જ્ઞાન-અજ્ઞાનની ઉજવણી
1જ્ઞાને પોતાનું ઘર બાંધ્યું છે. તેણે પોતાના સાત સ્તંભો કોતરી કાઢયા છે; 2તેણે માંસ અને દ્રાક્ષારસ તૈયાર કર્યા છે; અને મેજ ગોઠવીને તૈયાર કર્યુ છે. 3તેણે પોતાની દાસીઓને શહેરમાં ઊંચામાં ઊંચા સ્થાનેથી આ જાહેર કરવા મોકલી છે કે, 4“કોઇ ભોળું હોય, તે અહીં અંદર આવે; અને બુદ્ધિહીન લોકોને તે કહે છે, 5આવો, મારી સાથે ભોજન લો અને મેં રેડેલો દ્રાક્ષારસ પીઓ. 6તમારી હઠ છોડી દો તો જીવવા પામશો, બુદ્ધિને માગેર્ ચાલો.”
7જે ઉદ્ધત માણસને ઠપકો આપે છે તે અપમાનિત થાય છે. જે દુષ્ટ માણસને સુધારવા જાય છે તે દુ:ભાય છે. 8ઉદ્ધત માણસને ઠપકો ન આપો, નહિ તો તે તારો તિરસ્કાર કરશે, જ્ઞાની માણસને ભૂલ બતાવશો તો તે તમને પ્રેમ કરશે. 9જો તમે જ્ઞાની વ્યકિતને સલાહ આપશો તો તે વધુ જ્ઞાની બનશે. અને ન્યાયી વ્યકિતને શિક્ષણ આપશો તો તેના જ્ઞાનમાં વૃદ્ધિ થશે.
10યહોવાથી ડરવું એ જ્ઞાનની શરૂઆત છે, પરમપવિત્રની ઓળખાણ એ જ બુદ્ધિની શરૂઆત છે. 11જ્ઞાનને લીધે તારું આયુષ્ય લાંબુ થશે અને તારા જીવનના વષોર્ વધશે. 12જો તું જ્ઞાની હોય તો એ તારા લાભની વાત છે.જો તું ઉદ્ધત થઇશ, તો તારે તેની કિંમ્મત ચૂકવવી પડશે.
મૂર્ખ સ્ત્રી કંકાસિપણ
13મૂર્ખ સ્ત્રી કંકાસિપણ છે; અને સમજણ વગરની છે. અને છેક અજાણ છે. 14તે નગરની ઊંચી જગાઓ ઉપર અને પોતાના ઘરને બારણે બેસે છે. 15ત્યાંથી તેણી પોતાને માગેર્ ઝડપથી પસાર થતા લોકોને બોલાવે છે. 16“જે કોઇ મૂર્ખ હોય, તે અહીં અંદર આવે;” અને બુદ્ધિહીનને તેણી કહે છે કે, 17“ચોરીને પીધેલું પાણી મીઠું લાગે છે, અને છુપાવીને ખાધેલો રોટલો સ્વાદિષ્ટ લાગે છે.” 18પરંતુ એ લોકોને ખબર નથી કે ત્યાં તો મોતની જગ્યા છે. અને તેના મહેમાનો શેઓલ તરફ આગળ વધી રહ્યાં છે.