અને બેધારી તરવાર જેવો તીક્ષ્ણ હોય છે. 5તેણીના પગ મૃત્યુ સુધી પહોંચે છે અને તેણીનાં પગલાં શેઓલમાં પહોંચે છે. 6તેણી સાચા રસ્તે જવાની મનાઇ કરે છે અને તેણીને ખબર નથી કે પોતાના માગેર્થી તેણી રખડી પડશે.
7તેથી મારા પુત્રો, મારી વાત સાંભળો, અને હું જે કહું છું તેનાથી દૂર થઇશ નહિ. 8પરસ્ત્રીથીં દૂર રહેજે અને તેના ઘરના બારણાં પાસે જતો નહિ. 9રખેને તું તારી સંપતિ ખોઇ બેસે અને તારું જીવન નિર્દય ઘાતકી માણસોના હાથમાં જાય. 10રખેને તારી શકિત પારકાને મળે અને તારી મહેનતના ફળ બીજાના કુટુંબને મળે. 11તું અંત સમયે આક્રંદ કરીશ જ્યારે તારું હાડમાંસ અને શ રીરનો વિનાશ થઇ જશે. 12અને તું કહીશ કે, “મેં કેમ શિક્ષણને ધિક્કાર્યું અને મારા અંત:કરણના ઠપકાને તુચ્છ ગણ્યો! 13શા માટે મેં મારા ગુરૂજનોનું કહ્યું માન્યું નહિ, અને મને શિક્ષણ આપનારાઓ પ્રત્યે ધ્યાન નહોતું રાખ્યું! 14હું તો લોકોની દરેક અનિષ્ટ વસ્તુઓમાં સંકળાયેલો હતો.”
15તારા પોતાના ટાંકામાંથી અને તારા પોતાના કૂવાના ઝરણામાંથી જ પાણી પીજે. 16તારા પાણીના ઝરાને શરીઓમાં ઉભરાવા દઇશ નહિ. 17એ પાણી ફકત તારા એકલા માટે જ હો, તારી સાથેના બીજાઓ માટે નહિં. 18ભલે એ તારા ઝરણાઓને ઘણી સંતતિ મેળવવાના આશીર્વાદ મળે. તારી પોતાની યુવાન પત્ની સાથે તું આનંદ માન. 19જે હરણી જેવી સુંદર અને પર્વતીય મૃગલી જેવી જાજરમાન નારી છે તેના સ્તનોથી તું સદા સંતોષ પામ અને તેના પ્રેમમાં જ તું નિરંતર મગ્ન રહે. 20મારા પુત્ર, શા માટે તારે પરસ્ત્રી પર મોહિત થવું જોઇએ? શા માટે તારે પરસ્ત્રીના શરીરને આલિંગન આપવું જોઇએ?
21કારણ કે, માણસના પ્રત્યેક વર્તન-વ્યવહાર ઉપર યહોવાની નજર હોય છે. અને તે જે કાઇં કરે છે તેના ઉપર તે ધ્યાન રાખે છે. 22દુરાચારી તે તેમના પાપોમાં સપડાય છે અને તેમના પાપો તેમને દોરડાની જેમ જકડી રાખે છે. 23કારણકે, સંયમના અભાવે તે મરી જશે અને તેની મૂર્ખતા ને કારણે તે છકી જશે.